
જીગ્નેશ બારીયા :- દાહોદ
સંવેદના દિન નિમિત્તે દાહોદ જિલ્લાની ૩ નગરપાલિકાઓ સહિત ૯ ગ્રામ્ય વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયા
દાહોદ નગરનો સેવાસેતુ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે વકફ બોર્ડના ચેરમેન શ્રી સજાદભાઇ હીરાવાલાની ઉપસ્થિતિમાં યોજાયો
દાહોદ, તા. ૨ :
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના યશસ્વી નેતૃત્વમાં રાજ્ય સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે દાહોદ જિલ્લામાં આજે સંવેદના દિન નિમિત્તે ૩ નગર પાલિકા વિસ્તાર સહિત ૯ ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે નાગરિકોને વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો સરળતાથી મળી રહે એ માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં દાહોદ નગરનો સેવાસેતુ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે વકફ બોર્ડના ચેરમેન શ્રી સજાદભાઇ હીરાવાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ અવસરે વકફ બોર્ડના ચેરમેન શ્રી હીરાવાલાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સામાન્ય નાગરિકોને ઘરઆંગણે જ વિવિધ ૫૬ જેટલી જનહિતકારી સુવિધાઓનો લાભ સેવાસેતુ થકી ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવ્યો છે. રાજ્ય સરકારે સામાન્ય માણસનું હિત હંમેશા લક્ષમાં રાખીને જ કામગીરી કરી છે. રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમ થકી નાગરિકોને ઘરઆંગણે જ સુવિધાઓ મળી રહેતા મોટી રાહત થઇ છે.
આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ નગરજનોને રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાતી વિવિધ જનહિતલક્ષી યોજનાઓ તેમજ સુવિધાઓનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઘરઆંગણે જયારે સેવાસેતુ થકી વિવિધ સુવિધાઓ પૂરી પડાઇ રહી છે ત્યારે નગરજનોએ પણ તેનો અવશ્ય લાભ લેવો જોઇએ.
આ અવસરે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, પ્રાંત અધિકારી શ્રી એમ.એમ. ગણાસવા, અગ્રણી શ્રી સુધીરભાઇ લાલપુરવાલા તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
૦૦૦