દાહોદમાં કડાણા જળાશય આધારિત પીવાના પાણીની યોજનામાં અવારનવાર મેન્ટેનન્સના નામે પાણી સપ્લાય બંધ કરી દેતા ભર ઉનાળે પાણી માટે તરસતા શહેરીજનો
એજન્સી દ્વારા અવારનવાર મેન્ટેનન્સ કામગીરીનું બહાનું ધરી અનિયમિત રીતે પાણી સપ્લાય આપતા પાણી માટે વળખા મારતા દાહોદ વાસીઓ
એજન્સી દ્વારા નિયમો અને શરતો મુજબ પાણીની મોટરો સ્પેરમાં રાખવાની જગ્યાએ ગણતરીની મોટરો દ્રારા કામ ચલાવ કામગીરી કરતી હોવાનું સામે આવ્યું..
પાણી માટે અનેકોવાર રજૂઆતો છતાય કાયમી ઉકેલ ન આવતા જળ સંકટ યથાવત.. પાણીની સમસ્યાની રજૂઆત લઈને મહિલાઓની આંખોમાં રીતસર આંસુ આવ્યા..
દાહોદ તા.09
લખન રાજગોર :- નગરપાલિકા કારોબારી ચેરમેન
સ્માર્ટ સિટી દાહોદમાં આમ તો ઘણી ખરી સમસ્યાઓ છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા યથાવત જોવા મળતા શહેરીજનો પાણીની સમસ્યાને લઇ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આમ પણ નગરપાલિકા દ્વારા ત્રણ દિવસે પાણી સપ્લાય આપતા પાણીની અછત સર્જાવા પામી છે તો બીજી તરફ કડાણા જળાશય આધારિત પાઇપલાઇનમાં અવારનવાર યાંત્રિક ખામીઓ સર્જાતા એક અઠવાડિયા સુધી પાણીનો સપ્લાય બંધ રહેતા શહેરીજનો તેમાંય ખાસ કરીને કડાણા જળાશય આધારિત પાઇપલાઇન પર નિર્ભર 25,000 ની વસ્તી ધરાવતો ગોદી રોડ વિસ્તાર છેલ્લા કેટલાય સમયથી જળ સંકટ સામે ઝઝૂમી રહ્યો છે હાલ વૈશાખનો મહિનો ચાલી રહ્યો છે આકરો ઉનાળો તેમજ ધોમ ધક્તા તાપમાનના કારણે ગરમીનો પારો ચરમ સીમાએ પહોંચ્યો છે હાલમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવા પામતા સરકાર દ્વારા ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં આજે સાતમો દિવસ જઈ રહ્યો છે ત્યાં સુધીમાં દાહોદ શહેરના સમગ્ર ગોદી રોડ વિસ્તારમાં પાણી સપ્લાય ન આપતા ગોદી રોડ વિસ્તારના લોકોનું ટોળું આજે નગરપાલિકાના સુધરાઈ સભ્ય તેમજ કારોબારી ચેરમેન લખનભાઈ રાજગૌરની ઓફિસે ઘસી આવ્યું હતું અને ઉગ્ર રજૂઆતની સાથે પાણીની સમસ્યાઓને લઈને આવેલી કેટલીક મહિલાની આંખોમાંથી રીતસરના આંસુ સરી પડ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી પાણીના ટેન્કરો દ્વારા તેમજ બોર દ્વારા અમુક વિસ્તારના લોકો પોતાની પાણીની જરૂરિયાતો પૂરી પાડી રહ્યા હતા પરંતુ નાના અને મધ્યમ વર્ગના પરિવારો જેમના માટે કે જેઓ વેચાતું પાણી લેવા માટે સક્ષમ ન હોય અથવા પાણી સંગ્રહ કરવા માટે પૂરતા સંસાધનો પણ નથી તેવા પરિવારો પાણી માટે ઉનાળામાં રઝળપાટ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પાણી સપ્લાયમાં આટલી અનિયમિતતા હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર જન પ્રતિનિધિઓ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં કેમ વામણા પુરવાર થઈ રહ્યા છે એક મોટો સવાલ છે દાહોદ સ્માર્ટ સિટી તરફ અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે પાણીના સંકટ સામે એકલું ગોદી રોડ જ નહીં પરંતુ શહેરના ઘણા ખરા વિસ્તારો પણ ઝઝૂમી રહ્યા છે આવા સમયે સંબંધિત વિભાગ તેમજ ચૂંટાયેલા પાખના પ્રતિનિધિઓ શહેરીજનોની પ્રાથમિક અને આવી કાળઝાળ ગરમીમાં મહત્વપૂર્ણ ગણાતી પાણીની સમસ્યાનો ઉકેલ કરે તેવી લાગણી અને માંગણી પ્રવર્તમાન સંજોગોમાં ઉગ્ર રીતે ઉઠવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે કડાણા જળાશય આધારિત યોજનામાં ભાણા સીમલ આફવા કુંડા મળી ત્રણ સંપ આવેલા છે આ ત્રણેય સંપો પર નિયમોનુસાર ત્રણ ત્રણ મોટરો સંચાલિત અવસ્થામાં હોવી જોઈએ તેમજ એક એક મોટર એક્સ્ટ્રામાં હોવી જોઈએ પરંતુ તાજેતરમાં આફવામાં બે ભાણા સીમલમાં બે અને કુંડામાં પણ બે મળી કુલ 6 મોટરો દ્રારા પાણી સપ્લાય આપવામાં આવી રહ્યો છે આ પ્રમાણે ત્રણેય સંપો પર મળી કુલ 6 મોટરોની ઘટ છે કડાણા જળાશય યોજનામાં 12 MLD પાણી નક્કી કરવામાં આવ્યું છે પરંતુ એજન્સી દ્રારા 10 MLD પાણી સવારના સાત વાગ્યાથી સાંજના 5 વાગ્યાં સુધી ટુકડે ટુકડે આપવામાં આવે છે જેના પગલે અવ્યવસ્થા સર્જાઈ છે અને પાણી સપ્લાયમાં પણ અનિયમિત્તા ઉભી થાય છે દાહોદ શહેરમાં આમતો 20 MLD પાણીની જરૂરિયાત છે જે પેકી 8 MLD પાણી પાટાડુંગરી તેમજ 12 MLD પાણી કડાણા જળાશય આધારિત યોજનામાંથી પુરૂ પાડવામાં આવે છે પરંતુ કડાણા જળાશય દ્રારા ટુકડે ટુકડેની જગ્યાએ પાણી સપ્લાય આપવાની જગ્યાએ એક સાથે નિર્ધારિત કરેલો પાણી સપ્લાય આપવામાં આવે તો ગોદીરોડ તેમજ અન્ય વિસ્તારો માટે નિર્ધારિત કરેલા સિડ્યુલ મુજબ પાણી સપ્લાય પુરૂ પાડી શકાયઃ જેના પગલે આ સમસ્યા મહદઅંશે દૂર થાય તેમ છે જોકે 25,000 ની વસ્તી ધરાવતા ગોદીરોડ માં 28 સોસાયટીઓનો સમાવેશ થાય છે તેને ત્રણ ઝોનમાં વેચવામાં આવી છે પાણી પુરવઠા બોર્ડ તેમજ કડાણા જળાશય આધારિત પાઇપલાઇન દ્વારા નિયમો અને શરતો તેમજ નિર્ધારીત કરેલા પાણી સપ્લાયને પૂરું પાડવામાં આવે તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જાય તેમ છે પરંતુ ઉપરોક્ત ખામીઓના લીધે દાહોદ શહેરમાં ભર ઉનાળે જળ સંકટ ઉભો થવા પામ્યો છે અને તેમાં કડાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઇન પર નિર્ભર ગોદી રોડ વિસ્તારની પરિસ્થિતિ તો વધુ કપરી બનવા પામી છે.
