
દાહોદ જિલ્લામાં ટેટ પાસ ઉમેદવારો દ્વારા શિક્ષણ વિભાગમાં ભરતી મામલે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન..
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના ટેટ પાસ ઉમેદવારો દ્વારા દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ટેટ પાસ ઉમેદવારોને આજદિન સુધી શિક્ષણ વિભાગમાં ભરતી કરવામાં ન આવતાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે અને વહેલામાં વહેલી તકે ભરતી કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
દાહોદ જિલ્લાના ટેટ પાસ ઉમેદવારો દ્વારા દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખને આજરોજ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યાં અનુસાર, સરકાર દ્વારા ભરતીઓ ખુબજ ઓછી કરેલ છે અને એ ભરતીમાં પણ બેરોજગાર વિદ્યાસહાયકોને ખુબજ અન્યાય થયો છે. શિક્ષણ વિભાગમાં ૧૯ હજાર કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી છે જે ગુજરાતના શિક્ષણમંત્રીએ વિધાનસભામાં સ્વીકારી ચુક્યાં હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યાં છે. વધુમાં આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ૧૯ હજાર કરતાં પણ વધુ જગ્યા ખાલી હોય ત્યારે માત્ર ૩૩૦૦ની ભરતી કેમ ? જે મામલે પણ સવાલો ઉઠાવ્યાં હતાં. દાહોદ જિલ્લામાં ઘણી એવી શાળાઓ છે જ્યાં શિક્ષકોનો ખુબજ અભાવ (ઘટ) છે. પરિણામે બાળકોનું ભવિષ્ય બગડે છે. આર.ટી.આઈ.ના નિયમ અનુસાર, ખાલી જગ્યાઓની ૬૦ ટકા ભરતી કરવાની હોય છે. પોતાના હક્કની ભરતી પોતાને આપો, પોતાની ઉંમર અને સમયમર્યાદા પુર્ણતાના આરે છે માટે પોતાનું ભવિષ્ય અંધકારમય ન બની જાય અને બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે દાહોદ જિલ્લાના ટેટ પાસ ઉમેદવારોએ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી અને દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખને આવેદનપત્ર આપી દાહોદ જિલ્લાના તમામ ટેટ પાસ ઉમેદવારોને ન્યાય નહીં મળે તો ૧ સપ્ટેમ્બરથી દાહોદ જિલ્લા પંચાયત પર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.