રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં સ્થાનિક વહીવટી તંત્રોની કથિત નિષ્ક્રિયતાથી કુપોષણનો શિકાર બનતા બાળકો
જિલ્લામાં કુપોષણનું લાગેલું લેબલ હટાવવા આંગણવાડી કેન્દ્રો અને આરોગ્ય કર્મચારીઓનો વહીવટ સુધારવા માંગ
સંગર્ભાવસ્થા દરમિયાન માતાઓ દ્વારા વિમલ,ગુટખા,તમાકુના સેવનથી બાળકો ઉદર માંથી જ કુપોષણનો શિકાર બની જન્મ લઈ રહ્યા છે
સુખસર,તા.૪
દાહોદ જિલ્લો મુખ્યત્વે આદિવાસી વિસ્તાર ધરાવે છે.અને એંસી લોકો ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરે છે.ત્યારે સરકાર દ્વારા બાળ અને આરોગ્ય વિભાગ દ્વારા માતાઓ તથા નવજાત બાળકોના આરોગ્ય માટે વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરે છે.પરંતુ સરકારના આયોજન મુજબ ફાળવાયેલા નાણા જે-તે સ્થાનિક જગ્યાએ પહોંચતા અદ્રશ્ય થઈ જાય છે.જેના લીધે સરકારના ધ્યેય મુજબ કામગીરી નહીં થતી હોવાનું દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા ઉપરથી જાણી શકાય છે.ત્યારે સરકારી નાણા કયા છીંડા થી નીકળી ક્યાં ગાયબ થઈ જાય છે?તેની ઝીણવટ પૂર્વક તપાસ આવશ્યક છે.જિલ્લામાં અનેક ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો અગાઉ અનેક કિસ્સા બહાર આવી ચૂક્યા છે. જેમાં આંગણવાડી કેન્દ્રનું સંચાલન પણ બાકાત નથી.જ્યારે હાલ કુપોષણનો શિકાર બનેલા બાળકો માટે ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં દાહોદ જિલ્લો નંબર વન ઉપર પહોંચી ચૂક્યો છે!ત્યારે કુપોષણનુ લેબલ હટાવવા જિલ્લાના તમામ તાલુકાઓની આંગણવાડી કેન્દ્રોના સંચાલકો અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓની કથિત નિષ્ક્રિયતા અને બેદરકારીની તપાસ કરી કસૂરવાર કર્મચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે જ આવનાર સમયમાં સરકારના ધ્યેય મુજબ કામગીરી થશે.અને કુપોષણ માટે સરકારના માથે ધોવાતાં માછલાંની દુર્ગંધ દૂર થશે.
પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો સંગર્ભા બહેનો અને આવનાર બાળક સ્વસ્થ રહે તે હેતુથી આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી પૌષ્ટિક આહાર તથા ફળફળાદી પાછળ સરકાર આંગણવાડી દીઠ વર્ષે લાખો રૂપિયા ફાળવે છે.પરંતુ નાણા ફળવાયા બાદ આંગણવાડી સંચાલિકા બહેનો દ્વારા આ નાણાનો પૂરેપૂરો સદ્ઉપયોગ થાય છે કે કેમ?તે બાબતે ધ્યાન આપવામાં આવતું નથી. તેમજ જિલ્લામાં કેટલાક આંગણવાડી કેન્દ્રો માત્ર સરકારના નાણા હડપ કરવા માટેનું એક સાધન બની રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં ચાલતા આંગણવાડી કેન્દ્રોની તપાસ ઉચ્ચ સ્તરેથી નિષ્પક્ષ અને તટસ્થ પણે કરવામાં આવે તો અનેક ભ્રષ્ટાચારના છીંડા પ્રકાશમાં આવી શકે તેમ જણાય છે.જોકે દાહોદ જિલ્લામાં અન્ય ખાતાઓની સરખામણીએ આંગણવાડી કેન્દ્રોમાં વ્યવસ્થિત રીતે વર્ષોથી વ્યાપક પણે ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાની લોક ચર્ચા સાંભળવા મળે છે.
અહીંયાં એ પણ જણાવવું જરૂરી છે કે,દાહોદ જિલ્લામાં અનેક મહિલાઓ પૌષ્ટિક આહાર લેવાના બદલે વિમલ,તંબાકુ,પાન મસાલાની બંધાણી છે.તેમાંયે ખાસ કરીને ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓ તંબાકુ બનાવટની ચીજ વસ્તુઓનું સેવન કરે છે.ત્યારે ઉદરમાં રહેલા બાળ શિશુને ખાસ અસર કરે છે.અને તેના લીધે ઉદરમાં રહેલા શિશુનો પૂરતો વિકાસ થઈ શકતો નથી.અને બાળ જન્મ બાદ પણ બાળકની પૂરતી સંભાળ નહીં લેવાતાં દાહોદ જિલ્લામાં વધુને વધુ બાળકો કુપોષણના શિકાર બનતા જઈ રહ્યા છે.તેમજ સરકાર દ્વારા સંગર્ભા અને ધાત્રી મહિલાઓને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી દર મહિને બે કિલો ચણા,એક કિલો તુવેર દાળ તથા એક કિલો ખાદ્ય તેલની પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવે છે.તે પણ સમયસર લાભાર્થી મહિલાઓ સુધી પહોંચતી નહીં હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.
બીજી બાજુ જોઈએ તો સંગર્ભા બહેનોને પોતાની સંભાળ તથા આવનાર બાળક જન્મ બાદ સ્વસ્થ રહે તેની સલાહ સૂચન અને આરોગ્યની દેખરેખ માટે આરોગ્ય કર્મચારીઓનો ફાળો મહત્વનો હોય છે.પરંતુ મોટાભાગના આરોગ્ય કર્મચારીઓ તેમની ફરજની કામગીરી પ્રત્યે આભડછેટ રાખતા હોય તેમ સગર્ભા બહેનોને સમયસર મળવી જોઈતી પુરતી સલાહ સૂચન મળી નહીં રહેતા બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે.જો કે જિલ્લામાં ચાલતા આંગણવાડી કેન્દ્રો અને આરોગ્ય કર્મચારીઓની સરકાર સમક્ષ બતાવવામાં આવતી કામગીરી અને સ્થાનિક જગ્યાએ ચલાવવામાં આવતા વહીવટમાં મોટું અંતર છે.ત્યારે જિલ્લામાં આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્થ વર્કરોને પોતાની ફરજનુ તથા નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવે તો કુપોષણમાં સપડાતા બાળકો બચી શકે.સાથે-સાથે કુપોષણમાં ઉભરી આવેલો દાહોદ જિલ્લો પોતાની છબી સુધારી શકે તેમ છે.