રાજેશ વસાવે :- દાહોદ
દાહોદનો નામાંકિત તબીબ સાઇબર ફ્રોડનો શિકાર બન્યો..
આર્મી બટાલિયનના 90 લોકોના ચેકઅપની લાલચ આપી નકલી આર્મી ઓફિસરે ખાનગી તબીબ પાસેથી 3.93 લાખ સેરવ્યા…
દાહોદ તા.૦૨
દાહોદ શહેરમાં એક ખાનગી હોસ્પિટલના તબીબને કોઈ અજાણ્યા ઈસમે મોબાઈલ ફોન કરી પોતાની આર્મી બટાલીયન હોવાની ઓળખ આપી આર્મી બટાલીયનના ૯૦ માણસોની બોડી ચેકઅપ કરવાનું કહી તબીબનું બેન્ક એકાઉન્ટ, ક્રેડીટ કાર્ડ નંબર માંગી તબીબના હોસ્પિટલના એકાઉન્ટમાંથી રૂા. ૩,૯૩,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરી તબીબ સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત કરતાં સમગ્ર દાહોદ શહેરમાં આ બનાવને પગલે ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ પર આવેલ ખ્યાતના એવા કૈઝાર હોસ્પિટલના તબીબ મોહમદભાઈ કેઝારભાઈ દોહદવાલને ગત તા.૧૭.૦૩.૨૦૨૩ના રોજ કોઈ અજાણ્યો ઈસમ જેને પોતાનું નામ શ્રીકાંત જણાવ્યું હતું અને તેને ઉપરોક્ત તબીબને મોબાઈલ ફોન કરી જણાવ્યું હતું કે, પોતે આર્મી બટાલીયન ઓફિસર છે અને દાહોદમાં અમારી બટાલીયન આવેલ હોય બટાલીયનના ૯૦ માણસોની બોડી ચેકઅપ કરાવવાનું જણાવી બોડી ચેકણપની ફી પુછી તબીબ મોહમદભાઈની હોસ્પિટલનો એકાઉન્ટ નંબર તથા ક્રેડીટ કાર્ડ નંબર માંગી તેમજ તબીબ મોહમદભાઈ પાસેથી ઓટીપી મંગાવી મોહમદભાઈના ક્રેડીટ કાર્ડમાંથી ૧,૭૭,૦૦૦, હોસ્પિટલના એકાઉન્ટમાંથી ૨,૧૬,૦૦૦ એમ કુલ રૂા. ૩,૯૩,૦૦૦ અજાણ્યા ઈસમે પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી લીધાં હતાં. આ બાદ તબીબને પોતે છેતરાયા હોવાના માલુમ પડતાં આ સંબંધે કેઝાર હોસ્પિટલના તબીબ મોહમદભાઈ કેઝારભાઈ દોહદવાલા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————