
રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચેકડેમ કૌભાંડ સંદર્ભમાં દાહોદ કલેક્ટરને હાજર રહેવાના ફરમાન
દે.બારીઆ બેઠકમાં ભાજપના ધારાસભ્ય બચુભાઈ ખાબડ સામે હવે ઉમેદવાર ચહેરો બદલો ના ભાજપ સમૂહના મોરચામાં હવે ચેકડેમ કૌભાંડનો મુદ્દો પણ સામેલ.!!
દાહોદ તા.05
દેવગઢ બારીઆ વિધાનસભા બેઠકમાં ભાજપના ધારાસભ્ય બચુભાઈ ખાબડ સામે હવે ઉમેદવાર તો બહુમતી બુથો ધરાવતા દેવગઢ બારીઆ તાલુકામાંથી પસંદ કરો ના ખુદ ભાજપ કાર્યકરો દ્વારા ખુલ્લા વિરોધ સાથે મોરચો ખોલ્યો છે આ ઘટનાક્રમ વચ્ચે જ દેવગઢ બારીઆના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તરીકેના બચુભાઈ ખાબડના સત્તાકાળ દરમિયાન બહુચર્ચિત બનેલા એ મનરેગા યોજનાના ૩૩૦ ચેકડેમોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલા પ્રકરણમાં આગામી તા.૧૮ મીના રોજ દાહોદ કલેકટરને સ્ટેટ રિપોર્ટ સાથે હાજર રહેવાનો અદાલત દ્વારા આદેશ કરવામાં આવતા દે.બારીઆ બેઠકના ભાજપના ધારાસભ્ય બચુભાઈ ખાબડના રાજકીય વિરોધીઓ દ્વારા ઉમેદવાર પસંદગી પૂર્વે જ વધુ એક મોરચો ખોલતા આ બેઠકનું રાજકીય માહૌલ તો ભલે ગરમાયો હોય દાહોદ જિલ્લાના વહીવટી તંત્રમાં ૩૩૦ ચેકડેમોનું ભૂત ફરી ધૂણતું થયું હોવાની ચર્ચાઓ શરૂ થવા પામી છે.
દે.બારીઆ વિધાનસભા બેઠકનો જંગ હારી ગયેલા તત્કાલીન સમયના કોંગ્રેસના પરાજિત ઉમેદવાર અને હાલના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભારતસિંહ વાખળા એ ગુજરાત સરકારના તત્કાલીન મંત્રી અને ભાજપના ધારાસભ્ય સામે દે.બારીઆ બેઠકના કાર્યક્ષેત્રમાં મનરેગા યોજના હેઠળ ૩૩૦ ચેકડેમોના ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને ખળભળાટ મચાવી દીધો હતો. પરંતુ દાહોદ જિલ્લાના સત્તાધીશો દ્વારા આ ૩૩૦ ચેકડેમોના ભ્રષ્ટાચારના આક્ષેપોને રાજકીય નજરોના વહીવટથી જોઈને ક્લિન ચિટ નો અહેવાલ ગાંધીનગર મોકલી આપ્યો હતો. જો કે ભારતસિંહ વાખળા દ્વારા આ ચેકડેમોના મહાકૌભાંડ સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ પી.આઈ.એલ.ની હાથ ધરાયેલ સુનાવણીમાં દાહોદ જિલ્લા કલેકટરને આગામી તા.૧૮ મીના રોજ સ્ટેટસ રિપોર્ટ સાથે હાજર રહેવાનો આદેશ કરતા ચેકડેમ કૌભાંડને આર્શીવાદ દેનારા વહીવટી તંત્રના સત્તાધીશોમાં અંદરખાને પરસેવે તો રેબઝેબ બન્યા જ હશે, પરંતુ ભાજપના ધારાસભ્ય બચુભાઈ ખાબડ સામે “નો રિપીટ” નો મોરચો ખોલનારા દે.બારીઆના સત્તાધારી ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો પણ અંદરખાને ગેલમાં આવી ગયા હોવાનો રાજકીય માહૌલ સર્જાયો છે.
ઉમેદવાર બદલો ના રાજકીય માહૌલમાં હવે વિકાસની લોલીપોપનો મુદ્દો પણ સામેલ.!!
ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની જાહેરાતના કાઉન્ટ ડાઉન પૂર્વે દે.બારીઆ તાલુકામાં લગભગ દરેક ગ્રામ પંચાયતોમાં એક એક કામોના વિકાસના કાર્યો મંજુર કરવામાં આવ્યા હોવાના દે.બારીઆ તાલુકા પંચાયત કચેરીના પત્રને મોરબીના મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાયા બાદ ચુપચાપ સફેદ રંગના તૈયાર કરેલા કવરો ક્યાંક કેટલાંક સરપંચો, પેજ સમિતિના પ્રમુખો તો ભાજપના અગ્રણી કાર્યકરો દ્વારા દરેક ગ્રામ પંચાયતોના સરપંચોનો પહોંચાડવામાં આવ્યા હોવાની ચર્ચાઓએ દે.બારીઆ તાલુકામાં ભાજપના ઉમેદવાર બદલો ના રાજકીય માહૌલમાં હવે “વિકાસનો લોલીપોપ” નો મુદ્દો પણ ઉમેરાયો છે.!!