
બાબુ સોલંકી, સુખસર
દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખાના જવાબદારો દ્વારા આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે મનસ્વી વહીવટ ચલાવતો હોવાની ફરિયાદો.
આવાસ યોજનાના લાભાર્થીઓની પસંદગી જવાબદારો દ્વારા નહીં પરંતુ તેમના મળતીયા દલાલો દ્વારા કરવામાં આવતી હોવાની ચર્ચા.
દાહોદ જિલ્લા મદદનિશ જિલ્લા મેનેજર દ્વારા આવાસ યોજના લાભાર્થીઓ સાથે 50% ભાગીદારીથી કામગીરી કરી લાખોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ.
ચાલુ માસ દરમ્યાન સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ મંજૂર થયેલ આવાસમાં લીમખેડા,સિંગવડ, તથા બારીયા તાલુકાના લાભાર્થીઓને દલાલોના માધ્યમથી અગ્રીમતા.?
દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખાના ભ્રષ્ટાચાર વિરુદ્ધ જિલ્લા લેવલથી કેન્દ્ર કક્ષા સુધી રજૂઆત થતા તેની તપાસ વિજિલન્સ વિભાગને સોંપવામાં આવેલ છે,છતાં ગેર વહીવટ ચલાવવા પીઠબળ કોનું…?
સુખસર,તા.27
દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ (અનુસૂચિત જાતિ)શાખામાં અનુસૂચિત જાતિના રોહિત,વણકર તથા વાલ્મિકી સમાજના ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને સરકાર દ્વારા જિલ્લા સમાજ કલ્યાણ શાખાના માધ્યમથી મળતા આવાસ યોજનાના લાભો તથા ગટર સફાઈ માટેના મશીનો,સીધી લોન તથા માનવગરીમા યોજના હેઠળ નાના ધંધાદારીઓને આપવામાં આવતી સાધન સહાય યોજનામાં મોટા પાયે વર્ષોથી ગેરરીતિ આચારવામાં આવતા સાચા લાભાર્થીઓ સાથે છડેચોક શાખાના જવાબદારો અને તેમના દલાલો દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે.ત્યારે તેની રજૂઆતો ઉચ્ચ સ્તરે પણ થાય છે.છતાં ગેરરીતિ આચરતા અને તેમાં ભાગ ભજવતા તત્વો નિર્ભય બની અનુસૂચિત જાતિના લોકોનું શોષણ કરવા મેદાને પડેલા છે.
દાહોદ જિલ્લામા અનુસૂચિત જાતિના રોહિત તથા વણકર સમાજને જિલ્લા સમાજ કલ્યાણ શાખાના માધ્યમથી આંબેડકર આવાસ યોજના જ્યારે વાલ્મિકી સમાજના સભ્યોને સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ આવાસનો લાભ આપવામાં આવે છે. તેમજ વાલ્મિકી સમાજના સભ્યોને ગટર સફાઈ માટેના ડીઝલ એન્જિનો માટે નાણા ચૂકવવામાં આવે છે સાથે સાથે ગરીબ પરિવારને ધંધાર્થે નિગમ દ્વારા સીધી લોન જ્યારે નાના ધંધાર્થીઓને માનવ ગરિમા યોજના હેઠળ વિનામૂલ્યે સાધન સહાય વિતરણ કરવામાં આવે છે.પરંતુ આ તમામ યોજનાઓમાં લાભાર્થીઓની પસંદગી જિલ્લા કક્ષાના જવાબદારો દ્વારા નહીં પરંતુ જે-તે તાલુકાના મળતીયા દલાલો દ્વારા કરવામાં આવતી હોવાની દાહોદ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોમાં ચર્ચાઓ જોરશોરથી સાંભળવા મળી રહી છે. જેના લીધે અનેક લાભાર્થીઓ દલાલો દ્વારા શોષણનો શિકાર બની રહ્યા છે. જ્યારે કેટલાક લાભાર્થીઓ ખરેખર આ લાભો મેળવવા પાત્રતા ધરાવતા હોય,વર્ષોથી સમાજ કલ્યાણ દ્વારા પોતાને મળવા પાત્ર લાભ મેળવવા રિબાઈ રહ્યા હોવા છતાં તેમની અવગણના કરવામાં આવતી હોવાનું જાણવા અને સાંભળવા મળે છે.
થતી ચર્ચા મુજબ આંબેડકર આવાસ યોજના તથા સફાઈ કામદાર આવાસ યોજનામાં દલાલોના માધ્યમથી દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખાના મદદનીશ મેનેજર દ્વારા 50% ની ભાગીદારીથી પોતાના મળતીયા લાભાર્થીના મકાન સહાય મંજૂર કરી વિપુલ પ્રમાણમાં ભ્રષ્ટાચારવામાં આવેલ હોવાનું તથા ઓનલાઈન કરવામાં પણ સાંઠગાંઠ વાળાનાજ આવાસો મંજૂર કરી લાભો આપવામાં આવતા હોવા બાબતે જાહેર માહિતી અધિકારી, મદદનીશ જિલ્લા મેનેજર,ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ,દાહોદ ખાતે જિલ્લાના એક તાલુકાના અરજદાર દ્વારા રજૂઆત સાથે વર્ષ 2016-17 થી હાલ સુધીની માહિતી માંગવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે, થતી ચર્ચા મુજબ ચાલુ માસ દરમિયાન સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ દાહોદ જિલ્લાના વાલ્મિકી સમાજના 170 જેટલા સફાઈ કામદાર આવાસ યોજનાના લાભાર્થીઓ માટે પસંદગી કરવામાં આવેલ છે.જેમાં મોટાભાગના આ લાભાર્થીઓ દેવગઢબારિયા,લીમખેડા તથા સિંગવડ તાલુકાના લાભાર્થીઓનોજ શાખાના મળતીયા ઓ અને દલાલો દ્વારા પસંદગી કરી સમાવેશ કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે.
જ્યારે અન્યતાલુકાઓમાં
વસવાટ કરતા વાલ્મિકી સમાજના સભ્યો સાથે હળહળતો અન્યાય કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે.આ બાબતે કેટલાક લાભાર્થીઓએ વાંધો વિરોધ ઉઠાવતા અન્ય તાલુકાના લાભાર્થીઓ માટે ચાલુ માસમાં 70 જેટલા લાભાર્થીઓ માટે ગ્રાન્ટની માંગણી કરવામાં આવેલ હોવાનું પણ જાણવા મળે છે.ત્યારે ચાલુ માસ દરમિયાન જે-જે વાલ્મિકી સમાજના લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી છે તે લાભાર્થીઓની ઉચ્ચકક્ષાએથી પ્રત્યક્ષ રીતે ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખાના જવાબદારો દ્વારા ચલાવતા મનસ્વી વહીવટની સત્યતા પ્રકાશમાં આવી શકે તેમાં કોઈ બે મત નથી.
નોંધનીય બાબત છે કે,દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખામા વર્ષોથી ચલાવતા ગેર વહીવટની જિલ્લાના એક નાગરિક દ્વારા જિલ્લા કક્ષાએથી લઈ કેન્દ્ર સરકાર સુધી ધારદાર રજૂઆત કરવામાં આવેલ છે.અને તેની તપાસ પણ વિજિલન્સ વિભાગને સોંપવામાં આવેલ છે. અને વિજિલન્સ વિભાગ દ્વારા વર્ષ 2019 થી વર્ષ 2022 સુધીની તપાસનો ધમધમાટ શરૂ થવાની પણ તૈયારી છે. તેમ છતાં હજી પણ દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખાના જવાબદારો દલાલોના માધ્યમથી અનુસૂચિત જાતિના ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના નામે કોના પીઠબળથી ગેર વહીવટ ચલાવી રહ્યા છે?તે પણ એક તપાસનો વિષય છે.
જોકે જિલ્લામાં વસવાટ કરતા રોહિત, વણકર તથા વાલ્મિકી સમાજના ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે મગરના આંસુ સારતા અને ગરીબોના હક્ક સાથે રમત રમતા તત્વોને છાવરવાના ઉદ્દેશથી કેટલાક કહેવાતા જાણકારો ઢાલ બની આગળ આવી જતા હોય છે.પરંતુ તેઓએ એ ભૂલવું જોઈએ નહીં કે રોહિત,વણકર તથા વાલ્મિકી સમાજના કેટલાક સભ્યો અભણ અને ગરીબ જરૂર હોઈ શકે પરંતુ કોઈના ગુલામ નથી. અને તેમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવનાર કોઈ નથી તેમ સમજી સમાજને અંધારામાં રાખવા મથામણ કરતા કોઈપણ મહાશયના આયોજન પ્રમાણેજ થશે તેમ સમજી આચારવામાં આવેલ ગેર વહીવટમાં સહકાર આપી છાવરવાની કોશિશમાં સફળતા ક્યારેય નહીં મળે તેમાં કોઈ બે મત નથી.