દાહોદમાં દસ દસ દિવસમાં આતિથ્ય બાદ આન બાન શાનની શ્રીજીની વિસર્જન યાત્રા યોજાશે,
૯ ફૂટથી ઉંચી મૂર્તિ M.G રોડ પર પ્રતિબંધિત: વિસર્જન સ્થળ પર શ્રીજીની સવારી સાથે ડીજે પર પાબંદી..
તળાવ ફળિયા ભીલવાડાથી કૃત્રિમ તળાવના રોડ પર શ્રીજીની સવારીને નો એન્ટ્રી…
દાહોદ જિલ્લા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો..
દાહોદ તા.27
દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં 10 – 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તા દુધાળા દેવ અશ્રુ ભરી વિદાય લેશે.દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં ડીજેના તાલે નાચતા ગાતા શ્રદ્ધાળુઓ શ્રીજીને વિસર્જિત કરશે. જેની તાડમાર તૈયારીઓની આજે પૂર્ણ કરી દેવામાં આવી છે શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં શ્રીજી ની વિસર્જન યાત્રા સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે 157 જેવા ગણેશ પંડાલો તેમજ નાના મોટા ૫૦૦ થી વધુ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે.જોકે આ વખતે મોટા ગણપતિની સંખ્યા માં પણ ગત વર્ષ કરતાં વધારો નોંધાવવા પામ્યો છે. ત્યારે પોલીસસૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ શ્રીજીની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને યાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તે માટે દાહોદ પોલીસ દ્વારા બનાવેલ પ્લાન મુજબ વિસર્જન યાત્રા રૂટ પર ૧૬૦ પોલીસ જવાનો, ૧૨૫ હોમગાર્ડ જવાનો, ૭૦ ટીઆરબી જવાનો, ૧૨ પીએસઆઇ, ૩ પી.આઈ, ૧ ડીવાયએસપી રાઉન્ડ ધ ક્લોક વિસર્જન યાત્રા પર ચાંપતી નજર રાખશે. સાથે સાથે દર વર્ષની જેમ આ વખતે પણ ધાબા પોઇન્ટ, ડીપ પોઇન્ટ પણ મૂકવામાં આવ્યા છે
નવ ફૂટ કરતાં ઉંચી મૂર્તિનું પાલિકા તથા એમજી રોડ પર પ્રતિબંધ: વિસર્જન સ્થળ પર શ્રીજીની સવારી સાથે DJ ની મનાઈ..
પોલીસ તંત્ર દ્વારા વિસર્જન યાત્રા ના રૂટ પર ઠેક-ઠેકાણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો આ વખતે જે ગણેશ મંડળોની શ્રીજી ની સવારી નવ ફૂટ કરતા વધારે હશે તેઓને નગરપાલિકા તેમજ એમજી રોડ પર એન્ટ્રી પ્રતિબંધિત રહેશે.અને 9 ફીટ કરતા ઓછી શ્રીજી ની સવારીઓ નગરપાલિકા થી એમજી રોડ થઈ વિસર્જન સ્થળ પર જઈ શકશે જો તેઓને નગરપાલિકા અને એમ જી રોડ પર ન જવું હોય તો તેઓ નવ ફૂટ કરતા ઊંચી મૂર્તિઓની સાથે સીધા વિસર્જન સ્થળ પર જઈ શકશે. તો આ વખતે વિસર્જન સ્થળ પર શ્રીજી ની સવારી સાથે ડીજે લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. જેના કારણે વિસર્જન દરમિયાન કોઈને અગવડતા ન પડે તેનું ધ્યાન રાખી પોલીસ તંત્ર દ્વારા ઉપરોક્ત ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જે તમામને લાગુ પડશે..
ભીલવાડા તળાવ ફળિયાથી કોઈપણ પ્રકારની શ્રીજી ની સવારીને નો-એન્ટ્રી.
પોલીસ તંત્રએ વિસર્જન સ્થળ પર વિસર્જન કરવા આવેલી શ્રીજી ની મૂર્તિઓને જ વિસર્જન સ્થળ સુધી લઈ જવા માટે મંજૂરી આપવામાં આવી છે. વિસર્જન સ્થળના રોડ પર જતા શ્રીજી ની સવારીઓ ભરવાડ વાસ નજીકથી ડીજેથી અલગ થઈ જશે. તો વિસર્જન કર્યા બાદ શ્રીજી ની સવારી લઈને આવેલા વાહનો તળાવ ફળિયા ભીલવાડા થઈ બહાર નીકળી જશે. ઉપરોક્ત રૂટ પર અવરજવરમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે તળાવ ફળિયા ભીલવાડા રોડથી વિસર્જન સ્થળ પર કોઈ પણ પ્રકારની શ્રીજી ની સવારીને એન્ટ્રી પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે.