બાબુ સોલંકી સુખસર
*ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ખાતે પોલીસ પટેલની અધ્યક્ષતામાં રૂઢિગત ગ્રામસભાનું આયોજન કરાયું.*
:-રૂઢિગત પરંપરા મુજબ પોલીસ પટેલની નિમણૂંક બાદ પ્રથમ સભા નાનીઢઢેલી ખાતે યોજવામાં આવી.
-સભામાં હાજર ગ્રામજનોને પોલીસ પટેલના કાર્યો અને તેની જવાબદારી વિશે માહિતગાર કરાયા.
( પ્રતિનિધિ ) સુખસર,તા.11
ગુજરાતની સ્થાપના બાદ ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર દ્વારા ગામડે-ગામડે પોલીસ પટેલનો હોદ્દો ગામની જાગૃત અને સમજદાર વ્યક્તિને સોંપી ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવાના હેતુથી નિમણૂકો આપવામાં આવતી હતી.પરંતુ સમય જતા પોલીસ પટેલનો હોદ્દો રદ્ કરવામાં આવ્યો હતો.જ્યારે હાલ ફરીથી ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ પટેલના હોદ્દા માટે નિમણૂક કરી ગુનાહિત પ્રવૃત્તિમાં ઘટાડો થાય તે હેતુથી પોલીસ પટેલની પ્રથા ચાલુ કરવામાં આવી હોવાથી જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ખાતે પારગી મિલનકુમાર રમેશભાઈની નાની ઢઢેલી ગામના પોલીસ પટેલ તરીકેની નિમણૂક બાદ પ્રથમ રૂઢિગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સભામાં ગામના આગેવાનો,સુખસર પોલીસ સ્ટેશન નીંદકા આઉટ પોસ્ટના બીટ જમાદાર તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.જેમાં ઉપસ્થિત ગ્રામજનોને પોલીસ પટેલની ફરજ,પોલીસ પટેલને પોતાના ગામમાં કરવાના કાર્યો તથા તેની જવાબદારી વિષે બિટ જમાદાર સંજયભાઈ મકવાણાએ માહિતગાર કર્યા હતા.
. પોલીસ પટેલને ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે,ગુન્હાહિત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવે તથા ગામમાં નાની-નાની બાબતો એટલે કે સામાન્ય બોલાચાલી જેવા બનાવો ગંભીર સ્વરૂપ ધારણ કરે નહીં અને ગામ લોકો સલામતીનો અનુભવ કરે તેના માટે પોલીસ પટેલ દ્વારા સજાગતા રાખવાની હોય છે.અગર બનવા કાળ ગામમાં કોઈ કાયદાકીય દ્રષ્ટિએ અઘટીત ઘટના ઘટે તો જે-તે ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં પહોંચાડી ગુનેગારોને કાયદાની છટકબારીથી પિડિત લોકોને અન્યાય થાય નહીં તેના માટે સજાગતા રાખવા માટે સક્રિય રહી પોલીસ પટેલ દ્વારા મહત્વનો ભાગ ભજવવાનો હોય છે.