દાહોદ જિલ્લા પંચાયત અને તમામ 9 તાલુકા પંચાયતોના સત્તાધીશોની ચુંટણીઓ એક સાથે 14 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે યોજાશે..
દાહોદ તા.12
જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો અને દાહોદ નગર પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખોની નિયુક્તિ માટે સભ્યો અને સંગઠનના જવાબદારોના અભિપ્રાય લેવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.ત્યારે હવે જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણીઓ સાગમટે આગામી 14 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
દાહોદ જિલ્લા પંચાયત,દાહોદ, ગરબાડા,ધાનપુર, દેવગઢ બારીઆ,ઝાલોદ,સંજેલી,લીમખેડા,સીંગવડ અને ફતેપુરા તાલુકા પંચાયતોમા પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત પૂર્ણ થવા જઈ રહી છે.આ તમામ 9 તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીઓ એક સાથે આગામી તારીખ 14 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 કલાકે જે તે કચેરીમાં યોજાશે.આ ચુંટણીઓના અધ્યાશી અધિકારી તરીકે જે તે તાલુકાના મામલતદાર અને જો મામલતદારની જગ્યા ખાલી હોય તો વિસ્તારના પ્રાંત અધિકારીની નિયુક્તિ કરવામા આવી હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છે.જેથી મુરતિયાઓએ મથામણ શરુ કરી દીધી છે ત્યારે મોવડીઓ હજી મન કળવા દેતા ન હોવાથી કેટલાક પદ વાંચછુઓ મૂંઝવણ પણ અનુભવી રહ્યા હોવાની જાણકારી પણ મળી છે.ત્યારે દાહોદ જિલ્લા પંચાયત,તમામ 9 તાલુકા પંચાયતો અને દાહોદ નગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી છે.જેથી કોંગ્રેસ માટે કોઈ તક હોવાનુ હાલ જોવાઈ રહ્યુ નથી.કારણ કે કોંગ્રેસ ઉમેદવારી કરે તેટલુ સન્માનજનક સંખ્યાબળ નથી.જેથી ઉમેદવારી કરવા પુરતી કરવાની થાય તેવુ વર્તમાન ગણિત છે.બીજી તરફ ભાજપમાં મોટે ભાગે પક્ષના મેન્ડેટને જ સર્વોપરી માનવામા આવે છે ત્યારે હાલ ગંભીર મથામણ ભાજપમાં સ્વભાવિક રીતે જ ચાલી રહી છે.જોકે દાહોદ જિલ્લા ભાજપની પ્રથમ સંકલન બેઠકમા કોઈ નક્કર નિરાકરણ આવ્યુ ન હોવાનું કહેવાઈ રહ્યુ છે.ત્યારે સત્તાના સપના દેખનારા નિર્ણાયક બેઠકનીરાહ જોઈ રહ્યા છે.કારણ કે તેમાં પેનલમા નામ આવે તો જ પાર્લામેન્ટરી બોર્ડમા નામ ચર્ચામાં આવી શકે છે.જેથી વહેલી તકે સ્થાનિક બેઠકો સમેટાય તો પછી પ્રદેશ ના મોવડીઓને મનાવવાની કવાયત હાથ ધરી શકાય.જો કે તેમ છતાં કેટલાકે તો સંપર્ક સેતુ સ્થાપિત કરવાની શરૂઆત પણ કરી દીધી છે.ત્યારે બાજી તો 14 સપ્ટેમ્બરે જ ખુલશે તે નિશ્ચિત છે.