
રાજેશ વસાવે, દાહોદ
આદિવાસી સમુદાય દ્વારા દાહોદમાં રંગોત્સવની અનોખી ઢબે ઉજવણી…
હોળીકા દહન ટાણે દાંડાથી આગામી ચોમાસામાં વરસાદની અગાહી કરવામાં આવે છે.
દાહોદ શહેર અને ખાસ કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વસતાં આદિવાસી સમાજમાં હોળીનો ઉત્સવ ઘણી બધી વિશેષતા અને પરંપરાઓ સાથે ઉજવાતો એક અનોખો તહેવાર છે. હોળીના ઉત્સવની જેમ તે માન્યતાઓ, સમુહ ગીતો, બાધાઓ, વર્ષની ઋતુઓની આગાહીઓ વગેરે હોળી સાથે આજેપણ યથાવત્ સંકળાયેલ છે.
અગાઉ ગ્રામ્ય અને શહેરી બધા વિસ્તારોમાં હોળીનો તહેવાર એક માસ લગી ઉજવાતો હતો. જે હવે ભણતરનો ભાર વધવા સાથે આધુનિક જીવન જીવવા માટે જરૂરી ઉપાર્જન કાજે સમય ફાળવવો પડતો હોવા સાથે અનેક લોકોને નોકરી હેતુ અન્યત્ર વસવાટ કરવા જેવા વિવિધ કારણોસર ગણતરીના કલાકોમાં સિમિત થવા પામ્યો છે.
દાંડારોપણીની પૂનમ એટલે કે મહા સુદ-૧૫ ના દિવસે ગામની મુખ્ય ચોકમાં જ્યાં પરંપરાગત હોળી મંડાતી હોય ત્યાં વાંસનો દાંડો તથા છાણા ગોઠવીને એક માસ પૂર્વે દાંડારોપણી કરી આ પર્વનો પ્રારંભ કરાવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં રોજ સાંજે સ્થાનિક અગ્રણીઓ દાંડા રોપણીની જગ્યાએ સતત એક માસ સુધી ભેગા થઈને ઢોલ, નગારા, ડફની સંગાથે હોળીના ગીતો રેલાવી નાચગાન કરી ઉજવણી કરે છે. છેલ્લા એક માસથી દરરોજ તેઓ છાણામાં ભેજ કેટલો વળ્યો છે?- તે જોઈને આગલું વર્ષ કેવું જશે કે વરસાદ કેટલો પડશે? તેવી આગલા વર્ષની આગાહીઓ પણ કરે છે. તેમજ હોળીના તણખાં કઈ દિશામાં જાય છે તેના પરથી વરસાદ કઈ દિશામાંથી આવશે તેનો અંદાજ લગાવવાની માન્યતા દાહોદના આદિવાસીઓમાં આજે પણ છે. હોળીમાતાની બાધા કે માનતા રાખી વર્ષ દરમ્યાન આવનારી સમસ્યાઓ કે સંકટ નિવારણના પ્રયાસો પણ આ વિસ્તારમાં આ દિવસોમાં જોવા મળે છે.
તો વિશેષમાં વૈષ્ણવ સમાજમાં હોળી પૂર્વેના ૪૦ દિવસ દરમ્યાન ઈષ્ટદેવ સમક્ષ હોળીના ‘રસિયા’ના કાર્યક્રમો ઉત્સાહપૂર્વક યોજાય છે. દાંડારોપણી પૂનમથી શરૂ થયેલી હોળીના તહેવારની ઉજવણી ફાગણ સુદ -૧૫ ને દિવસે તેઓ મોટો ઉત્સવ મનાવી હોલિકા દહન કરીને આ તહેવારને ભારે ધામધૂમથી ઉજવે છે. તદ્દઉપરાંત આ પંથકમાં હોળીની ‘ગોઠ’ લેવાની એક અનોખી પરંપરા સાથે દાંડો લઈને ભાગવાની પરંપરા, ગામમાં ઘરે ઘરે ફરીને ભોજન માંગવાની પરંપરા, હોળીની ચોકી તેમજ ચુલ પરંપરા કે સામુહિક પ્રણય ગીતો ગાવાની પ્રથાઓ આજે પણ યથાવત્ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ વખતે “વોકલ ફોર લોકલ”નું સૂત્ર આપી હોળીની સામુહિક ઉજવણી કરી જન ભાગીદારીની અભિવ્યક્તિ માટેનો સંકલ્પ લોકોને આપ્યો છે.
સ્થાનિક આદિવાસી સંશોધક ડો. ગણેશ નિસરતા હોળીના ઉત્સવ વિશે જણાવે છે કે ‘સામાન્ય રીતે એક માસ સુધી ઉજવાતા આ ઉત્સવના સમયે આદિવાસીઓ ખેતીવાડીનું કામકાજ પરવારીને બિલકુલ નવરાશનો સમય ભોગવતા હોવાથી તેમનામાં લગ્નની સિઝન પણ શરૂ થાય છે. હોળી ઉત્સવ માટે દિવાળી તો અઠેકઠે પણ હોળી તો ઘરે જ, તે ઉક્તિ અનુસાર તેઓ બહારગામ જ્યાંપણ ધંધા- રોજગાર માટે ગયા હોય ત્યાંથી આ પર્વે અવશ્ય ઘરે આવે છે. આમ હોળીનો તહેવાર ભીલો માટે એક સામુહિક આનંદોત્સવ છે.’