સૌરભ ગેલોત/સુમિત વણઝારા :- લીમડી
લીમડીમાં વેપારીને લાત મારી ચાંદીના દાગીના તથા રોકડ ભરેલી થેલીની લૂંટ
લાત મારતાં નીચે પડતાં વેપારીને પગે ઇજા થતાં સારવાર માટે લઇ જવાયા
લોકોએ પીછો કરતાં લૂંટારુઓ થેલી ફેંકી ભાગ્યા એકને ઝડપી પાડ્યો જ્યારે અન્ય એક ફરાર
લીમડી તા.17
સીમલખેડી અને ખરસોડ ગામના યુવક સામે ફરિયાદ
લીમડી નવાબજારમાં દુકાનના તાળા ખોલતી વખતે વેપારીને લાત મારી નીચે પાડી દઇ ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ભરેલી થેલી લઇને મોટર સાયકલ ઉપર ભાગી ગયા હતા. બુમાબુમ થતાં લોકોએ પીછો કરતાં લૂંટારૂઓએ થોડે દૂર જઇ દાગીના તથા રૂપિયા ભરેલી થેલી ફેંકી ભાગતા લોકોએ પીછો કરી એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક મોટર સાયકલ લઇને ભાગી ગયો હતો.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નવાબજારમાં રહેતા અને સોના ચાંદીના વેપારી રાજેન્દ્રકુમાર મુળચંદ દુગ્ગડ (જૈન) ગુરૂવારના રોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં થેલીમાં ચાંદીના દાગીના તથા રૂપિયા લઇને લીમડી સુભાષ સર્કલ પાસે બેન્ક ઓફ બરોડાની સામે આવેલ તેમની દુકાને ગયા હતા. ચાંદીના દાગીના તથા રૂપિયા ભરેલી થેલી દુકાન આગળ મુકી દુકાનનું તાળુ ખોલતા હતા. તે દરમિયાન બે વ્યક્તિઓએ તેમની પાસે આવેલી લાત મારીને પાડી દીધા હતા અને દાગીના રૂપિયા ભરેલ થેલી લઇને જીજે-20-એએન-0542 નંબરની મોટર સાયકલ ઉપર ભાગ્યા હતા. જેથી રાજેન્દ્રકુમારે બુમાબુમ કરતાં આજુબાજુના લોકો લૂંટારૂઓને પકડવાં પીછો કરતાં દાગીના અને રૂપિયા ભરેલ થેલી બેન્ક નજીક ફેંકી બન્ને લૂંટારૂઓ નાસી ગયા હતા. જ્યારે લોકોએ આ બન્ને લૂંટારૂઓની બાઇકનો પીછો કરતાં પાછળ બેઠેલે મોટી સીમલખેડી ગામનો ચીરાગ ધના બામણીયા પકાઇ ગયો હતો.
જ્યારે ખરસોડ ગામનો વિપુલ મનુ ડામોર મોટર સાયકલ લઇને ભાગી જવામાં સફળ રહ્યો હતો. લૂંટારૂઓએ લાત મારી નીચે પાડી દેતાં રાજેન્દ્રકુમારને પગના અંગુઠાના ભાગે તથા ઢીંચણના ભાગે ઇજાઓ થતાં દાહોદના ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા.
આ સંદર્ભે રાજેન્દ્રકુમાર મુળચંદ દુગ્ગડ (જૈન)એ ચીરાગ ધના બામણીયા તથા વિપુલ મનુ ડામોર વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.