બાબુ સોલંકી સુખસર
*દાહોદ જિલ્લામાં ધોરણ 10 ના કંગાળ પરિણામ માટે જવાબદાર સરકારી પ્રાથમિક શાળાઓનો કથળેલો વહીવટ:મનોમંથન જરૂરી.*
જિલ્લાની ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 7 સુધી ભણતા બાળકોને ગુજરાતી લખવા-વાંચવાના પણ ફાફા!?
દાહોદ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં કથળેલા શિક્ષણના કારણે લોકો પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવવા મજબૂર.
દાહોદ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક શાળાઓ સહીત કોલેજોમાં ગાંધીજી,બાબા સાહેબ આંબેડકર કે વીર ભગતસિંહ જેવા સપૂતો પેદા કરવાની ક્ષમતા મરી પરવારી છે.!
સુખસર,તા.27
દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણની સ્થિતિ ઉપર મનોમંથન જરૂરી છે.જિલ્લામાં ગરીબ,અભણ આદિવાસી પ્રજામાં લોક જાગૃતિનો સંચાર થવા છતાં પોતાના ગામ અને ઝાપામાં સરકાર દ્વારા મફત મળતા શિક્ષણના ખાડે જઈ રહેલા વહીવટ સામે સ્થાનિક શિક્ષિતો તથા વહીવટી તંત્રો દ્વારા આંખ આડા કાન કરી હજારો રૂપિયા ફી આપી પોતાના સંતાનોને ખાનગી શાળાઓમાં શિક્ષણ મેળવવા મજબૂર બનાવી રહ્યા છે.
વિગતે જોઈએ તો દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન પ્રતિદિન સરકારી પ્રાથમિક શિક્ષણની સ્થિતિ કંગાળ બનતી જાય છે.હજારો રૂપિયાના પગારદાર શિક્ષકો દ્વારા બાળકોને મળવા જોઈતા પાયાના શિક્ષણથી વંચિત રાખી ભવિષ્યના નાગરિકો સાથે હળહળતો અન્યાય થઈ રહ્યો હોવાનું જણાય છે.ધોરણ એક થી સાતમાં અભ્યાસ કરતા મોટાભાગના બાળકોને ગુજરાતી લખવા-વાંચતા તો ઠીક પરંતુ શુદ્ધ ગુજરાતી બોલવાના પણ ફાફાં પડે છે.ગ્રામ્ય વિસ્તારોમાં રોકટોકના અભાવે અનેક શિક્ષકો મરજી મુજબ પોતાની ફરજ બજાવી શાળા,બાળકો,સરકાર તથા ભવિષ્ય સાથે અન્યાય કરી રહ્યા છે.આ બાબત કલ્પના કે આક્ષેપ નહીં પરંતુ સત્ય હકીકત છે.જો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં નિષ્પક્ષ અને ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવે તો અનેક શાળાઓમાં ક્ષતિઓ સપાટી ઉપર આવી શકે તેમ છે.
દાહોદ જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ દયનીય છે.ગ્રામ્ય વિસ્તારોનો કોઈપણ વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી સરકાર દ્વારા અનેક પ્રકારની શૈક્ષણિક સુધારણા માટેની યોજનાઓ કાર્યરત છે.છતાં ગામડાઓમાં શિક્ષણની સ્થિતિ કંગાળ હોવાનું જોવા મળે છે.પ્રાથમિક શિક્ષણ પૂરું કરનાર વિદ્યાર્થીને સો એકડી-કક્કો લખવા-બોલવાના સાસાં પડતા હોય છે.જ્યારે ગુજરાતી લખવા-વાંચવાની વાત અસ્થાને છે.જિલ્લામાં હાલ જે સરકારી પ્રાથમિક શિક્ષણની સ્થિતિ છે તેમાં કોઈ ફેરફાર નહીં થાય તો આવનાર સમયમાં ગ્રામ્ય વિસ્તારના કહેવાતા શિક્ષિત માણસ માટે નોકરી એક સ્વપ્ન બની રહેશે તેમાં કોઈ બે મત નથી.
ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના બાળકોએ સરકારી પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ પણ ગુજરાતી ભાષાનું પૂરેપૂરું જ્ઞાન મળી રહેતું નથી. છતાં આ બાળકો તેજ શાળામાં સાતમા ધોરણ સુધી શિક્ષકોની બાળકો પ્રત્યેની બેદરકારી છતી ન થાય તે હેતુથી વિના વિઘ્ને પાસ કરી દેવામાં આવતા હોય છે.જ્યાં કોઈ રોકટોક કરનાર કે પૂછનાર નથી તેવા વિસ્તારોમાં શિક્ષકો પોતાની મનમાની રીતે પોતાની ફરજ અદા કરતા હોવાનું પણ જોવા મળે છે.અને જ્યારે આ બાળકો પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવે છે ત્યારે તેને જાણે અજાણ્યા સ્થળે ભૂલા પડ્યાનો અહેસાસ થાય છે.માધ્યમિક શિક્ષણ એ કક્કો બારાક્ષરી શીખવાનું સ્થળ નથી.તેમ છતાં માધ્યમિક શિક્ષણમાં પણ ધોરણ આઠ નવમાં આસાનીથી પાસ થઈ જતા હોય છે. પરંતુ બોર્ડની પરીક્ષા આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ નાપાસ થઈ રહ્યા છે.અને તેના માટે પ્રથમ દ્રષ્ટિએ કસુરવાર અને જવાબદાર હોય તો તે પ્રાથમિક શિક્ષણ છે.
ગુજરાતી વ્યક્તિને પ્રથમ પોતાની માતૃ ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું અતિ આવશ્યક છે.પરંતુ એક પછી એક ચાલુ થઈ રહેલી ખાનગી પ્રાથમિક શાળાઓ એકબીજાની રેસમાં આગળ વધી જવાની લહા્યથી બાળકો માટે ગુજરાતી ભાષા ગૌણ બનાવી દેવાય તે યોગ્ય નથી.એકંદરે જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતા શિક્ષણથી બાળકોના વિકાસની સાથે-સાથે વાલી વર્ગ પણ સંતુષ્ટ હોય તેમાં શંકા નથી.પરંતુ આપવામાં આવતા શિક્ષણમાં વ્યક્તિગત હોશિયારી સિવાય વધુ નહીં હોવાનું જણાય છે.સરકાર દ્વારા શિક્ષણ સુધારણા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.પરંતુ આ નાણાનો પૂરેપૂરો સદ્ઉપયોગ થતો નથી.અને શિક્ષણના નામે વેપલો થતો હોય ત્યાં 21મી સદીમાં કોમ્પ્યુટર યુગ સાથે કદમ મિલાવવાની વાત કેટલા અંશે વ્યાજબી છે?
દાહોદ જિલ્લાની સરકારી પ્રાથમિક,માધ્યમિક શાળાઓ તથા કોલેજો સહિત ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં આપવામાં આવતા શિક્ષણથી ગાંધીજી,બાબાસાહેબ આંબેડકર,વીર ભગતસિંહ જેવા સપૂતો પેદા કરવાની ક્ષમતા મરી પરવારી હોય તેવું જણાય છે.ત્યારે ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી પ્રાથમિક શાળાઓ દ્વારા આપવામાં આવતા શિક્ષણની જિલ્લા અથવા રાજ્ય સ્તરેથી તટસ્થ તપાસ હાથ ધરી શિક્ષણનું સ્તર સુધારવા તથા શિક્ષણ સુધારણા માટે વર્ષો વર્ષ લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને આ નાણાનો પૂરેપૂરો સદ્ઉપયોગ કરવામાં આવે છે કેમ?તે પણ એક તપાસનો વિષય છે.