*માર્ગ અને મકાન વિભાગના અણધડ કામથી ત્રાહિત રૂઝવણી ગામના ગ્રામજનોની આંદોલનની ચીમકી.*
ખેરગામ તાલુકાના રૂઝવણી ગામના ભીલદેવી મંદિર પાસેથી પસાર થતાં ખેરગામ-પીપલખેડ સ્ટેટહાઇવે પર મહુડાવાળા ખનકા તરીકે ઓળખાતી ખાડી પર હાઈ વે ના નવીનીકરણ અને હાઇવે પહોળો કરવાની કામગીરી દરમ્યાન પાણીના વહેણ માટે ડબલ બોક્સ કાઢીને પુરાણ કરી એક જ બોક્સ બનાવી દેતા ચોમાસામાં પાણીના વહેણમાં અવરોધ ઉભો થતાં આજુબાજુના રહેવાસીઓની જમીન ડુબાણમાં જાય અને રસ્તા ઉપર પણ પાણી ફરી વળવાની ભીતિ ઉભી થતાં, ગ્રામજનોએ ભૂતકાળમાં લગભગ 2 મહિના પહેલા રસ્તો રોકતા માર્ગમકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવી 2 બોક્સ ફરીથી લગાવી આપવાની બાંહેધારી આપતાં મામલો થાળે પડ્યો હતો પરંતુ 2 બોક્સને બદલે માર્ગ મકાન વિભાગ સ્ટેટ દ્વારા 1 બોક્સ અને નાના નાના નાળા જ લગાવી આપવામાં આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશની લાગણીઓ પ્રસરી હતી.અને ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં મામલતદાર ઓફિસ અને પોલિસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી જિલ્લા કલેકટરને આવનાર પાંચ દિવસમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધ્યક્ષ તરીકે નિરાકરણ લાવવાની માંગ કરી હતી.
આ બાબતે ગ્રામજનો પૈકી તિલક પટેલ અને કમીન પટેલ સહિતના આગેવાનોનું કહેવું હતું કે પહેલા માર્ગમકાન વિભાગના અધિકારીઓ દ્વારા 2 બોક્સ લગાવી આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ હાલમાં એમણે ઉપરથી મંજૂરી નથી મળી એમ કરીને હાથ ઊંચા કરી દઈ ગ્રામજનો અને રાહદારીઓને કફોડી હાલતમાં મૂકી દીધા છે.વારંવારની વિનંતી પછી પણ નિરાકરણ નહીં આવતા આખરે અમારે જનઆંદોલન કરવાની નોબત આવીને ઉભી રહેશે એવું લાગી રહ્યું છે.જો અમારી ફરિયાદ પરત્વે જિલ્લા તંત્ર દ્વારા સંબધિત વિભાગ દ્વારા જો પાંચ દિવસમાં યોગ્ય અને ત્વરિત કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનઆંદોલન કરીશું અને એનાથી કાયદા વ્યવસ્થાની જવાબદારી ખોરવાશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,આમ આદમી પાર્ટીના નવસારી જિલ્લા પ્રમુખ પંકજ પટેલ,પંકજ પટેલ સાદડવેલ,પ્રકાશ પટેલ,વિમલ પટેલ,ઉમેશ માહ્યાવંશીના ગ્રામજનો અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.