દાહોદ-ઇન્દોર રેલ પ્રોજેકટે રફ્તાર પકડી..
દાહોદ ઇન્દોર રેલમાર્ગ વિવિધ ચાર તબક્કાઓમાં પૂર્ણ કરવાની દિશામાં રેલ્વે તંત્ર યુદ્ધના ધોરણે જોતરાયું..
50 ટકા ઉપરાંતનું કાર્ય 2024 પૂર્ણ કરાશે. ઇન્દોર-ધાર રેલમાર્ગ આ વર્ષના અંતમાં રેલ માર્ગ શરૂ થવાના એધાંણ...
રેલવે તંત્રે વિવિધ છ સેક્શનમાં રેલમાર્ગ પૂર્ણ કરવા લક્ષ્યાંકની સાથે ડેડ લાઈન જાહેર કરી..
ટીહી ખાતે નિર્માણાધીન ટનલમાં બંને તરફ બ્લાસ્ટિંગનો કાર્ય પુરજોશમાં:દોઢ માસમાં 100 મીટર ટનલનો કાર્ય પૂર્ણ..
દાહોદ તા.25
છેલ્લા કેટલાક વર્ષોથી દાહોદ-ઇન્દોર રેલ લાઈન શરૂ થવાના એંધાણ યેન કેન પ્રકારે લાંબાતા જતા આ રેલ પરિયોજના ડબ્બામાં જશે કે સંપૂર્ણ નિષ્ફ્ળ રહેશે.? તેવી પ્રજા માનસમાં પ્રતીતિ થવા પામી હતી.અને લોકો એક પ્રકારની નિરાશા વ્યાપી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી સરકારની સક્રિયતા દાહોદ, ઝાબુઆ, અને ઇન્દોરના સાંસદ ના પ્રયત્નો તથા નજીકના ભવિષ્યના મધ્ય પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીઓના દબાવમાં આ પ્રોજેક્ટમાં એકદમ ગતિ આવતા ખુદ રેલવેતંત્રમાં અને સરહદી રાજ્યોના શહેરીજનોમાં એક નોખા પ્રકારનો ઉત્સાહનો સંચાર થવા પામ્યો છે.
દાહોદ ઇન્દોર રેલ પ્રોજેક્ટમાં સારા સમાચાર એ છે કે આ પરીયોજના અંતર્ગતની ટીહી ટનલ પર છેલ્લા અઢી વર્ષથી અટકેલી ગાડી પૂર ઝડપે દોડવા પામી છે. લગભગ 100 મીટર કરતા પણ વધુ કાર્ય આગળ વધવા પામ્યું છે. અત્રે ઉલ્લેખની છે કે આ ગતિ પામેલા કાર્યમાં બન્ને બાજુ બ્લાસ્ટિગ કાર્ય ચાલી રહ્યું છે. અને બે કિલોમીટર જેટલી ટનલનું કાર્ય પૂર્ણ થવા પામ્યું છે. જોકે 2021 ના વર્ષમાં આ ટીહી ટનલ પરથી જે તે કોન્ટ્રાક્ટરના મશીનો પરત પણ લેવાઈ ગયા હતા. અને આ કાર્ય બંધ થશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ તાજેતરમાં નવા ટેન્ડર પ્રક્રિયા સાથેની કાર્યવાહી પૂર્ણ થતા ખૂબ જ ટૂંકા ગાળામાં મશીનોનો ધમધમાટ આવતા લોકોમાં એક આશાનો સંચાર થવા પામ્યો હતો. રેલવે તંત્ર આ બાબતે અતિ ગંભીર હોવાનું એના ઉપરથી લાગી રહ્યું છે કે છ સેક્શનમાં વહેંચાયેલા રેલ પ્રોજેક્ટ અંગે રેલવે બોર્ડના ચેરમેન અશોક લોહાટી ત્રણ માસના ટૂંકા ગાળામાં બે વાર સમીક્ષા માટે આવી ગયા એટલું જ નહીં તમામ એજન્સીને આપેલી ડેડ લાઈનમાં કામ પરીપૂર્ણ
કરવાની તાકીદ પણ કરી હોવાનું રેલવેના અંતરંગ વર્તુળ દ્વારા જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1987 88 માં દાહોદ-ઈન્દોર-ગોધરા રેલ પ્રોજેક્ટ હતો.જે મક્સી સુધી લઈ જવાનો હતો. ત્યારે ખર્ચ 265 કરોડ આકવામાં આવ્યો હતો.ત્યારબાદ ફાઈનલી દાહોદ ઇન્દોર રેલ પ્રોજેક્ટ તરીકે આ યોજના ને મંજૂરી મળી હતી. જેત 2008માં તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંઘે શિલાન્યાશ કર્યો હતો ત્યારે આ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેમાં ખર્ચ 635 કરોડ આકવામાં આવ્યો હતો. જોકે 197 km લાંબા આ રેલમાર્ગમાં અત્યાર સુધીમાં 50 કિલોમીટર સુધીનો રેલમાર્ગ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જવા પામ્યો છે. ત્યારે રેલવે તંત્ર જે રીતે આ રેલમાર્ગને ઝડપથી પૂર્ણ કરવા માટે યુદ્ધના ધોરણે જોતરાઈ ગયું છે તેને જોતા આ રેલમાર્ગ આવનારા એકાદ બે વર્ષમાં પૂર્ણ થઈ જવાના અણસાર પણ જોવાઈ રહ્યા છે.
દાહોદ કતવારા સેક્શનનો કાર્ય પૂર્ણ થવાના આરે, પિટોલ ખાતે રેલવે સ્ટેશનનો શીલાન્યાસ કરાયો..
દાહોદ ઇન્દોર રેલ પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ-કતવારા 10.38 કિલોમીટરનો રેલ સેક્શન પૂર્ણ થવાના આરે છે. દાહોદ થી કતવારા સુધી રેલના પાટાઓ પાથરી રેલવે તંત્ર ડીઝલ એન્જિન દોડાવી સેફટી ફીચર્સની કાર્યવાહી પૂર્ણ કરી દીધી છે,કતવારા રેલવે સ્ટેશનનો કાર્ય પણ પૂર્ણ થઈ જવા પામ્યો છે. જે અંતર્ગત હાલ રેલવે દ્વારા બોર્ડ ગ્રેજ લાઈન અંતર્ગત હાલ ઓવર હેડ લાઈન તેમજ ઈલેક્ટ્રીક પોલ, તેમજ સિગ્નલ સિસ્ટમ લગાવવાનો કાર્ય પૂર્ણ જોશમાં ચાલી રહ્યો છે.ત્યારે તાજેતરમાં કતવારાથી પીટોલ સેક્શન જે 19 હેક્ટર જમીન જે ફોરેસ્ટ લેન્ડમાં આવતી હતી. જેનો ભૂમિ અધિગ્રહણ કાર્ય પૂર્ણ થતા રેલવે તંત્રએ અર્થ વર્ક તેમજ પુલ નિર્માણનું કાર્ય શરૂ કરી દીધું છે.તો તાજેતરમાં દાહોદ રેલવે સ્ટેશનના નિરીક્ષણ અર્થે આવેલા ડીઆરએમ રજનીશ કુમાર તેમજ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે પીટોલ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.
રેલ પ્રોજેકટને ઝડપથી પૂર્ણ કરવા છ સેક્શનમાં વહેંચણી: રેલ્વે તંત્ર દ્વારા નવેસરથી ડેડ લાઈન જાહેર કરાઈ
(1)ટીહીથી પીથમપુર :- 8.29 KM :- ઓક્ટોબર 2024
(2) પિથમપુર થી ધાર :- 28.28 KM :- 2024 માં પૂર્ણ
(3) ધારથી અમઝેરા :- 21.30 KM :- 2024/25
(4)અમઝેરાથી ઝાબુઆ :- 24.58 KM :- 2024/25
(5) ઝાબુઆથી કતવારા :- 24.58 KM :- 2024/25
(6) કતવારા થી દાહોદ :- 10.68 KM :- Dec 2022 માં પૂર્ણ
ઇન્દોર દાહોદ રેલ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્દોર-ધાર રેલમાર્ગ 2024 માં શરૂ કરવાની તૈયારીઓમાં રેલ્વેતંત્ર કામે લાગ્યું.
પીથમપુર થી ધાર વચ્ચે હાલ પૂરજોશમાં રેલવે તંત્ર દ્વારા કાર્ય ચાલી રહ્યું છે. જે અંતર્ગત પીથમપુર ધાર વચ્ચે 38.38 km ના વિસ્તારમાં બ્રિજ તેમજ માઇનોર પુલ સહિત અર્થ વર્ક ઝડપથી ચાલી રહ્યું છે. તો ધારથી ગુણાવત સુધી 14 કિલોમીટરના વિસ્તારમાં યુદ્ધના ધોરણે કાર્ય ચાલી રહ્યો છે. રેલવેની તૈયારી છે કે પહેલા 2024 સુધીમાંધારને રેલ સોગાત મળી જાય. સાથે સાથે ટીહી ખાતે આવેલી ત્રણ કિમીની ટનલમાં બંને તરફ બ્લાસ્ટિગનો કાર્ય ચાલી રહ્યો છે. તાજેતરમાં દોઢ માસમાં 100 મીટર જેટલું બ્લાસ્ટિંગનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે.જેના પગલે બે કિમી જેટલું ટીહી ટનલનું કાર્ય પૂર્ણ થવા પામ્યું છે. આ પહેલા માર્ચ એપ્રિલમાં નવેસરથી ટેન્ડરિંગ કરી ટનલનું કાર્ય શરૂ કરતાં આ ટનલમાં ત્રણ માસ સુધી વરસાદી પાણી કાઢવાનું કાર્ય ચાલ્યું હતું. જે બાદ ટનલનું વિધિવત રીતે કાર્ય શરૂ થતા રેલવે તંત્રમાં પણ ઉત્સાહનો સંચાર ફેલાવવા પામ્યો છે.