
નવિન સિકલીગર :- પિપલોદ
દેવગઢ બારિયામાં રસ્તાની દુર્દશાના વિરોધમાં કોંગ્રેસ શહેર પ્રમુખે પાણીના ખાબોચિયામાં બેસી વિરોધ નોંધાવ્યો.
દેવગઢ બારીયા નગરમાંથી પસાર થતા ખખડધજ સ્ટેટ હાઇવે ની દુર્દશા સંતાડવા તંત્ર દ્વારા માટીના ઢગલા કરતા પસાર થતા વાહન ચાલકોને પડતી હાલાકીને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખે રસ્તા પર પાણીના ખાબોચિયામાં બેસી વિરોધ નોંધાવતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
દેવગઢ બારિયા નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે સતત વ્યસ્ત રહેવા પામે છે. વિસ્તારમાં રેતી મળી આવતી હોય દિવસ પર ભારે વાહનોની અવરજવર જોવા મળે છે. છેલ્લા કેટલાય સમયથી નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડી જતા ખખડધજ થઈ જવા પામી છે. નગરમાંથી પસાર થતા નાના મોટા વાહન ચાલકોને પારાવર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલમાં ચાલી રહેલી સિઝનમાં મોટા ખાડાઓ માં પાણી ભરાઈ જવાના કારણે સતત અકસ્માત થવાની ભિતી રહી છે. જેને લઇને સ્થાનિકો માં છૂપો ગણ ગણાટ જોવા મળી રહ્યો છે તેમજ તંત્ર સામે રોસ વ્યક્ત કરી રહ્યા છે. નગરમાંથી કેટલાય અધિકારીઓ પદાધિકારીઓ નીકળે છે પસાર થાય છે ત્યારે તેમની નજરમાં પણ આ દ્રશ્યો જોવા મળતા જ હશે તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરી દેવગઢબારીયા ની જનતાને પડી રહેલી પારાવાર મુશ્કેલીઓને અવગણવામાં આવી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. ખખડધજ થયેલા રસ્તાની દુર્દશા ને ઢાંકવા માટે તંત્ર દ્વારા હાલમાં જ માટી દ્વારા પુરાણ કરવામાં આવ્યું છે, ચોમાસાના વરસાદના પાણીથી ભરાઈ ગયેલા ખાડાઓમાં માટીનું પુરાણ કરતા વાહન ચાલકોને વધારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે દેવગઢબારિયા કોંગ્રેસના શહેર પ્રમુખ રસ્તામાં પડેલા મોટા ખાડાના ખાબોચિયાના પાણીમાં બેસી રેઢિયાળ બનેલા તંત્ર સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેને લઇને રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.