*સુખસર તાલુકાના સાઈ નર્સિંગ કોલેજ પાડલીયા ખાતે રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા ભવ્ય ‘યુવા સંગમ’ કાર્યક્રમ સંપન્ન*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સુખસર તાલુકાના સાઈ નર્સિંગ કોલેજ પાડલીયા ખાતે રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા ભવ્ય ‘યુવા સંગમ’ કાર્યક્રમ સંપન્ન*

*૩૪૭ થી વધુ યુવા-શક્તિની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો*

સુખસર,તા.૭

 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ નિમિત્તે સુખસર-ફતેપુરા તાલુકાના સંયુક્ત ઉપક્રમે સાંઈ નર્સિંગ કોલેજ, પાડલીયા ખાતે એક ભવ્ય અને પ્રેરણાદાયી ‘યુવા સંગમ’ કાર્યક્રમ યોજાયો હતો.બપોરે ૨ થી ૫ વાગ્યા દરમિયાન આયોજિત આ કાર્યક્રમ ત્રણ અલગ-અલગ સત્રોમાં સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો.

શારીરિક સૌષ્ઠવ અને બૌદ્ધિક વિકાસ

કાર્યક્રમના પ્રથમ તબક્કામાં શાખાનું આયોજન થયું હતું.જેમાં યુવાનોમાં શિસ્ત અને એકતા કેળવાય તે હેતુથી શારીરિક વિભાગ અંતર્ગત વિવિધ દેશી રમતો,સમતા,સૂર્યનમસ્કાર-યોગ અને વ્યાયામ કરાવવામાં આવ્યા હતા.સાથે જ દેશભક્તિનો સંચાર કરતા ગીત અભ્યાસ સાથે બૌદ્ધિક સત્ર સંપન્ન થયું હતું.

પાંચ જૂથોમાં વિચાર-મંથન અને સંવાદ બીજા સત્રમાં યુવાશક્તિને રાષ્ટ્રહિતના વિવિધ વિષયો સાથે જોડવા પાંચ વિશેષ ગટ (જૂથ) બનાવી ચર્ચા-સંવાદ યોજાયો હતો જેમાં

ગટ ૧: યુવા અને પર્યાવરણ

ગટ ૨: યુવા અને સ્વદેશી

ગટ ૩: યુવા અને સેવા

ગટ ૪: RSS માં યુવાનોની સક્રિય ભૂમિકા

ગટ ૫: વૈચારિક યુદ્ધ-પ્રચારમાં યુવાનોનું યોગદાન

    આ સત્રમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક પોતાના મૌલિક વિચારો અને રચનાત્મક મંતવ્યો રજૂ કર્યા હતા.

પંચ પરિવર્તન અને યુવા ક્રાંતિનું આહ્વાન તૃતીય સત્રમાં જિજ્ઞાસા સમાધાન અને સમાપન વક્તવ્ય યોજાયું હતું.જેમાં પંચમહાલ વિભાગ ગ્રામ વિકાસ સંયોજક મનહરભાઈ પટેલે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,યુવાન એ માત્ર ઉંમર નથી પરંતુ એક ઊર્જા છે. આજના યુવાનો સમાજમાં સકારાત્મક ક્રાંતિ લાવી રાષ્ટ્ર નિર્માણ કરી શકે છે.તેમણે સૌને જીવનમાં ‘પંચ પરિવર્તન’ અપનાવી દેશના વિકાસમાં સહભાગી બનવા જોરદાર આહ્વાન કર્યું હતું.વિશાળ જનભાગીદારી અને પર્યાવરણ સંદેશ

સમગ્ર તાલુકામાંથી કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યુવાધને હાજરી આપી હતી.જેમાં ૨૧૭ બહેનો, ૧૩૦ ભાઈઓ, ૨૨ પ્રબંધક,૬ પ્રવર્તક ,૧૨ ગણ શિક્ષક અને શિક્ષિકા અને કુલ ૩૬૯ લોકોની ઉત્સાહી ઉપસ્થિતિ રહી હતી.

        શ્રાવણ માસના પવિત્ર સોમવાર નિમિત્તે ઉપસ્થિત તમામ માટે ફરાળ અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે સમાપનમાં ગ્રામ વિકાસ મારગાળા સમિતિ તરફથી ઉપસ્થિત તમામ યુવાનોને સ્મૃતિભેટ રૂપે એક-એક વૃક્ષ (રોપો) અર્પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભાવના અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે સમગ્ર યુવા સંગમ કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શાનદાર રીતે સંપન્ન થયો હતો.

Share This Article