દાહોદના મુસ્લિમ સમાજનો ઐતિહાસિક નિર્ણય: ગણેશ વિસર્જન ના બીજા દિવસે ઈદ-એ-મિલાદનું જુલુસ નીકળશે…
ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ એક જ દિવસે આવતા હોઈ મુસ્લિમ સમાજના ઐતિહાસિક નિર્ણયને સૌ કોઈએ બિરદાવ્યો.
દાહોદમાં શ્રીજીનું વિસર્જન અને ઈદે મિલાદનો ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહથી મનાવવામાં આવશે…
દાહોદ તા.20
દાહોદ જિલ્લામાં આગામી 28મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન અને મુસ્લિમ સમાજનો ઈદે મિલાદ બંને સાથે આવતા હોઈ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ એક તબક્કે વિચાર વિમર્શમાં મુકાઈ ગયો હતો. કારણકે દાહોદના ઇતિહાસમાં વર્ષોથી ગણેશ વિસર્જનના દિવસે નીકળતી શ્રીજીની સવારીઓમાં હેકડેઠેઠ માનવ મહેરામણ ઉમટતો હોય છે.જેના પગલે સમગ્ર પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર શ્રીજીની વિસર્જન માટે નિર્ધારિત કરેલા રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત તેમજ અન્ય વ્યવસ્થાઓમાં છેલ્લા કેટલાય દિવસથી તૈયારીઓ કરતા હોય છે તેવી જ રીતે ઈદે મિલાદનો જુલુસ પણ દાહોદ જિલ્લામાં ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. અને ઈદે મિલાદના જુલુસમાં પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. જોકે આ બંને ઉજવણી એક સાથે આવી જતા વહીવટી તંત્ર પણ વિચાર કરતું થઈ ગયું હતું પરંતુ મુસ્લિમ સમાજે દાહોદમાં બંને તહેવાર સોહાદ પણ માહોલમાં ધામધૂમથી ઉજવાય તે માટે ઈદે મિલાદનું જુલુસ શ્રીજીના વિસર્જનના બીજા દિવસે કાઢવાનો ઐતિહાસિક નિર્ણય લેતા આ નિર્ણયને દાહોદમાં વસ્તી તમામ કોમ્યુનિટી, વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા આનંદની લાગણી સાથે બિરદાવ્યો હતો.
સુલેહ શાંતિ અને ભાઈચારા માટે જાણીતા દાહોદમાં કોમી એખલાશ જળવાઈ રહે તથા કોઈ ત્રાહિત પક્ષ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરાય તે માટે મુસ્લિમ સમાજ દ્વારા અભુતપૂર્વ ઐતિહાસિક નિર્ણય લેવાતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી સાથે આવકાર પ્રાપ્ત થઈ રહ્યો છે.જોકે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદનું જુલુસ ગણેશ વિસર્જનના બીજા દિવસે રાજમાર્ગો ઉપર નીકાળવાનો નિર્ણય લેતા તથા ગણેશ વિસર્જનના દિવસે મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતી શ્રીજીની સવારીઓને આવકારવાની જાહેરાત કરતા તંત્ર પણ રાહતની લાગણી વ્યક્ત કરી દાહોદમાં તમામ કોમની ભાવનાઓને બિરદાવી રહી છે.આમ તો સામાન્ય રીતે તૃષ્ટિકરણની રાજનીતિ સાથે રાજકીય પક્ષો પોતપોતાની રોટલી શકતા હોય છે અને હવે પ્રજા જાગૃત થઈ છે તેને જાતિવાદ કે ધર્મવાદની વિવાદ પસંદ નથી અને સામાન્ય પ્રજા ભાઈચારો જ ઈચ્છે છે. તે દાહોદના બંને સમુદાયની સમજણ એ પ્રતિત કરાવ્યું છે.ત્યારે શ્રીગણેશ વિસર્જન અને ઇદે મિલાદ એક જ દિવસે આવતા હોઈ કોઈપણ પ્રકારે કોઈપણ વ્યક્તિ કે કોમને અગવડ ન પડે તથા કોઈ અન્ય આ સ્થિતિ પરિસ્થિતિનો લાભ ન લે તે માટે મુસ્લિમ સમુદાય દ્વારા સમજણ સાથે ઐતિહાસિક નિર્ણય લેતા મુસ્લિમ સમાજ દ્વારા લેવાયેલા આ નિર્ણયને ઠેર-ઠેરથી આવકાર પ્રાપ્ત થઈ રહ્યો છે.જેના પગલે વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર પણ મુસ્લિમ સમાજના આ ઐતિહાસિક નિર્ણયને આવકારની સાથે બિરદાવી લીધો છે.