પીપલોદ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે કોરીડોરમાં ગરનાળા નજીક ખેતરોમાં પાણી ભરાતા નિકાલ અંગે પ્રાંત અધિકારીને આવેદન.
દેવગડબરીયા તા. 2
દેવગઢ બારીયાના પીપલોદ ગામ નજીક આવેલા સાલીયા ગુણા તોયણી વડોદરા જેવા ગામેથી પસાર થતો બોમ્બે દિલ્હી નેશનલ કોરિડોર રોડના બાંધકામમાં જવાબદાર કોન્ટ્રાક્ટર જી.એચ. વી કંપની કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી કે પછી લાપરવાહીના કારણે ગરનાળાની નીચે તેમજ આજુબાજુનાં ખેતરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો, વિદ્યાર્થીઓ અને પસાર થતા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેના પગલે ગ્રામજનો અને આજુબાજુના આગેવાનોએ પ્રશ્નોની રજૂઆત કરી યોગ્ય નિરાકરણ માટે પ્રાંત અધિકારી દેવગઢબારિયાને આવેદનપત્ર પાઠવ્યું છે.
દેવગઢ બારીયાના સાલિયા તેમજ ગુણા ગામેથી નેશનલ કોરિડોર પસાર થાય છે. ત્યારે ગુણા અને સાલિયા ગામ ની મધ્યથી પસાર થતાં આ હાઇવે રસ્તા ની નીચે થી પસાર થવા માટે ગરનાળુ બનાવવામાં આવ્યું છે. આ ઘરનાળાના બાંધકામ સમયે જવાબદાર તંત્ર દ્વારા ભવિષ્ય માં ઉભી થનારી સમસ્યા ને અવગણીને નિષ્કાળજી દાખવતા હાલ ચોમાસાની ઋતુમાં પાણી ભરાઈ જવા પામ્યો છે. જેના કારણે પસાર થતા વાહનો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને પગદંડી ચાલતા ગ્રામ જનોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા આજુબાજુ કિચ્ચડ અને ગંદકી ફેલાઈ જવા પામી છે. સાથે સાથે નજીકના ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેડૂતો પોતાની ખેતી સાચવવા માટે અવનવા કીમિયા કરી સંગ્રહ થયેલા પાણીનો નિકાલ કરવામાં મથામણ કરી રહેલા છે. ત્યારે જવાબદાર તંત્ર ક્યારે આ પ્રશ્નનો નિરાકરણ લાવે તે માટે ગ્રામજનો અને આજુબાજુની જનતા રાહ જોઈ રહી છે. ગામમાંથી પીપલોદ તરફ આવતા વિદ્યાર્થીઓને પણ કાદવ કિચડ અને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. ત્યારે આ બધી સમસ્યાઓને લઈને ગ્રામજનો અને આજુબાજુના આગેવાનો એ ભેગા મળી પોતાના પ્રશ્નોની રજૂઆત કરી યોગ્ય નિરાકરણ માટે પ્રાંત અધિકારી દેવગઢબારિયા ને આવેદનપત્ર આપ્યું હોવાનું જાણવા મળે છે.