પાલિકા પ્રમુખના પતિની મોડી રાત્રે ધરપકડ બાદ આજે જામીન પર છુટકારો…
દાહોદ પોલીસની ત્વરિત કામગીરીથી અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા માસ સીએલ પરત લીધી..
દાહોદ તા.૦૬
દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને દાહોદ નગરપાલિકા પ્રમુખ પતિ દ્વારા કરવામાં આવેલ હુમલાના પગલે દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની ૧૪૭ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આ બનાવના વિરોધણાં કામકાજથી અળગા રહી બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો ત્યારે પોલીસ તંત્ર દ્વારા પાલિકા પ્રમુખના પતિને તાત્કાલિક ધોરણે ઝડપી લીધા હતા.ત્યારબાદ પોલીસે આજે બપોર પછી પાલિકા પ્રમુખના પતિને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓને જામીનમુક્ત કર્યા હતા.આમ દાહોદ પોલીસની ત્વરિત કામગીરીથી અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા માસ સી.એલ.નો કાર્યક્રમ હાલ પુરતો સ્થગિત રાખી કામગીરી માં જોતરાયા હતા.ત્યારે આ બનાવના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યાં હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
દાહોદ નગરપાલિકા પ્રમુખ પતિ ધર્મેન્દ્ર પંચાલ દ્વારા દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાના નિવાસ્થાને ગયાં હતાં જ્યાં બંન્ને વચ્ચે ઝઘડો તકરાર થતાં પાલિકા પ્રમુખ પતિ ધર્મેન્દ્ર પંચાલ દ્વારા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા સાથે ધોલ ધપાટ કરી નાંખતાં દાહોદ શહેર સહિત જિલ્લાના સરકારી આલમમાં ચકચાર સાથે ખળભળાટ મળી જવા પામ્યો હતો. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પણ ભારે ગરમાગરમી જાેવા મળી હતી ત્યારે આ સંબંધે ચીફ ઓફિસર દ્વારા પાલિકા પ્રમુખ પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવી હતી ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગાંધીનગર સુધી પહોંચતાં અને સમગ્ર ગુજરાત ભરમાં આ પ્રકરણને પગલે ગુજરાતની ૧૪૭ જેટલી નગરપાલિકાઓ દ્વારા આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી અને ૧૪૭ નગરપાલિકાના ૩.૭૯ કર્મચારીઓ કામગીરીથી અળગા રહ્યાં હતાં અને માસ સીએલ પર ઉતરી ચીફ ઓફિસર એશોસીએશન દ્વારા માસ સી.એલ. કાર્યક્રમને સમર્થન જાહેર કરતાં જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો તો બીજી તરફ અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આ મામલે ગાંધીનગર સુધી રજુઆત કરી હતી ત્યારે પોલીસ ફરિયાદ બાદ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવેલ પોલીસે ગઈકાલે રાત્રે પાલિકા પ્રમુખના પતિ પ્રમુખ ધર્મેન્દ્ર પંચાલને ઝડપી પાડ્યો હતો.અને આજે બપોર બાદ ધર્મેન્દ્ર પંચાલ ને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે તેઓને જમીન મુક્ત કર્યા હતા. ચીફ ઓફિસર જોડે મારામારીના આ બનાવમાં દાહોદ પોલીસ દ્વારા આ ત્વરિત કામગીરી હાથ ધરતા અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આપવામાં આવેલ માસ સી.એલ.નો કાર્યક્રમ હાલ પુરતો સ્થગિત રાખવાનો નિર્ણય કર્યાે હતો. અને રાબેતા મુજબ કામકાજમાં જોતરાયા હતા..