
વસાવે રાજેશ દાહોદ
અવસર લોકશાહીનો – વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨, દાહોદ
૦૦૦
*દાહોદ જિલ્લામાં મતદારોને સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા કરાઇ રહ્યાં છે પ્રોત્સાહિત*
૦૦૦
*વિવિધ વિસ્તારોમાં ૫૧૮૪૪ જેટલા પોસ્ટરો લગાવાયા, ૪૨ હજારથી વધુ ગ્રામજનોએ મતદાન કરવા માટેના લીધા શપથ*
૦૦૦
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં એક પણ મતદાતા મતદાન ચૂકે નહીં એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં સ્વીપ એક્ટિવિટી એક અભિયાન સ્વરૂપે કરાઇ રહી છે. સ્વીપ એટલે કે સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન પ્રોગ્રામ અંતર્ગત દાહોદ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારોમાં મતદારોને વિવિધ કાર્યક્રમો થકી લોકશાહીના આ મહાપર્વમાં મતદાન થકી સહભાગી થવા પ્રોત્સાહિત કરાઇ રહ્યાં છે.
સ્વીપ નોડલ અધિકારી શ્રી મયુર પારેખે માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લામાં વધુમાં વધુ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બને એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં મતદાર જાગૃકતા અભિયાન આદરવામાં આવ્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં વિવિધ વિધાનસભા વિસ્તારોમાં ૫૧૮૪૪ જેટલા પોસ્ટર્સ લગાવાયા છે. ખાસ કરીને શિક્ષકોએ વિદ્યાર્થીઓ દ્વારા આ અભિયાનને તેમના માવતર સુધી પહોંચાડી રહ્યાં છે.
સ્વીપ કામગીરી અંતર્ગત જિલ્લામાં ૧૦૫૨૬૯ બાળકોએ તેમના માવતર અવશ્ય મતદાન કરે એ માટે પ્રયાસ કરવાના શપથ લીધા છે. જયારે ૪૨૬૫૮ જેટલા ગ્રામજનોએ મતદાન અવશ્ય કરવાના શપથ લીધા છે. જિલ્લામાં સ્વીપ અંતર્ગત વધુમાં વધુ મતદારો ચૂંટણી પ્રક્રીયામાં ભાગ લે તે માટે જિલ્લાના અંતરીયાળ વિસ્તારો સહિતના તમામ વિસ્તારોમાં મતદાતા જાગૃકતા અભિયાનને વધુ સઘન બનાવાયું છે.
૦૦૦