
દાહોદ:કોરોનાકાળ દરમિયાન બંધ પડેલી નાના અને મધ્યમ વર્ગ માટે લાઈફ લાઈન ગણાતી મેમુ સહિતની લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા માંગ..!!
ગરીબ અને નાના પરિવારો માટે લાઈફલાઈન ગણાતી વલસાડ દાહોદ ઇન્ટરસિટી, આણંદ દાહોદ મેમો, વડોદરા દાહોદ મેમુ શરૂ કરવાની માંગ પ્રબળ બની..
કોરોના કાળ બાદ તબક્કાવાર ટ્રેનો શરૂ કરવામાં આવતા બંધ પડેલી લોકલ ટ્રેનો પણ શરૂ કરાય તો સરહદી વિસ્તારોમાં વેપારને વેગ મળવાના આસાર..
દાહોદ તા.
પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ દાહોદથી ઉપડતી તેમજ દાહોદ જિલ્લા, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં વસવાટ કરતા નાના તેમજ મધ્યમ વર્ગ માટે લાઈફ લાઈન ગણાતી ઇન્ટરસીટી, લોકલ ટ્રેનો કોરોના કાળથી બંધ રહેતા આ લોકલ ટ્રેનોમાં રોજિંદી મુસાફરી કરતા, ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો, વેપારીઓ, પાસધારકો તેમજ હોસ્પિટલના કામકાજ અર્થે પર પ્રાંત માંથી દાહોદ ખાતે અવર જવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે અત્રેના લોકો અન્ય વિકલ્પ મારફતે મુસાફરી કરવા મજબુર બન્યા છે. સાથે-સાથે આ ટ્રેનો બંધ રહેવાથી રેલવે તંત્રને પણ યાત્રીભાડા, લગેજ પાર્સલ(ગુડ્સ) મારફતે થતી રેવન્યુ પણ ભારે ફટકો પડ્યો છે.
પશ્ચિમ રેલવેના રતલામ મંડળ માં સમાવિષ્ટ દાહોદથી ૫૮ થી વધુ લોકલ તેમજ સુપરફાસ્ટ ટ્રેનો રોજિંદી અવર જવર કરે છે. પરંતુ ત્રણ વર્ષ અગાઉ કોરોના જેવી વૈશ્વિક મહામારીના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત રેલવેના પૈડાં થંભી ગયા હતા.અને ગણતરી ની સુપરફાસ્ટ ટ્રેનોને બાદ કરતા મોટાભાગની ટ્રેનો બંધ થવા પામી હતી. જોકે બદલાતા સમયના વહેણમાં પરિસ્થતિ સામાન્ય થતા પશ્ચિમ રેલવે દ્વારા બંધ પડેલી ટ્રેનોને તબક્કાવાર પુનઃ શરૂ કરવાનું શરૂ કર્યુ છે. ત્યારે કોરોના કાળ પહેલા દાહોદ થી ઉપડતી તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં વસવાટ કરતા નાના તેમજ મધ્યમ વર્ગ માટે લાઈફ લાઈન ગણાતી દાહોદ વલસાડ ઇન્ટરસીટી, આણંદ-દાહોદ મેમુ, દાહોદ-વડોદરા જેવી મેમુ ટ્રેન આજ દિન સુધી બંધ રહેતા આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લા ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાંથી આ લાઈફ લાઈન ગણાતી ટ્રેનોમાં રોજિંદા વેપાર અર્થે આવતા વેપારીઓ,પાસ ધારકો, હોસ્પિટલના કામ અર્થે આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જેથી રોજિંદા અવર-જવર કરતા લોકો અન્ય વિકલ્પો મારફતે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તારોમાં લાઈફ લાઈન ગણાતી અને બારેમાસ હાઉસફુલ ચાલતી ઇન્ટરસિટી તેમજ લોકલ ટ્રેનો બંધ રહેવાથી રેલવે તંત્રને યાત્રીભાડા તેમજ ગુડ્સ પાર્સલથી થતી રેવન્યુમાં પણ નુકસાન થઈ રહ્યું છે ત્યારે રેલવે તંત્ર દ્વારા આવી મહત્વપૂર્ણ ટ્રેનોને સત્વરે ચાલુ કરે તેવી લાગણી તેમજ માંગણી પ્રવર્તમાન સંજોગોમાં રેલવે મારફતે મુસાફરી કરતા લોકો તેમજ દાહોદ વાસીઓમાં ઉઠવા પામી છે.