બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના ઝાલોદથી ગરાડુ વાયા કાળીયા થઈ સુખસર જતી એસટી બસનો સમય બદલવા તથા નવી ટ્રીપો ચાલુ કરવા માંગ*
*મુસાફર જનતા સહિત શાળાએ આવ-જા કરતાં વિદ્યાર્થીઓને સરળતા રહે તેવા સમયે એસટી બસનો સમય રાખવો જરૂરી*
*ઝાલોદથી સુખસર ઝાલોદ તરફ અવર-જવર કરવા માટે અગાઉની જે ટ્રીપો ચાલુ હતી તે પુનઃચાલુ કરવા માંગ*
સુખસર,તા.21
સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસરથી રાજસ્થાન તરફ જવા શોર્ટ કટ ડબલ પટ્ટી વ્યવસ્થિત પાકો ડામર માર્ગ આવેલ છે.તેમજ ઝાલોદ થી ગરાડુ,કાળીયા થઈ સુખસર અવર-જવર કરવા માટે આ માર્ગ ખૂબ જ ઉપયોગી છે પરંતુ આ માર્ગ ઉપર એસટી બસોના અભાવે મુસાફર જનતા સહિત શાળામાં અવર-જવર કરતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનોનો સહારો લઈ રહ્યા છે.ત્યારે આ માર્ગ ઉપર હાલમાં એક એસટી બસની ટ્રીપ ચાલુ કરવામાં આવેલ છે તેનો સમય બદલવા તથા અગાઉ જે એસટી બસો ચલાવવામાં આવી રહી હતી તે પુનઃ શરૂ કરવામાં આવે તેવી મુસાફર જનતાની માંગ ઉઠવા પામેલ છે.
સુખસરથી કાળિયા થઈ પસાર થતા ગરાડુ જતા ઝાલોદ ફતેપુરા માર્ગને જોડતો ડબલ પટ્ટી વ્યવસ્થિત માર્ગ આવેલ છે.તેમ જ આ માર્ગ રાજસ્થાનમાં પ્રવેશ કરવા માટે શોર્ટકટ રસ્તો છે.તેમજ આ માર્ગને બન્યાને આશરે પાંચેક વર્ષનો સમય વીતી જવા છતાં આ માર્ગ ઉપર એસટી બસની સુવિધા આપવામાં આવેલ નથી.જ્યારે સિંગલ પટ્ટી રસ્તો હતો ત્યારે એસટી બસની ત્રણેક જેટલી ટ્રિપો ચાલુ હતી.પરંતુ ડબલ પટ્ટી માર્ગ થયા પછી આ માર્ગ ઉપર એસટી બસો બંધ કરી દેવામાં આવી હતી.જેથી મુસાફર જનતા સહિત શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનોનો સહારો લઈ અપ ડાઉન કરી રહ્યા છે. જોકે હાલમાં સવારના ઝાલોદથી 8:30 કલાકના અરસામાં એસટી બસ ઉપડી ગરાડુ,કાળિયા થઈ સુખસર નવેક વાગ્યાના અરસામાં પહોંચી રહી છે.પરંતુ આ એસટી બસનો સમય બદલી ઝાલોદથી 10:00 વાગ્યાના સમયે ઉપડી સુખસર તરફ રવાના કરાય તો શાળામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને તથા તાલુકાના તેમજ વિવિધ કામ અર્થે અવરજવર કરતા મુસાફરોને આ બસ સુવિધાનો લાભ મળી શકે તેમ છે.અને એસટી બસને પણ આવક થઈ શકે તેમ છે.
અત્રે નોંધનિય બાબતએ પણ છે કે,હાલમાં જે એસટી બસ ઝાલોદ થી ગરાડુ,કાળીયા થઈ સાગડાપાડા, સંજેલી રૂટ ઉપર ચાલી રહી છે.તેમાં કાળિયાથી સુખસરનું અંતર માત્ર પાંચથી સાડા પાંચ કિલોમીટર જેટલું છે.પરંતુ કાળિયાથી ટિકિટ ભાડાના 19 રૂપિયા વસુલાત કરવામાં આવી રહ્યા છે.આ બાબતે કંડકટરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે,ટિકિટ મશીનમાં કાળીયા ગામનો ઉલ્લેખ નથી પરંતુ કાળીયા ચોકડી બતાવે છે. ત્યારે આ કાળીયા ચોકડી ઝાલોદ ફતેપુરા માર્ગ ઉપર ગરાડુથી કાળીયા તરફ આવવા પડતી ચોકડી છે.અને ત્યાંથી 11 કિલોમીટરનું અંતર સુખસર આવવા માટે થાય છે.ત્યારે કાળીયાના મુસાફરોને વધુ ભાડુ ચુકવી મુસાફરી કરવી પડે છે.ત્યારે ઈલેક્ટ્રીક ટિકિટ મશીન (ઇ.ટી.એમ)માં પણ સુધારો કરવો જરૂરી છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, જ્યારે કાળીયા થી સુખસર જવા માટે સિંગલ પટ્ટી માર્ગ હતો ત્યારે આ માર્ગ ઉપર સવારના 7 કલાકે,10 કલાકે,12 કલાકે અને સાંજના 4 કલાકના સમયે કાળીયાથી સુખસર તરફ જવા માટે એસટી બસોની ટ્રીપો હતી.જ્યારે ઝાલોદ તરફ જવા માટે બપોરના 12:30 કલાકે સાંજના 5:00 કલાકે અને સાંજના 6:00 વાગ્યાના અરસામાં એસટી ટ્રીપો ચાલુ હતી પરંતુ તે બંધ કરવામાં આવેલ છે. ત્યારે આ સમયની એસટી બસો ઝાલોદ વાયા ગરાડુ કાળિયા થઈ સુખસર તરફ અવર-જવર કરવા માટે શરૂ કરવામાં આવે તેમજ મોટા ભાગની લાંબા રૂટની એસટી બસો ઝાલોદ થી ડાયરેક્ટ સુખસર થઈ સંતરામપુર તરફ દોડાવવામાં આવે છે તેમાંથી કેટલીક બસો વાયા ગરાડુ કાળિયા થઈ સુખસર માર્ગ ઉપર થી દોડાવવામાં આવે તો બહારગામ મજૂરી અર્થે અવર-જવર કરતા શ્રમિકોને એસટી સેવા મળી રહે અને એસ.ટી નિગમને ફાયદો થઇ શકે તેમ છે.ઉપરોક્ત બાબતે લાગતા વળગતા તંત્રો ધ્યાન આપે અને મુસાફર જનતાને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી ખાસ માંગણી ઉઠવા પામેલ છે.
