Wednesday, 17/08/2022
Dark Mode

દાહોદ:કોરોનાના કપરા કાળમાં ૧૦ બાળકોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી,કોરોનાકાળમાં ત્રણ બાળકોના માતાપિતાએ અનંતની વાટ પકડતા રાજ્ય સરકાર વ્હારે આવી

June 24, 2021
        499
દાહોદ:કોરોનાના કપરા કાળમાં ૧૦ બાળકોએ  માતાપિતાની છત્રછાયા ગુમાવી,કોરોનાકાળમાં ત્રણ બાળકોના માતાપિતાએ અનંતની વાટ પકડતા રાજ્ય સરકાર વ્હારે આવી

DahodLive

દાહોદમાં ૧૦ બાળકોએ કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવી 

કોરોનાકાળમાં ત્રણ બાળકોના માતાપિતાએ અનંતની વાટ પકડી, રાજ્ય સરકાર વ્હારે આવી

કોરોનાકાળમાં માતાપિતા ગુમાવનારા નિરાધાર બાળકોને રાજ્ય સરકારની માસિક રૂ. ૪ હજારની સહાય માટે જિલ્લા બાળસુરક્ષા એકમ જાતે કઢાવે છે દસ્તાવજો

દાહોદ તા.24

 

 

 

માત્ર સાડા છ વર્ષનો માસૂમ અજિત છેલ્લા એકાદ પખવાડિયાથી મધરાતે અચાનક ભરનિંદરમાંથી ઉઠી જાય છે. તેના દાદા તેમને વ્હાલથી પથારીમાંથી ઉઠાડીને ઘરની બહાર ફળિયામાં લઇ જાય અને એકાદ વાર્તા સંભળાવી ફરી ઘરમાં લાવી પથારીમાં સુવડાવી છે.

અજિત રાત્રે એટલા માટે જાગી જાય છે કે તેને પોતાના માતાપિતાની પડખે સુવાની આદત છે. પણ, હવે તેમની પડખે સુવામાં દાદાદાદી કે ભાઇ સિવાય કોઇ નથી. આ કાળમુખા કોરોનાએ અજિતના માથા ઉપરથી માતાપિતાની છત્રછાયા એક સાથે છીનવી લીધી છે. કુદરત કેટલી ક્રુર હોઇ શકે એનું આ તાદ્રષ્ય ઉદાહરણ છે. કોરોનાકાળની આવી અનેક કરુણાંતિકામાં રાહતની વાત તો એ છે કે રાજ્ય સરકાર એમની પડખે ઉભી છે.

ફતેપુરાના ધાણીખુટ ગામમાં કોરોનાની બીજી લહેરમાં ત્રણ બાળકોએ માતા પિતાનું છત્ર ગુમાવ્યું 

મૂળ વાત એ છે કે, ફતેપુરા તાલુકાના ઘાણીખુંટ ગામમાં રહેતા ૩૨ વર્ષના વિજયભાઇ મકવાણા અને ૩૦ વર્ષના આશાબેન મકવાણા અર્થોપાર્જન કરવા અમદાવાદ નજીક બાકરોલમાં કડિયા કામ કરતા હતા. કાળમુખા કોરોનાની બીજી લહેર શાંત થવામાં હતી, એ દરમિયાન આ દંપતિને કડિયા કામ મળતા તેઓ તેમના ત્રણ પુત્રો પૈકી અજિતને સાથે લઇ અમદાવાદ ગયા. બાકીના બે પુત્રો ૧૧ વર્ષના અમિત અને આઠ વર્ષના રોમિતને પોતાના ઘરે દાદા પાસે મૂકીને ગયા.

બન્યુ એવું કે, ગત્ત તારીખ ૭ જુનના રોજ અચાનક વિજયભાઇનો ગામમાં પોતાના ભાઇભાંડુ ઉપર ફોન આવ્યો કે તેમને તાવ આવી રહ્યો છે. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. મને અમદાવાદથી લઇ જાવ. ગામના કેટલાક યુવાનો એમને લઇ આવ્યા. વિજયભાઇ કે આશાબેન પોતાની તકલીફનું વર્ણન કરી ના શકે એવી સ્થિતિમાં હતા. પરિવારજનો અને ગામના અન્ય લોકોએ તેમને પ્રથમ સુખસર, પછી ઝાલોદ અને બાદમાં ઝાયડ્સ ખાતે લઇ આવ્યા પણ બચાવી શકાયા નહી. વર્ષ ૨૦૦૯માં લગ્નના તાંતણે બંધાનારા આ યુગલે સાથે અનંતની વાટ પકડી.

માતા પિતાનું છત્ર ગુમાવનાર ત્રણેય બાળકોના દાદા દાદી આધાર બન્યા,કોરોના કાળમાં માતા પિતાનું છત્ર ગુમાવનાર 10 બાળકોને રાજ્ય સરકાર દ્વારા સહાય પહોંચાડવાનું કામ બાળ સુરક્ષા એકમ એ કર્યું 

અમિત, રોમિત અને અજિત સાવ નિરાધાર થઇ ગયા. ત્રણે બાળકો તેમના દાદા ખેમાભાઇ અને દાદી સુમિત્રાબેન સાથે રહે છે. તેમના ચહેરા ઉપર માસૂમિયત છલકે છે. અમિતને સ્થિતિનો ખ્યાલ છે પણ રોમિત અને અજિતને દુનિયાદારીનો સ્પર્શ જ થયો નથી. આવી જ બાબતને ધ્યાને રાખીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદનાપૂર્ણ નિર્ણય કરી કોરોનાકાળમાં માતાપિતા બન્ને ગુમાવનારા બાળકોને માસિક રૂ. ચાર હજારની સહાય કરવાનો ઉદ્દાતભાવ દર્શાવ્યો છે.
દાહોદમાં આવા દસ કિસ્સા ધ્યાને આવ્યા છે, તેમ કહેતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી શાંતિલાલ તાવિયાડ કહે છે, બાળ કલ્યાણ સમિતિએ આ દસેય બાળકોના વાલીઓને માન્યતા આપી દીધી છે. વાલીપણાના નિર્ણય ખૂબ જ ઝડપથી લેવામાં આવ્યા છે. અમે આવા કરુણાસભર કિસ્સામાં બાળકોને તમામ પ્રકારની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. દાહોદમાં કેટલાક બાળકો પાસે પૂરતા દસ્તાવેજો નથી. એટલે અમે જાતે એ દસ્તાવેજો કઢાવીએ છીએ. મૃત્યુના પ્રમાણપત્રો ઝડપથી નીકળી જાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. એટલે અમે જાતે જ મૃત્યુના પ્રમાણપત્રો કઢાવી લઇએ છીએ. અમારી ટીમ દસ્તાવેજો પહોંચતા કરે છે. બાળક દીઠ રૂ. ચાર હજારની સહાય મળશે.

નિરાધાર ત્રણે બાળકોને સહાય અપાવવા માટે બાળ સુરક્ષા એકમના પ્રયાસો

જિલ્લા બાળ સુરક્ષા એકમમાં લીગલ પ્રોબેશન ઓફિસર શ્રી અબ્દુલ વસીમ કુરેશી, સામાજિક કાર્યકર શ્રી નારસિંગ બરજોડ અને સુશ્રી નેહા મિનામા, ક્ષેત્રીય કાર્યકર શ્રી પ્રતાપ કટારા સમય જોયા વિના આવા બાળકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદ અપાવવા માટે મહેનત કરી રહ્યા છે.આ માટે જરૂરી માર્ગદર્શન સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર. પી.ખાંટા આપી રહ્યા છે.
ટૂંકી ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા ખેમાભાઇ મકવાણા કહે છે, રાજ્ય સરકારની સહાય મળતા અમને આ ત્રણ બાળકોના ભરણપોષણ કરવામાં આર્થિક સમસ્યા નહી રહે.
૦૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!