રાજેશ વસાવે :- દાહોદ
ટીઆરબી જવાનોએ સામૂહિક રીતે સાંસદ તેમજ કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી..
ગુજરાત પોલીસ મહાનિર્દેશકનો એક પરિપત્ર અને દાહોદ જિલ્લાના 200 TRB જવાનો બેરોજગાર થવાની કગાર પર..
દાહોદ તા.21
તાજેતરમાં ગુજરાત સરકારે રાજ્યભરમાં ટ્રાફિક બિગ્રેડમાં માનદ સેવા આપતાં TRB જવાનોને ફરજ મુક્ત કરવાના આદેશો સાથેનો પરિપત્ર જાહેર થતાં દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા 200 ઉપરાંત TRB જવાનોની નોકરી ઉપર તરાપ વાગતા બેરોજગારીની કગાર પર આવેલા 200 ઉપરાંત TRB જવાનોએ પોતાના અને પરિવારોના હિતોની રક્ષા કાજે આજરોજ સાંસદ તેમજ કલેક્ટરશ્રીને આવેદન આપી નોકરી ચાલુ રાખવા અંગે સામુહિક રીતે રજૂઆતો કરી હતી..
ગત તારીખ 18/11/2023 ના રોજ રાજ્યના પોલીસ પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું તે રાજ્યના જેતે જિલ્લામાં અનુક્રમે 10 વર્ષ,5 વર્ષ તેમજ 3 વર્ષ કરતા વધુ સમયથી માનવસેવા આપતા TRB જવાનો જેઓને ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિક પોલીસની મદદમાં રહીને કામગીરી કરવાની હોય છે. એક જ વ્યક્તિ ખુબ જ લાબા સમયથી ટ્રાફિક બ્રિગેડના સભ્ય તરીકે ફરજ બજાવે તે વહીવટી દ્રષ્ટીએ યોગ્ય અને ઈચ્છનીય નથી જેવું કારણ ધરી ઉપરોક્ત સમય મર્યાદામાં આવતા તમામ TRB જવાનોને છુટા કરવાના આદેશો થતાં દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા 200 ઉપરાંત TRB જવાનો પોલીસ મહાન નિર્દેશકની ગાઈડલાઈન માં આવતા તેઓની નોકરી ઉપર સંકટ તોળાયું છે. આવી પરિસ્થિતિમાં તેઓની નોકરી છીનવાતા તેઓ બેરોજગાર થવાની કગાર પર આવ્યા છે જેના પગલે તેમના પરિવારજનો જેઓ આ નોકરી ઉપર નભતા હતા.
તેઓના જીવન નિર્વાહ, બાળકોનું ભણતર, બેંકની લેવડદેવડ,લોનના હપ્તા સહિત તમામ પરિસ્થિતિનું સંચાલન ઠપ થવાની કગાર પર આવી જતા આજરોજ 200 ઉપરાંત TRB જવાનો તેમાં મહિલાઓ અને પુરુષો મળી પોતાની નોકરી અને પરિવારજનોના હિતોના કાજે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના નિવાસ્થાને પહોંચી સામૂહિક રીતે રજૂઆત કરી હતી ત્યારબાદ ઉપરોક્ત ટીઆરબી જવાનો દાહોદ કલેકટર કચેરીએ પહોંચી કલેકટર સમક્ષ તેઓની નોકરી અને પરિવારજનોના હિતો અંગે વિચારી યોગ્ય ઘટતું કરવા વિનંતી સાથેનું આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.