સાતકુંડા ખાતેથી સામુહિક વન અધિકાર (CFR) અભિયાનની શરૂઆત કરવામાં આવી…
સંતરામપુર તા.૨૫
સામુહિક વન અધિકાર એ વન અધિકાર ધારો – ૨૦૦૬ નો ભાગ છે. જેમાં ફળિયા સ્તર પર અથવા ગ્રામ સ્તર ઉપર જંગલનું રક્ષણ, સરંક્ષણ અને પ્રબંધનનો પુર્ણ અધિકાર આપવાની વાત કરવામાં આવી છે. સામુહિક વન અધિકારમાં ગામને જંગલ પર અધિકાર અને ગૌણ વનપેદાશ જેવી કે ટીમરુપાન, ગુંદર, મહુડાના ફુલ, ઔષધિ, વાંસ વગેરે ભેગા કરવા, તેના પર પ્રક્રિયા કરવી અને વેચવાના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે.
તા. ૨૪/૦૮/૨૦૨૩ના રોજ સંતરામપુર તાલુકાના સાતકુંડા અને પાંચમુવા ગામ ખાતેથી સામુહિક હક દાવાઓ તૈયાર કરીને સામુહિક વન અધિકાર અભિયાનની શરૂઆત કરવામાં આવી. અભિયાનમાં સામુહિક હક દાવાની ફાઈલ તૈયાર કરવામાં આવી.
આ અભિયાનમાં ગામની વન અધિકાર મંડળી, સ્વ-સહાય જૂથો, ગ્રામપંચાયતના સભ્યો, સરપંચ તથા મહિલાઓ દ્વારા અભિયાનની આગેવાની લેવામાં આવી. જેમાં મહીલાઓ દ્વારા ગામમાં પોસ્ટરો, સુત્રોચ્ચાર સાથે સામુહિક હક દાવા જાગૃતી માટે રેલી યોજવામાં આવી. સામુહિક વન અધિકાર અંગે શેરી નાટક દ્વારા લોકોને સમજ આપવામાં આવી હતી. સાથે જ અભિયાનમાં મહિલા જમીન માલિકી, મહિલા ભાગીદારી, મહિલા અધિકારો તથા ગૌણ વન પેદાશો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ અભિયાન સાતકુંડાથી શરુ કરીને કુલ ૧૨ ગામોમાં થશે અને તા.૨૯/૦૮/૨૦૨૩ના રોજ માનગઢ ખાતે અભિયાનની પુર્ણાહુતી કરવામાં આવશે. ધી ગાયત્રી મહિલા વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી. દ્વારા આ અભિયાનનુ આયોજન કરવામાં આવેલ છે અને તેના દ્વારા સરકાર પાસે આ અધિકારોની માંગણી કરવા માટે એક મોટો વર્કશોપ કરી તમામ ફાઈલોને જમા કરવા માટે આયોજન કરવામાં આવશે. વન અધિકાર અભિયાન સુચારુરૂપથી સફળ થાય તે માટે વિવિધ ગ્રામ્ય સમિતિઓના હોદ્દેદારો અને એફ.ઈ.એસ સંસ્થાના કાર્યકર્તાઓ અને ધી ગાયત્રી મહિલા વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના હોદ્દેદારો સહયોગ કરશે..