બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના માધવાની પરણીતાને ફતેપુરા પોલીસ દ્વારા અન્યાય થતાં ગૃહ મંત્રી સમક્ષ રજૂઆત
પતિ,સાસુ-સસરા દ્વારા અસહ્ય શારીરિક-માનસિક ત્રાસ આપી ત્રણ વર્ષના બાળકને ઝૂંટવી લઈ પરણીતાને કાઢી મૂકતાં પતિ તથા સસરા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે
પતિના મારનો ભોગ બનેલી પરણીતાના પેટમાં ઉછરી રહેલ બે માસના ગર્ભને નુકસાન થતા ગર્ભનો નિકાલ કરવામાં આવ્યો હતો
ત્રાસ આપવામાં ભાગ ભજવનાર સાસુના નામની બાદબાકી કરી તથા ગડદા પાટુનો મારમારતા ગર્ભને થયેલ નુકસાનની કલમ નહી ઉમેરાતાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ
સુખસર,તા.૨૮
ફતેપુરા તાલુકાના માધવાની પરણીતાને બદચલન હોવાનો શક રાખી પતિ,સાસુ-સસરા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પતિ તથા સસરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જ્યારે ત્રાસ આપવામાં ભાગ ભજવનાર સાસુના નામની બાદબાકી કરી છાવરવામાં આવ્યા હોવા બાબતે તથા પરણીતાને ગડદા પાટુનો માર વાગતાં પેટમાં ઉછરી રહેલ બે માસના ગર્ભને નુકસાન થતાં ગર્ભનો નિકાલ કરવામાં આવ્યો હોવા બાબતે પોલીસ દ્વારા કલમ નહીં ઉમેરી અન્યાય કરવામાં આવ્યો હોવા બાબતે ત્રાસનો ભોગ બનેલી પરણીતાએ ગૃહ મંત્રી ગાંધીનગર,પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર,આઇ.જી.પી પંચમહાલ રેન્જ ગોધરા સહીત દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામના કાળુભાઈ દલાભાઈની પુત્રી નર્મદાબેન કાળુભાઈ ચમાર ના લગ્ન પાંચેક વર્ષ અગાઉ માધવા ગામના હિતેશભાઈ શાંતિલાલ ચમારની સાથે સમાજના રિવાજ મુજબ થયા હતા.જેઓને સંતાનમાં હાલ ત્રણ વર્ષનો એક પુત્ર છે. છતાં નર્મદાબેન અન્ય લોકો સાથે આડા સંબંધ રાખતી હોવાનું પતિ તથા સાસુ-સસરાનાઓ શક રાખી છેલ્લા એક વર્ષથી નર્મદાબેનને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.તેવી જ રીતે ગત ૧૩ ઓક્ટોબર-૨૦૨૩ થી ૧૭ ઓક્ટોબર-૨૦૨૩ સુધી નર્મદાબેનને ઘરમાં પૂરી અસહ્ય શારીરિક-માનસિક ત્રાસ આપી તેના પિતા કાળુભાઈ ના ઓને મોબાઇલથી જણાવેલ કે,તમો આવીને તમારી છોકરી નર્મદાને લઈ જાઓ તેમ જણાવતા નર્મદાબેનના માતા-પિતા તથા ભાઈએ માધવા ગામે જઈ નર્મદાબેનને બોલાવી લાવી શારીરિક ત્રાસનો ભોગ બનેલી નર્મદાબેનને ફતેપુરા સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.જોકે નર્મદાબેન પાસેથી પોતાના ત્રણ વર્ષના બાળકને પણ નર્મદાબેનના સાસુ-સસરા તથા પતિએ ઝુટવી લીધો હતો. ત્યારબાદ નર્મદાબેન ને ફતેપુરા સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તપાસ બાદ ફરજ ઉપરના તબીબે ખાનગી દવાખાનામાં લઈ જવા અને રિપોર્ટ કરાવવા જણાવતા ફતેપુરાના ખાનગી દવાખાનામાં જઈ સોનોગ્રાફી કરાવતા નર્મદાબેનના પેટમાં બે માસનો ગર્ભ હોવાનું અને ગર્ભને નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું અને તાત્કાલિક દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવાનું જણાવતા નર્મદાબેનના માતા-પિતા નર્મદાબેનને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.જ્યાં તપાસ કરતાં નર્મદાબેનના પેટમાં ગર્ભમાં નુકસાન થયું હોવાનું અને તેનો વહેલી તકે નિકાલ કરવાનું જણાવતા ગર્ભનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત બાબતે નર્મદાબેને ફતેપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદમાં પતિ,સાસુ-સસરાના નામના ઉલ્લેખ સાથે જાણ કરી હતી.જેથી ફતેપુરા પોલીસ દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે જઈ ફરિયાદીની ફરિયાદ લઈ ૧૭ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ કાયદેસર એફ.આઇ.આર.દાખલ કરવામાં આવી હતી.જે ફરિયાદમાં હિતેશ શાંતિલાલ તથા શાંતિલાલ કુબેર ભાઈના નામે શારીરિક-માનસિક ત્રાસ, મારામારી બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જ્યારે ત્રાસ આપવામાં ભાગ ભજવનાર સાસુના નામની બાદબાકી કરવામાં આવી હોવાની તથા ચામડાના પટ્ટા તથા ગડદાડ પાટુના મારથી ગર્ભને થયેલ નુકસાન બાબતે ફતેપુરા પોલીસે કલમનો ઉમેરો નહીં કરતા ફરિયાદી દ્વારા પોલીસમાં પૂછપરછ કરતા”અમો તપાસ કરીએ છીએ અને તપાસ બાદ ગર્ભને નુકસાન બાબતની કલમ ઉમેરીશું”તેમ જણાવેલ.પરંતુ કલમનો ઉમેરો નહીં કરી આરોપીઓને છાવરવાની કોશિશ થતા ફરિયાદી નર્મદાબેન કાળુભાઈના ઓએ ઉચ્ચસ્તરે ધારદાર રજૂઆત કરી ત્રાસ આપવામાં ભાગ ભજવનાર સાસુ ના નામનો એફ.આઇ.આર માં ઉલ્લેખ કરવામાં આવે તથા ગર્ભને થયેલ નુકસાન બાબતે કલમ ઉમેરવામાં આવે તેમજ ત્રણ વર્ષના બાળકનો કબજો માતાને સોંપવામાં આવે તે બાબતે રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.