ગૌરવ પટેલ લીમખેડા
લીમખેડા તાલુકાના ફુલપુરી ઘાટામાં ઓવરલોડ રેતી ભરેલી ટ્રક ખીણમાં ખાબકી:ચાલક ઈજાગ્રસ્ત…
છોટાઉદેપુર થી રાજસ્થાન ઓવરલોડ રેતી ભરીને જતા લીમડી લીમખેડા હાઇવે પર ફુલપુરી ઘાટામાં અકસ્માત નડ્યો..
લીમખેડા તા. 5
લીમખેડા તાલુકાના ફુલપુરી ઘાટામાં રેતી ભરેલા ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રેતી ભરેલો ટ્રક ખીણમાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડ્યા હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના બાસવાડા જિલ્લાના કુશલગઢ તાલુકાના ઉગામના પાડા ગામના ચાલક રામચંદ કાલુસીંગ ડામોર તેમજ ટ્રકનો ક્લીનર કુશલગઢ તાલુકાના પાટન ગામના ગૌતમભાઈ વાઘજીભાઈ ડામોર સુરત ખાતેના હિતેશભાઈ નિરુભાઈ સરવૈયાની માલિકીની Gj-16-A-4474 નંબર ને ટ્રકમાં બોડેલીથી રેતી ભરી કુશલગઢ ના પાટણ ખાતે રાત્રિના સમયે જવા નીકળ્યા હતા તે સમયે રસ્તામાં લીમડી લીમખેડા હાઇવે પર ફુલ પુરી ઘાટામાં ટ્રકમાં વધારે વજન હોવાથી ટ્રક ઘાટામાં ધીમે પડતા ટ્રક ચાલક રામચંદ ડામોરે ક્લીનર ગૌતમ ડામોરને ટ્રક ની પાછળ ઉબેટ લગાવવા જણાવ્યું હતું જેથી ચાલક ટ્રકમાંથી નીચે ઉતરી ઉબેટ શોધવા જતા રાત્રિના સમયે કોઈ ઉબેટ કે પથ્થર ન જોવાતા રેતી ભરેલી ઓવરલોડ ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રિવર્સમાં આવતી ટ્રક ફુલપુરી ઘાટાની ખીણમાં ખાબકતા ટ્રક નીચે દબાયેલા ચાલક રામચંદ્ર ડામોર ને ટ્રકના ક્લીનરે હેમખેમ બહાર કાઢી 108 મારફતે લીમડી રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ ટ્રક ચાલક રામચંદ ડામોર ને વધુ સારવારની જરૂર હોય તેઓને દાહોદના ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.
ઉપરોક્ત બનાવ સંદર્ભે ટ્રકના ક્લીનર ગૌતમભાઈ ડામોરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો છે.