લીમખેડાના જેતપુર(દુ)માં ત્રણ મકાનોમાં સાગમટે આગ લાગી,ઘરવખરી અને સરસામાન ખાખ થઈ ગયો..
દાહોદ તા.22
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર(દુ) ગામે એક સાથે ત્રણ મકાનોમાં અગમ્યકારણોસર આગ લાગી હતી. ત્રણેય કાચા મકાનો અગન જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયાં હતાં. ફાયર ફાઈટરના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું લીમખેડા તાલુકાના જેતપુર(દુ) ગામે સાંજના સમયે ગામમાં રહેતાં મોહનભાઈ મથુરભાઈ બારીયા, જસવંતભાઈ મથુરભાઈ બારીયા અને અલ્પેશભાઈ બારીયા આ ત્રણેય મકાનોમાં અગમ્યકારણોસર આગ ફાટી નીકળી હતી.ત્રણેય કાચા મકાનોમાં જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ હતું.
આગની અગન જ્વાળાઓમાં ત્રણેય મકાનો બળીને ખાખ થઈ ગયાં હતાં. આગની ઘટનાની જાણ સ્થાનીક ફાયર ફાઈટરના લાશ્કરોને કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળળ્યો હતો પરંતુ ત્રણેય મકાનો બળીને ખાખ થઈ જતાં મકાન રહેવાસીઓ ઘર વિહોણા થઈ ગયાં હતાં.ઘટનાને પગલે ગામના સરપંચ તેમજ આગેવાનો દ્વારા આ મકાન માલિકોને તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા સહાય પુરી પાડવામાં આવે તેવી લાગણી અને માંગણી વહેતી થવા પામી છે.એક સાથે ત્રણ મકાનોમા ઘરવખરી અને સરસામાન ભસ્મ થઈ જતા ઘર માલિકોને મસ મોટુ નુકસાન થયુ હોવાનુ અનુમાન કરવામા આવી રહ્યુ છે.