
મહેન્દ્ર ચારેલ :- દેવગડબરીયા
દે.બારીયા દશેરા મેળામાં પરિવાર સાથે વિખુટા પડેલા 9 વર્ષીય બાળકનું લીમખેડા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યુ…
પરપટા ગામે પેટ્રોલિંગ દરમિયાન લીમખેડા પોલીસને બાળક મળી આવ્યો હતો.
લીમખેડા તા.16
દેવગઢ બારીયા ખાતે પરિવારજનો સાથે દશેરાનો મેળો જોવા આવેલો 9 વર્ષીય બાળક પરિવાર સાથે વિખૂટો પડી પગપાળા પરપટા ગામે પહોંચ્યો હતો.જ્યાં પેટ્રોલિંગમાં નીકળેલી લીમખેડા પોલીસે બાળકનો કબજો લઈ તેના વાલીવારસાની શોધખોળ કર્યા બાદ ગણતરીના કલાકોમાં બાળકનું પરિવાર સાથે મિલન કરાવતા હર્ષની અશ્રુધારા વહેતી જોવા મળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢબારિયા તાલુકાના કાળીયા ડુંગરી ગામના નાનસિંગ ભુદરભાઈ પટેલનો 9 વર્ષીય પુત્ર તેમના પરિવારજનો સાથે ગતરોજ દેવગઢબારિયા મુકામે દશેરાનો મેળો જોવા આવ્યો હતો જ્યાં મેળાની ભીડભાડવાળા દ્રશ્યોમાં બાળક પરિવાર સાથે વિખુટો પડી ગયો હતો. એક તરફ પરિવાર સાથે વિખુટો પડેલો બાળક તેમના પરિવારજનોની શોધખોળમાં રડતો રડતો પગપાળા પરપટા ગામ સુધી પહોંચી ગયો હતો. તો બીજી તરફ નાનસિંગભાઈ ભુદરભાઈ તેમજ તેમનો પરિવાર પોતાનો 9 વર્ષીય પુત્ર ગુમ થતા ચિંતિત બની બાળકની શોધખોળમાં જોતરાયા હતા. તે દરમિયાન લીમખેડા પોલીસના એ.એસ.આઇ. નરવતસિંહ શંકરભાઇ તથા અ.હે કો રવીન્દ્રભાઇ નાથાભાઇ તથા અ.પો.કો. અર્જુનભાઇ પ્રભાતસિહ સહિતના પોલીસ જવાનો પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન પરપટા ગામે રોડ ઉપર રાત્રીના સુમારે એક 9 વર્ષીય બાળક એકલો રસ્તે ચાલતો જોવા મળતા પોલીસે બાળકની પૂછપરછ કરી કાળીયા ડુંગરી ગામની શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હોવાનું જણાવતા પોલીસે તેના વાલી વારસાનો સંપર્ક કરી બાળકનું પરિવાર જોડે મિલન કરાવતા પોલીસ મથકમાં હર્ષની અશ્રુધારા જોવા મળી હતી.