બાબુ સોલંકી સુખસર
ફતેપુરા તાલુકામાં ખેડૂતો પાસેથી યુરિયા ખાતરના ઊંચા ભાવો વસુલાત કરતા સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો તથા ખાનગી વેપારીઓ: વહીવટી તંત્રો ચૂપ કેમ…?
હાલ ખેડૂતો પાસેથી ખાતરની એક કીટનો ભાવ 266.50 પૈસા ના બદલે બેફામ બનેલા વેપારીઓ દ્વારા રૂપિયા 280 થી રૂપિયા 400 ઉપરાંત વસુલાત કરવામાં આવી રહ્યા છે.
લાખો રૂપિયાનો પગાર મેળવતા ખેતીવાડીના અધિકારીઓ અને ચૂંટણીના સમયે વોટ માંગવા ઝોળા લઈને નીકળી પડતા ખેડૂત આગેવાનો હાલ સંતાયા છે ક્યાં?નો પ્રશ્ન પૂછતા ખેડૂતો.
( પ્રતિનિધિ ). સુખસર,તા.16
ફતેપુરા તાલુકામાં હાલ સુધી સારો કે ધોધમાર કહી શકાય તેવા વરસાદનો અભાવ જણાય છે.અને સામાન્ય વરસાદથી ખેડૂતોએ પોતાની ખેતીવાડીમાં ઊંચા ભાવના બિયારણો લાવી વાવેતર કરી ચૂક્યા છે.હાલમાં તાલુકામાં નજર કરતા નદી,નાળા અને તળાવો ખાલી નજરે પડી રહ્યા છે.અને દિવસે ઉભો થતો વરસાદી માહોલ રાત્રી એ ક્યાંય સંતાઈ જાય છે.ત્યારે ખેતી પાકોની ઉપજ માટે ખેડૂતો ચિંતિત છે.બીજી બાજુ જોઈએ તો હાલના સમયે મકાઈ જેવા પાકો માટે ખાતરની ખાસ જરૂરિયાત ઊભી થયેલ છે.ત્યારે ફતેપુરા તાલુકામાં સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો સહિત ખાતરના કાળા બજારી કરતા ખાનગી વેપારીઓ ખેડૂતોને ખાતરના ઊંચા ભાવો લઈ ધોળે દિવસે લૂંટ ચલાવી રહ્યા છે. ત્યારે તાલુકામાં ફરજ બજાવતા અને લાખો રૂપિયાનો પગાર મેળવતા ખેડૂતોને ખેતીવાડી સલગ્ન અધિકારીઓ અને ખેડૂતો માટે ચૂંટણીના સમયે મગરના આંસુ સારતા ખેડૂત આગેવાનો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ જણાઈ રહ્યું છે.જ્યારે હાલ ખેડૂત એકલો પડી ગયો હોવાનો અહેસાસ કરી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલ ખેડૂતોને મકાઈ,ડાંગર,તુવર,અડદ,સોયાબીન જેવા ચોમાસું પાકો માટે ખેતીમાં ખાતરની ખાસ જરૂરિયાત ઊભી થવા પામેલ છે.ત્યારે ખાતરનો ધંધો કરતા સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો તથા કાળા બજારીયાઓ દ્વારા ખાતરના ખેડૂતો પાસેથી આડેધડ ભાવો વસૂલાત કરવામાં આવી રહ્યા હોવાની બૂમો ઊઠવા પામેલ છે.તેમાં સરકારના નિયમ મુજબ યુરીયા ખાતરની 45 કિલોની એક બેગ રૂપિયા 266.50 માં વેચાણ કરવાની હોય છે.જ્યારે આજ બેગના તાલુકાના એગ્રો સેન્ટર સંચાલકો તથા કાળા બજારીયાઓ રૂપિયા 280 થી 400 રૂપિયા અને તેનાથી પણ વધુ ના ભાવે વેચાણ કરી રહ્યા છે.તેમજ અલગ-અલગ એગ્રો સેન્ટરોમાં આ ખાતરના અલગ-અલગ ભાવો વસૂલાત કરવામાં આવતા હોવાનું પણ જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, ફતેપુરા તાલુકામાં અનેક સરકાર માન્ય એગ્રો સેન્ટરો આવેલા છે.તેમ છતાં ખેડૂતોની ખેતીમાં બરાબર ખાતર આપવાના સમયેજ સરકાર માન્ય એગ્રો સેન્ટરોમાં ખાતર ખલાસ થઈ જાય છે.બીજી બાજુ જોઈએ તો એગ્રો સેન્ટરોમાં ખાતર ખલાસ થયા બાદ તુરંતજ ખાતરના કાળા બજારિયા વેપારીઓને ત્યાં જોઈએ તેટલું ખાતર ઊંચા ભાવે આસાનીથી વેચાણ થતું હોવા ની રીત વર્ષોથી ચાલી રહી છે. ત્યારે પ્રશ્ન એ થાય કે જો સરકાર માન્ય એગ્રો સેન્ટરોને કંપનીમાંથી ખાતર મળતું ન હોય તેવા સમયે ખાનગી વેપારીઓને ખાતર ક્યાંથી મળી આવે છે?કે પછી સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો, તાલુકા-જિલ્લાના ખેડૂત સંલગ્ન અધિકારીઓના મેળાપીપણાથી આ ખાતર ખાનગી વેપારીઓ પાસે પહોંચાડવામાં આવે છે?તેની પણ તપાસ જરૂરી છે. અને આ બધું એકબીજાના મેળાથીપણાથી ચાલતું હોય તો શરમ કરો. એર કન્ડિશનર ઓફિસો અને સંપૂર્ણ ફેસીલીટી ધરાવતા આલિશાન મહેલો જેવા મકાનોમાં અનાજ ઉત્પાદન થશે નહીં પરંતુ ખેડૂતોની ખેતીમાં જ અને ખેડૂતો અનાજ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે તે યાદ રાખીને પોતાને મળેલ સત્તાનો સત ઉપયોગ કરવો જોઈએ.જો જગતના તાત ગણાતા ખેડૂતોના પગો કપાશે ત્યારે દેશ તો ભૂખે મળશે પરંતુ દેશ દેવાદાર બનશે તે ભૂલવું જોઈએ નહીં.
તદ્ઉપરાંત ખેડૂતોમાં થતી ચર્ચા મુજબ યુરિયા ખાતર ખરીદતા તે ખાતર ની સાથે બળજબરી ખેડૂતોને જરૂરત ન હોવા છતાં કોઈ લિક્વિડ દવા પણ ખેડૂતોને વળગાડી નાણા પડાવાતા હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે. ફતેપુરા તાલુકામાં ખેડૂતોની ખેતીના સમયે પડતી મુશ્કેલી બાબતે લાખો રૂપિયાનો પગાર મેળવતા ખેતીવાડી સંલગ્ન અધિકારીઓ,કર્મચારીઓ સહિત ચૂંટણીના સમયે પોતાના માનીતા પક્ષ માટે વોટ મેળવવા માટે ઝોળા લઈને નીકળી પડતા કહેવાતા ખેડૂત આગેવાનો હાલ ખેડૂતોથી જોજનો દૂર ખસી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. જ્યારે ખેડૂતો પોતાનું શોષણ થતું હોવાનું સારી રીતે જાણતા હોવા છતાં શોષણનો શિકાર બની પોતાની ખેતીમાં વધુ ઉપજ મેળવવા મરણિયો પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે ખેડૂતોને લાગતા- વળગતા અધિકારીઓ જિલ્લા, રાજ્યના અધિકારીઓ સહિત સરકાર ફતેપુરા તાલુકામાં ખાતરના વેપાર સાથે સંકળાયેલા એગ્રો સેન્ટર સંચાલકો તથા ખાતરના કાળા બજારી કરતા તકવાદી વેપારીઓની તાત્કાલિક તપાસ કરી કસુરવાર એગ્રો સેન્ટર સંચાલકોના લાયસન્સ રદ કરી કાળા બજારીયા વેપારીઓ સામે કાયદેસરના ગુના દાખલ કરી ખેડૂતોને ધોળા દિવસે લૂંટતા તકવાદી તત્વોને ખુલ્લા પાડવા તાત્કાલિક સક્રિય થવાની ખાસ જરૂરિયાત જણાઈ રહી છે.ત્યારે લાગતા-વળગતા તંત્ર દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી કરતા લોકોની તપાસ કરી ખેતીવાડી ખાતામાં પ્રમાણિક અધિકારીઓ છે નો દાખલો બેસાડશે કે આર્થિક સંબંધોથી સબ ચાલતા હૈ ની નીતિ અપનાવાશે?તે સમય જ બતાવશે.