રાજેશ વસાવે :- દાહોદ
બહારના વ્યક્તિઓને ભાડેથી ક્વાટર્સ આપતા રેલકર્મીઓ સામે રેલવે તંત્ર કાર્યવાહીની તૈયારીમાં.
રેલ કર્મીઓ સાવધાન.!!. બહારના વ્યક્તિને રેલવે ક્વાટર્સ ભાડેથી આપશો તો કાર્યવાહી માટે તૈયાર રહેજો..!!
વર્ષોથી ભાડેથી રહેતા બહારના વ્યક્તિઓને એકાએક રેલવે ક્વાટર્સ ખાલી કરાવવાનું ફરમાન આવતા રેલવે ક્વાટર્સ ટપોટપ ખાલી થવા મંડ્યા.
રેલવે ક્વાટર્સ ખાલી થતા બજારના મકાનોના ભાડામાં તોતિંગ વધારો જોવા મળ્યો..
દાહોદ તા.20
દાહોદ હવે સ્માર્ટસીટી બનવા તરફ અગ્રેસર થઈ રહ્યો છે.ત્યારે રેલવે તંત્ર પણ રેલવે વિસ્તારને સ્માર્ટ રેલવે બનાવવાની યોજના પર કામ કરી રહી છે. જે અંતર્ગત રેલ્વે રોલિંગ સ્ટોક કારખાનાની સમકક્ષ 20 હજાર કરોડના ખર્ચે 9,000 એચ.પીના એન્જિન બનાવવાનું કારખાનું બનવા જઈ રહ્યું છે. જેના પગલે રેલવેના ફ્રીલેન્ડ ગંજ વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં નવા આવાસો રસ્તાઓ બનાવવા માટે રેલવે તંત્ર કામ કરી રહ્યું છે ત્યારે તાજેતરમાં રેલવે તંત્ર દ્વારા દાહોદના તમામ રેલ કર્મીઓને નોટિસ આપી રેલવે તંત્ર દ્વારા ફાળવેલા ક્વાટર્સ બહારના વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે ભાડે આપનાર વ્યક્તિ સામે કાયદેસરથી કાર્યવાહી કરવા અંગે તાકીદ કરવામાં આવી છે. જેના પગલે રેલવે ક્વાટર્સમાં વર્ષોથી ભાડેથી રહેતા ભાડુંઆતોને જેના નામના ક્વાટર્સ ફાળવેલા હતા તેઓ દ્વારા તાબડતોડ ખાલી કરાવતા નજરે પડી રહ્યા છે. એક અંદાજ મુજબ રેલ્વે પ્રીમાઈસીસના વિવિધ વિસ્તારોમાં આવેલા મોટાભાગના રેલ્વે ક્વાર્ટર્સમાં બહારના વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ભાડુઆત તરીકે વસવાટ કરી રહ્યા હતા. રેલવે કર્મીના નામે ફાળવવામાં આવેલા રેલવે ક્વાટર્સને બજારના ભાવે ભાડે ચઢાવી નફો રળી લેતા રેલ કર્મીઓ સામે રેલવે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. હવે પછી રેલવેની એક ટીમ રેલવે પ્રીમાઈસીસમાં આવેલા તમામ ક્વાર્ટર્સની ઓચિંતી તપાસ હાથ ધરશે અને જો તપાસ દરમિયાન રેલવે ક્વાટર્સમાં રેલ્વે બહારનો વ્યક્તિ ભાડુઆત તરીકે સામે આવશે તો જે રેલકર્મીના નામે કવાટર્સ ફાળવેલો હશે.તે રેલ કરમી સામે ફોજદારી ગુનો પણ દાખલ થશે તેમાં કોઈ બે મત નથી. અત્રે ઉલ્લેખની એ છે કે રેલવે વિસ્તારમાં આવેલા ક્વાર્ટર્સમાં છેલ્લા ઘણા વર્ષોથી બહારના વ્યક્તિઓ ભાડુઆત તરીકે વસવાટ કરી રહ્યા હતા. અને ભૂતકાળમાં રેલવેની તપાસ દરમિયાન પણ ઘણા બધા ભાડુઆતો સામે પણ આવ્યા છે. તેમજ ઘર્ષણના પણ બનાવો ભૂતકાળમાં સામે આવ્યા છે. પરંતુ હવે રેલવે આ મામલે કડક વલણ અપનાવી આવું કૃત્ય કરનાર રેલકર્મી સામે શિક્ષાત્મક પગલાં લેવાની પણ તૈયારીમાં છે.જેના પગલે રેલવેમાં ભાડુઆત તરીકે વસતા વ્યક્તિઓ ટપોટપ મકાનો ખાલી કરીને જતા જોવા મળી રહ્યા છે.
રેલવે ક્વાટર્સ ખાલી થતા ગોધરા રોડ સહિતના આસપાસના વિસ્તારોમાં મકાનોના ભાડા આસમાને પહોંચ્યા.
રેલવે તંત્ર સ્ટ્રીક થતા રેલ કર્મીઓ હવે પોતાના નામે ફાળવેલા કવાટર્સ ભાડુઆતો પાસેથી ખાલી કરાવી રહ્યા છે.જેના પગલે રેલવે પ્રીમાઈસીસથી અડીને આવેલા ગોધરારોડ,સિદ્ધેશ્વરી સોસાયટી, જલારામ પાર્ક, જમનાદાસ પાર્ક, ચંદન ચાલ હજારીયા ફળીયા,ગોદીરોડ સહિતના વિસ્તારોમાં મકાનોના ભાડામાં ઓચિંતો વધારો જોવા મળી રહ્યું છે.