ફૂડ એન્ડ ડ્રગ વિભાગ નિંદ્રાધીન.? આગામી તહેવારો દરમિયાન નકલી માવા દ્વારા નિર્મિત મીઠાઈઓનું ધૂમ વેચાણ થવાના અણસાર
રાખડી અને જન્માષ્ટમીનો તહેવાર તદ્દન નજીક છતાંય મીઠાઈ અને ફરસાણની દુકાનો પર હજી સુધી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ન ધરતા આશ્ચર્ય ફેલાયું.
હલકી ગુણવત્તા તેમજ નકલી માવા દ્વારા નિર્મિત મીઠાઈઓ ઊંચા ભાવે વેચી તગડો નફો રળી લેવા વેપારીઓ મેદાને પડ્યા..
રાખડી તેમજ જન્માષ્ટમી દરમિયાન બિલાડીની ટોપની જેમ મીઠાઈઓની હંગામી દુકાનો ઉભી થશે..
દાહોદ તા.26
દાહોદ જિલ્લામાં રક્ષાબંધન તેમજ જન્માષ્મીની તહેવારોની શરૂઆત થશે અને છેક દિવાળી સુધી તહેવારો ચાલશે આ દરમિયાન ગણેશ ચતુર્થી અને નવરાત્ર ઉપર આવતો હોવાથી આ તમામ તહેવારોમાં મીઠાઈની બોલબાલા રહેશે ત્યારે આવા તહેવારોની દરમિયાન નકલી માવા દ્વારા નિર્મિત મીઠાઈઓ ઊંચા ભાવે વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી તગડો નફો રડી લેવાના મૂડમાં છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દાહોદ શહેર ઉપરાંત જિલ્લાભરમાં કોઈપણ સ્થળે મીઠાઈ અને ફરસાણ ના વેપારીઓને ત્યાં કોઈપણ પ્રકારની કાર્યવાહી અથવા ચેકિંગ હાથ ન ધરતા એક તરફ આશ્ચર્ય ફેલાવવા પામ્યો છે તો બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ નિંદ્રામાં પેસી ગયો હોય તેમ માની કેટલાક વેપારીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી હલકી ગુણવત્તાનો માવો લાવી દાહોદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં હંગામી મીઠાઈ ની દુકાનો ઊભી કરવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરનાર વેપારીઓ સામે સંબંધિત વિભાગ ક્યારે કાર્યવાહી હાથ ધરશે.? તે એક યક્ષ પ્રશ્ન છે. હવે તહેવારો નજીક છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દાહોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ઓચિંતી ચેકિંગ હાથ ધરી મીઠાઈ અને ફરસાણ ના નમુના લેવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમ છે.
ત્યારે રાખડી અને જન્માષ્ટમીનો તહેવાર નજીક હોઈ સંબંધિત વિભાગ દાહોદવાસીઓના હિતોને ધ્યાનમાં લઇ અસરકારક કામગીરી કરે તેવી લાગણી અને માંગણી પ્રવર્તમાન સંજોગોમાં ઉઠવા પામી છે.અત્રે ઉલ્લેખની છે કે રાખડી અને જન્માષ્ટમીના તહેવારો પર બહારગામ થી મોટી સંખ્યામાં લોકો દાહોદ ખાતે આવે છે. તેવા સમયે દાહોદ શહેર ઉપરાંત આસપાસના તાલુકા મથકો પર રક્ષાબંધન મીઠાઈ અને ફરસાણની દુકાનો આવેલી છે.જેમાંથી કેટલીક દુકાનો પરથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નમુના લેવામાં આવતા નથી તેવા પણ આક્ષેપો સહિતની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે દાહોદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રાખડી અને જન્માષ્ટમી સહિતના તહેવારો દરમિયાન હંગામી ધોરણે મીઠાઈઓની દુકાનો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળે છે. અને મોટા ભાગની આવી હંગામી દુકાનો ફૂડ એન્ડ ટ્રક વિભાગના ધ્યાને જ નથી અથવા તેઓની નોંધણી થયેલ નથી. તો આવી દુકાનોના સંચાલકો દ્વારા fCCI નો સર્ટીફીકેટ પણ મેળવેલ નથી. તેવા પ્રકારની હંગામી દુકાનો ઉપર સંબંધિત વિભાગ દ્વારા ક્યારે ચેકિંગ હાથ ધરાશે.? તેવા પ્રકારના સવાલો પણ જન માનસમાં ઉદ્ભવ પામ્યા છે.ત્યારે રાખડી અને જન્માષ્ટમીનો તહેવાર નજીક હોઈ સંબંધિત વિભાગ દાહોદવાસીઓના હિતોને ધ્યાનમાં લઇ અસરકારક કામગીરી કરે તેવી લાગણી અને માંગણી પ્રવર્તમાન સંજોગોમાં ઉઠવા પામી છે.