રાત્રિના બાર ના ટકોરે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના જય ઘોષ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી..
દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો..
શહેરમાં શોભાયાત્રા,મટકી ફોડ તેમજ પાલખી યાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમ યોજાયા…
આઠમના તહેવાર દરમિયાન સંભળાતી વાંસળીની મધુર સુરાવલી બદલાતા સમયના વેણમાં વિસરાઈ:કર્કશ અવાજવાળા ભોપુની બોલબાલા..
આજની યુવાપેઢીમાં આર્ટિફિશિયલ ટેટુ દોરવાનું ચલણ વધ્યું: મેળામાં આવેલા માનવ મેહરામણે ખાણીપીણીના ચટાકા સાથે મોજમજા માણી..
દાહોદ તા.08
દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પંથકમાં ઠેર-ઠેર મટકી ફોડ તેમજ શોભાયાત્રા તેમજ પાલખી યાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તો કેટલાક લોકોએ ઘરે જ રાત્રિના બાર ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.તો ગોકુળ અષ્ટમીના દિવસે પરંપરાગત રીતે યોજાતા મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. મેળામાં લોકોએ ખાણીપીણીના ચટાકા મારી મોજ મજા માણી હતી.
ભાદ્રપદની અષ્ટમીના દિવસે યોજાતો જન્માષ્ટમી નો તહેવાર દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. દાહોદ વાસીઓએ રાત્રિના બારના ટકોરે ભગવાનના જન્મોત્સવને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના જયઘોષ સાથે વધાવી લીધો હતો. એટલું જ નહીં દાહોદમાં વૈષ્ણવ સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જે શહેરના રાજમાર્ગો પર ફરી પુનઃ ગોરધનનાથજી ની હવેલી ખાતે પહોંચી હતી જ્યાં કૃષ્ણ પ્રેમી વૈષ્ણવ સમાજે ખૂબ જ આસ્થા પૂર્વક ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ને વધાવી લીધો હતો.
તો બીજી તરફ શહેરમાં ઇસ્કોન ગ્રુપ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વિવિધ ટેબલો અને ઝાંખીઓએ અનેરો આકર્ષણ જમાવ્યુ હતું. સંગીતની મધુર સુરાવલી વચ્ચે નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળી હતી. જેમાં લોકો મંત્રમુગ્ધ બનીને ઝૂમી ઉઠ્યા હતા. તાર ઉપરાંત કેટલાક શૈક્ષણિક સંસ્થાન હોસ્પિટલો, તથા અન્ય જાહેર સ્થળોએ મટકી ફોડ નો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મટકી ફોડનાર ગ્રુપને પ્રોત્સાહક ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તારે દાહોદમાં પરંપરાગત રીતે યોજાતી મટકી ફોડ નો કાર્યક્રમ આજે ગોધરા રોડ ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમ તો આદિવાસી બાહૂલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં તહેવારોની સાથે મેળાઓ પણ અનોખી રીતે ઉજવાય છે. એમાંય ખાસ કરીને ગોકુળ અષ્ટમીના દિવસે ભરાતા મેળામાં યુવાધન હિલોળે ચડે છે. ગતરોજ ભરપોડા સર્કલ સામે યોજાયેલા મેળામાં મોટી સંખ્યામાં મહિલાઓ,બાળકો,યુવાનો,વડીલોએ મેળાની મોજ માણી હતી તો મેળામાં ગોઠવવામાં આવેલા હીચકાઓ તેમજ ઝુલાઓ ઝૂલી આઠમને અનોખી રીતે ઉજવી ઉજવણી કરી હતી. એટલું જ નહીં આજની યુવા પેઢીમાં આર્ટિફિશિયલ ટેટુઓની ભારે બોલબાલા છે. જે આ મેળામાં પણ જોવા મળી હતી. મોટી સંખ્યામાં મેળામાં આવેલા ટેટુ આર્ટિસ્ટ પાસે મહિલાઓ બાળકો યુવાનોએ પોતાના મનગમતું ટેટુ ચિત્રાવ્યા હતા. આમ તો આઠમનો તહેવારની શરૂઆત એક મહિના પહેલાથી થઈ જાય છે. ભૂતકાળમાં આઠમના તહેવાર દરમિયાન વાંસળીની મધુર સુરાવલી આસપાસના વાતાવરણને મન મોહિત કરી દેતી હતી. અને તેની મજા પણ કંઈક અલગ જ હતી પરંતુ બદલાતા સમયના વેણમાં વાંસળીના સંગીતની મધુર સુરાવલી વિસરાઈ જવા પામી છે ઓસરી જવા પામી છે. કળિયુગી આ જમાનામાં વાંસળીની જગ્યા કર્કશ અવાજ વાળા ભોપુઓએ લઈ લીધી છે. જે આ મેળામાં ખુબ જ વેચાયા હતા.