
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા નગરના હોળી ચકલા વિસ્તારમાં ગટર બનાવવાની કામગીરી કરવા માટે ટીડીઓએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું
ફતેપુરા તા.17
ફતેપુરા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે હોળી ચકલા વિસ્તારમાં ભૂગર્ભ ગટર કાયમ માટે ઉભરાતી રહેતી હોઇ આ વિસ્તારમાં કિચડ ની સમસ્યા બારેમાસ રહે છે જેના પગલે ફળિયાના રહીશોએ ગ્રામ પંચાયતને આ ગંદકી દૂર કરવા બાબતે રજૂઆત કરી હતી જેના પગલે ગ્રામ પંચાયત દ્વારા હોળી ચકલા વિસ્તારમાં રસ્તાની બે બાજુએ ખુલ્લી ગટર બનાવવાની કામગીરી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી તે વખતે ફળિયાના રહીશ શરદ ઉપાધ્યાય દ્વારા વિરોધ નોંધાવીને આ કામગીરી બંધ કરાવી હતી જેના પગલે આ ગટર બનાવવાની કામગીરી અટકી પડી હતી.
ત્યારબાદ ફરીથી ભુગર્ભ ગટરો ઉભરાતા ફળિયાના રહીશોએ ફરીથી ગ્રામ પંચાયતને રજૂઆત કરીને ફળિયાના તમામ રહીશોએ સંમતિ દર્શાવીને તેમના ફળિયામાં રસ્તાની બંને બાજુ ખુલ્લી બટર બનાવવા માટે માંગણી કરી હતી.
જેના પગલે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ આ કામગીરી શરૂ કરવામાં આવે તો તે વખતે ફળિયાના કોઈ રહીશો વિરોધ ના કરે અથવા તો આ કામગીરીમાં કોઈ અડચણ ઊભી ના કરે તે માટે ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ ને લેખિતમાં અરજી આપીને કામગીરી ચાલે ત્યાં સુધી પોલીસ પ્રોટેક્શન આપવા માટે માંગણી કરી છે.
તેમજ આ કામગીરી વખતે કોઈપણ વ્યક્તિ દ્વારા આ કામગીરીમાં અડચણ ઊભી કરવામાં આવે તો તેમની સામે કાયદેસરના પગલાં લેવા અને કાર્યવાહી કરવા માટે તાલુકા વિકાસ અધિકારીએ રજૂઆત કરી છે તેમ જ તેઓએ આ બાબતની જાણ દાહોદ જિલ્લા ના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને પણ કરી છે.