
દાહોદના ગડોઇ ગામમાં દશેરાએ રાવણની પૂજા કરવાની અનોખી પરંપરા..
રાવણના મંદીર મનાતા સ્થળે દશેરાના દિવસે રાવણની ખંડિત પ્રતિમાની પૂજા કરતા ગ્રામજનો.
રાવણનું મોઢુ હોય તેવી ખંડિત પ્રતિમા, શિવલિંગનું થાળું પણ હયાત
દાહોદ શહેરથી પાંચ કિમી દૂર રાવણના મંદીરની હયાતીના પુરાવા..
દાહોદઃ તા.23
અધર્મ પર ધર્મની વિજયના પ્રતીક સમા દશેરા પર્વની ઉજવણી સમગ્ર દેશભરમાં થાય છે. અને ઠેર-ઠેર આ પ્રથાને યથાવત રાખી રાવણ દહનનો કાર્યક્રમ પણ યોજાય છે.પરંતુ દેશના કેટલીક જગ્યાએ રાવણ દહન પર પ્રતિબંધિત છે. કારણ કે રાવણની પૂજા કરાતીનું કહેવાય છે.ત્યારે ગજરાત રાજ્યના દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદથી પાંચ કિલોમીટર આવેલું ગડોઇ ગામનું ત્રેતાયુગ સાથે સંબંધ છે.અહીંયા આજે પણ રાવણની હયાતીના પુરાવા સાક્ષી પૂરે છે.જેમાં ગામના ડુંગરા ફળિયામાં રસ્તા ઉપર જ રાવણના મંદીર મનાતા સ્થળે રાવણની ખંડિત પ્રતિમાની કેટલાંક ગ્રામજનો દ્વારા પૂજા કરવામાં આવી હતી.જ્યાં વર્ષોથી રાવણના મંદીર તરીકે પ્રખ્યાત આ સ્થળ ઘણા લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. માત્ર દશેરાએ જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં શ્રદ્ધાળુ અહીં દીવા અગરબત્તી કરી જતાં હોય છે. આ સ્થળે ભૂતકાળમાં રાવણની પૂર્ણ પ્રતિમા હોવાનું કહેવાય છે પરંતુ તે કાળક્રમે ખંડિત થયા બાદ અહીંથી ઘણી પ્રતિમાઓની ચોરી પણ થઇ ગઇ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
નળું વિસ્તાર કહેવાતા આ સ્થળ પર ત્રેતાયુગમાં રાવણ રોકાયો હોવાની માન્યતા
સ્થાનિકોએ એમ પણ કહ્યું હતું કે, અહીં મોટુ મંદીર હતું હોવાનું અમારા ઘરડા કહેતાં હતા. નીચે મોટી ઇંટોનું ચણતર પણ છે. સાબુત મંદીર કોઇએ પણ જોયું નથી. અહીં જુના મંદીરના અવશેષો આજે પણ હયાત છે. રાવણ લંકા જતી વખતે થાકી જતાં અહીં રોકાયો હતો. મંદીરની નીચે ઘણું ધન છે પણ કોઇને આપતો નથી. વીસેક વર્ષ પહેલાં એક વ્યક્તિએ મંદીર ફરતે બાઉન્ડ્રી બાંધવા પાયા ખોદાવ્યા હતા પરંતુ જમીન માલિકના વિરોધથી તે શક્ય બન્યું ન હોવાનું પણ ઉમેર્યું હતું. દશેરાએ દેશભરમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. જયારે દાહોદ પાસેના ગામમાં વર્ષોથી રાવણની પ્રતિમાની પૂજા કરવાની પરંપરા હજી જળવાઇ રહી છે.જોકે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગડોઇ ગામમાં રાવણના મંદીરની હયાતી હોવાનું વડવા કહેતા હતાં. આ સ્થળે ઘણા લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દશેરા સિવાયના દિવસોમાં કેટલાંક લોકો અહીં ફુલ ચઢાવે છે. .
રાવણ ગડોઇના વૃક્ષ નીચે બેઠા હોવાની વાયકા, અમારા વડવા પણ પૂજતા હતા :- હવસીંગભાઈ હઠીલા, ગ્રામજન,ગડોઇ
રાવણ દુનિયાનો છેડો જોવા નીકળ્યા ત્યારે થાકીને ગઢોઈ ગામ વૃક્ષ નીચે બેઠા પછી ઉભુ નહીં થવાતા તે જમીનમાં સમાઇ ગયો હતો.જેથી અહીં રાવણનું મંદીર બનાવાયુ હોવાનું અમારા વડવા કહેતા હતાં. જુના સમયથી જ લોકો અહી પુજા કરે છે.
શુભ પ્રસંગની પત્રિકા પણ રાવણની પ્રતિમાને ચઢાવી આમંત્રણ અપાય છે :- મહેશ પલાસ, ગ્રામજન,ગડોઇ
લોકો અહીં આસ્થા અને શ્રધ્ધા સાથે દશેરાના દિવસે પુજા કરે છે. અન્ય દિવસોમાં પણ કેટલાંક લોકો અહીં દીવો પ્રગટાવી, અગરબત્તી કરી પુજા કરે છે. લોકો પોતાના ઘરે શુભ પ્રસંગ ની પત્રિકા પણ રાવણ ને ચઢાવે છે. રાવણને લીધે ગામમાં સુખાકારીની શ્રદ્ધા છે. રાવણના મંદીર ઉપરના વૃક્ષના પાંદડાથી બીમારીઓ મટતી હોવાની પણ માન્યતા છે.