
ઈલિયાશ શેખ સંતરામપુર
સંતરામપુર અને કડાણા તાલુકામાં ગ્રામ સંસ્થાઓ દ્વારા જંગલોના સંરક્ષણ અને સંવર્ધન માટે મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યો.
સંતરામપુર અને કડાણા તાલુકાની ગ્રામ સંસ્થાઓ જંગલોના સંરક્ષણ અને સંવર્ધન માટે વૃક્ષારોપણ કરી રહી છે.
સદીઓથી આદિવાસીઓના જીવનમાં જંગલનું ખાસ મહત્વ છે. જંગલો દ્વારા પર્યાવરણની જાળવણીની સાથે સાથે આજીવિકાના સ્ત્રોત માટે પણ મહત્વનું છે. મોટાભાગના આદિવાસી ગામોમાં ઓછા વત્તા પ્રમાણમાં જંગલ વિસ્તાર આવેલો છે. જંગલના યોગ્ય વ્યવસ્થાપનના અભાવે કેટલાક ગામોમાં જંગલનો વિસ્તાર જે તે સ્થાનિક સમુદાય દ્વારા વ્યવસ્થાપન કરવાની જરૂર છે.
કડાણા અને સંતરામપુર તાલુકામાં ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટી (FES) સંસ્થા કામ કરે છે. સંસ્થાના સહયોગથી સંતરામપુર તાલુકાના ગ્રામ્ય સંસ્થાઓમાં સૂચિત સહભાગી વન વ્યવસ્થા મંડળી – ભમરી અને રામ કૃષ્ણ ખેડૂત વિકાસ મંડળી – બોરવાલા પીથાપુર તથા કડાણા તાલુકાના ધી સહભાગી વન વ્યવસ્થા મંડળી – કરોડિયા, જય અંબે વન વિકાસ વૃક્ષ ઉછેર સ.મં.લી. શિયાલ અને ધી સહભાગી વન વ્યવસ્થા મંડળી – ઘાટાવાડિયા જેવા ગામોમાં વૃક્ષારોપણ થઈ રહ્યું છે. આ વર્ષે ગામોમાં ૭૦,૦૦૦ જેટલા સ્થાનિક વૃક્ષોનાં રોપા રોપવાનું આયોજન છે.
સરકાર દ્વારા રચના કરવામાં આવેલી સહભાગી વન મંડળીઓ અને ગ્રામ સંસ્થાઓ દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે. વન વિભાગ મહીસાગર અને જે તે રેન્જ ફોરેસ્ટ દ્વારા જરૂરી ટેકો તથા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ વિસ્તારમાં જંગલોમાંથી ટીમરૂપાન, ખાખરાના પાન, ગુંદર, જડીબુટ્ટીઓ તથા બળતર માટેના લાકડા મળી શકે છે. આ જંગલોમાંથી ટીમરૂ દ્વારા કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. જંગલોમાંથી પેદા થતો ઓક્સિજનની જો કિંમત આપવામાં આવે તો તે કરોડોમાં થઈ શકે. જંગલોની નજીક આવેલી ખેતીની જમીનમાં કાર્બનનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોય છે જેનાથી ખેતીનું ઉત્પાદન વધી શકે છે. પાણીના સંગ્રાહક હોવાથી ભૂગર્ભમાં પાણીનો સંગ્રહ સારી રીતે થાય છે. જે આજીવિકા, ખેતીવાડી અને પશુપાલનને ટકાઉ બનાવવામાં મદદરૂપ બને છે.