બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ઘાણીખુટ થી ગરાડુ જતા નવીન માર્ગની મહિનાઓ માંજ દુર્દશાની શરૂઆત.
આઠ કિ.મી પૈકી સાડા ચાર કી.મી દ્વિમાર્ગીય રસ્તાની કામગીરી ગત દશ માસ અગાઉ કરવામાં આવેલ હતી.
કાળીયા ગામે નાળુ તથા રસ્તાની સાઈડ બેસી રહી છે ચોમાસામાં આ રસ્તો વાહન ચાલકો માટે ભય જનક સાબીત થવાના જણાતા સ્પષ્ટ સંકેત.
સુખસર,તા.21
ફતેપુરા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો તરફ જતા ડામર રસ્તાઓ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવે છે.પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા વહીવટી તંત્રના મેળાપીપણાથી સરકારી નાણાંનો દૂર ઉપયોગ કરવામાં આવતો હોવાનું નવીન બનાવેલા રસ્તાઓની કામગીરી ઉપરથી જણાઈ આવે છે.અને મહિનાઓમાં આ રસ્તાઓ તૂટી જતા હોવા છતાં કોન્ટ્રાક્ટરોને ઉની આંચ પણ આવતી નથી.ત્યારે રસ્તાઓની તકલાદી કામગીરી માટે પ્રજા રજૂઆત કરવા જાય તો કોની પાસે જાય? તે એક પ્રશ્ન છે.તેવી જ રીતે ઘાણીખુટથી ગરાડુ જતા દ્વિમાર્ગીય રસ્તાની દશ માસ અગાઉ કરવામાં આવેલ નવીન કામગીરી વહીવટી તંત્ર સહીત કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવેલ ગેરરીતિના ભ્રષ્ટાચારી પોપડા ઉખડી રહ્યા છે.તેમાં કાળીયા ગામે બનાવવામાં આવેલ નાળુ તથા રસ્તા ની સાઈડો બેસી રહી છે.જે આવનાર ચોમાસામાં વાહન ચાલકો માટે ભયજનક સાબિત થાય તેવા સ્પષ્ટ સંકેત જણાઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ઘાણીખૂટથી ગરાડું જતા આઠ કી.મી માર્ગની નવીનીકરણ કામગીરી ગત દસેક માસ અગાઉ શરૂ કરવામાં આવી હતી.તેમાં ઘણીખુટથી મોટા-નાના બોરીદા,કાળીયા થઈ ઘાટાવાડા સુધીના સાડા ચાર કિલોમીટર રસ્તાની નવીનીકરણ ડામર કામગીરી દસ માસ અગાઉ કરવામાં આવેલ હતી.જ્યારે હાલ ત્રણેક માસ અગાઉ સાડા ત્રણ કિલોમીટર ઘાટાવાડા થી ગરાડુ સુધીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.આમ કુલ આઠ કિલોમીટરના રસ્તાની કામગીરી દોઢ વર્ષે પૂરી કરવામાં આવી છે.જ્યારે ગત વર્ષે ડામર કરવામાં આવેલ દ્વિમાર્ગીય રસ્તો તથા નાળાની કરવામાં આવેલ કામગીરીમાં કાળીયા ગામે ગોંદરા ફળિયામાં એક નાળુ બેસી રહ્યું છે.જ્યારે ઘાટાવાડાની સરહદ ઉપર રસ્તાની સાઈડ દબાઈ રહી છે.અને હાલ સુધી તો વરસાદ થયો નથી ત્યારે આ રસ્તાની કરવામાં આવેલ ડામર કામગીરીની પરિસ્થિતિ આવી હોય તો ચોમાસામાં વાહન ચાલકો માટે આ રસ્તાની સ્થિતિ શું થશે તે સમજી શકાય તેવી બાબત છે.
નોંધનીય બાબત છે કે ઘાણીખુટ થી ગરાડુ જતો માર્ગ રાજસ્થાનના કુશલગઢ,બાસવાડાને જોડતો શોર્ટકટ રસ્તો છે.તેમજ હાલમાં આ રસ્તા ઉપર નાના-મોટા અને ભારદારી વાહનો દોડી રહ્યા છે.હાલ સુધી આ વિસ્તારમાં વરસાદ થયો નથી છતાં પણ આ રસ્તો બેસી રહ્યો હોય તો આવનાર ચોમાસાના સમયમાં આ રસ્તા ઉપર થી નીકળતા વાહનો માટે ભયજનક રસ્તો સાબિત થાય તેવા અણસાર જણાઈ રહ્યા છે…