રાજેશ વસાવે :- દાહોદ
જેસાવાડા-સુરત બસમાં બેટરીમાં સ્પાર્કની સાથે આગ લાગી:સદભાગ્યે કોઈ જાનહાની નહીં.
ફાયર સેફટીના સંસાધનો વામણા પુરવાર થયા, કેટલાક સંસાધનો બંધ હાલતમાં જોવા મળ્યા.
અગ્નિસામક દળના લશ્કરોએ આગ ગોલવી,આગના બનાવના પગલે અફરા તફરીનો માહોલ..
દાહોદ તા.21
દાહોદના બસ સ્ટેશનમાં આગના બનાવથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જેમાં જેસાવાડા થી સુરત જતી એસટી બસ એના નિર્ધારિત સમયે દાહોદના બસ સ્ટેશન પર પ્લેટફોર્મ પર ઉભી રહેતા બેટરીમાં સ્પાર્કની સાથે એન્જિનના ભાગમા ઓચિંતી આગ ફાટી નીકળતા બસમાં બેસેલા મુસાફરો સમય સૂચકતા વાપરી ઉતરી ગયા હતા. જેના પગલે કોઈ જાનહાની બનવા પામી નહોતી.જોકે આ બનાવમાં અગ્નિસામક દળે તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના બસ સ્ટેશન પર આજરોજ સાંજના સમયે Gj-18-z-4313 નંબરની જેસાવાડા સુરત બસ તેના નિર્ધારિત સમયે જેસાવાડા થી ઉપડી સાડા સાત વાગ્યાના અરસામાં દાહોદના બસ સ્ટેશન પર સુરત જવા માટે પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી હતી તે સમયે બસમાં બેસેલા મુસાફરો તેમજ ડ્રાઇવર કંડકટર કઈ સમજે તે પહેલા જ બસની બેટરીમાં સ્પાર્કની સાથે વાયરીંગમાં આગ લાગતા આગે જોતાજોતામાં બસના એન્જિનમાં આગ પ્રસરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ દરમિયાન બસમાં બેસેલા મુસાફરો સમય સૂચકતા વાપરીને ઊતરી ગયા હતા.
તો આગના બનાવના પગલે ભેગા થયેલા લોકોના ટોળાએ બસ મથકમાં લાગેલા ફાયર સેફટી ના સંસાધનો વડે આગ ઓલવવા ના પ્રયાસો હાથ ભર્યા હતા. પરંતુ તે નિરર્થક સાબિત થયા હતા.તો કેટલાક ફાયર સેફ્ટીના સંસાધનો ચાલુ ન થતા શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા હતા. જોકે આ દરમિયાન બનાવની જાણ દાહોદ અગ્નિશામક દળના લાસ્કરોને થતા અગ્નિ સામક દળ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ગોલવી દીધી હતી. આ સમાચાર લખાય છે ત્યાં સુધી અગ્નિસામક દળ એ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. અને કોઈ જાનહાની ન થવા પામી નહોતી. જોકે આગના બનાવમાં એસટી વિભાગને નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.