દાહોદ-ગોધરા વચ્ચે 51 કિ.મી.નો એક્સપ્રેસવે વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો.! લીમખેડા ઇન્ટરચેન્જથી સીધી એન્ટ્રી-એક્ઝિટની સુવિધા; ₹2,264 કરોડના ખર્ચે તૈયાર થયેલા બંને સેક્શનમાં ટોલ વ્યવસ્થા ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા.!

Editor Dahod Live
5 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ-ગોધરા વચ્ચે 51 કિ.મી.નો એક્સપ્રેસવે વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો.!

લીમખેડા ઇન્ટરચેન્જથી સીધી એન્ટ્રી-એક્ઝિટની સુવિધા; ₹2,264 કરોડના ખર્ચે તૈયાર થયેલા બંને સેક્શનમાં ટોલ વ્યવસ્થા ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા.!

દાહોદ, તા. 24:

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના દાહોદ અને ગોધરાને જોડતા મહત્વપૂર્ણ માર્ગને વાહનચાલકો માટે પ્રાયોગિક ધોરણે ખુલ્લો મુકવામાં આવ્યો છે. લીમખેડા ઇન્ટરચેન્જથી ગોધરા વચ્ચેનો અંદાજે 51 કિ.મી.નો માર્ગ ખુલ્લો થતાં હવે દાહોદ જિલ્લામાંથી વડોદરા, સુરત સહિતના વિસ્તારો તરફ જતાં વાહનચાલકોને એક્સપ્રેસવે પર ચડવા માટે લાંબો ચક્કર લગાવવો નહીં પડે. વાહનચાલકો હવે લીમખેડાથી સીધી એક્સપ્રેસવે પર એન્ટ્રી અને એક્ઝિટ લઈ શકશે.આ સમગ્ર પેકેજના બંને સેક્શનના નિર્માણ પાછળ અંદાજે રૂ. 2,264 કરોડનો ખર્ચ થયો છે. બંને સેક્શનનું નિર્માણ GVT પ્રા.લિ. કંપની દ્વારા કરવામાં આવ્યું છે. લીમખેડા-ગોધરા ઇન્ટરચેન્જ માર્ગને હાલમાં અનૌપચારિક રીતે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

*લીમખેડા ટોલ પ્લાઝા પર કામગીરી અંતિમ તબક્કામાં.!

લીમખેડા ટોલ પ્લાઝા પર CCTV કેમેરા, સર્વેયર સિસ્ટમ, હાઈટેક વીજ લાઈન સહિતની વિવિધ કામગીરી ચાલી રહી છે. ટોલ પ્લાઝા પર સાયન બોર્ડ સહિતની કેટલીક કામગીરી હજુ અધૂરી હોવાનું જાણવા મળે છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં લીમખેડા ટોલ શરૂ થવાની શક્યતા છે.હાલમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલા આ માર્ગ પરથી પસાર થતાં વાહનો પાસેથી ટોલની વસૂલાત ગોધરા ટોલનાકા પરથી કરવામાં આવી રહી છે. લીમખેડાથી ગોધરા વચ્ચેના માર્ગ પર ક્રેશ બેરિયર, CCTV કેમેરા, સ્પીડ સર્વેલન્સ કેમેરા અને સાયન બોર્ડ જેવી સુરક્ષા વ્યવસ્થાઓ પણ લગાવવામાં આવી છે. જોકે, CCTV અને સ્પીડ સર્વેલન્સ કેમેરા હાલમાં સંપૂર્ણપણે કાર્યરત થયા છે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા નથી.

 

  *ગ્રીન કોરિડોરમાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર પર પ્રતિબંધ*

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેને ગ્રીન કોરિડોર તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. એક્સપ્રેસવે પર રખડતા પશુઓ પ્રવેશ ન કરે તેમજ ઝડપી વાહનો માટે સુરક્ષિત માર્ગ મળી રહે તે હેતુથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માર્ગ પર ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ રહેશે.હાલ માર્ગ સંપૂર્ણપણે ઔપચારિક રીતે કાર્યરત ન હોવાથી કેટલાક સ્થળોએ રખડતા પશુઓ તેમજ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો પસાર થતાં જોવા મળે છે. જોકે, એક્સપ્રેસવે સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ આ પ્રતિબંધનો કડક અમલ કરવો જરૂરી બનશે. અન્યથા અકસ્માતનું જોખમ વધવાની શક્યતા છે.

 *દર 35 કિ.મી.એ રિફ્રેશમેન્ટ એરિયાની યોજના*

વાહનચાલકોની સુવિધા માટે અંદાજે દર 35 કિ.મી.ના અંતરે રિફ્રેશમેન્ટ એરિયા બનાવવાની યોજના છે. આ સ્થળોએ હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની દુકાનો, હોસ્પિટલ, મેડિકલ સુવિધા તેમજ ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ પોઈન્ટ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.જોકે, હાલ રિફ્રેશમેન્ટ એરિયાનું બાંધકામ શરૂ થયું નથી. તેથી હાલ આ માર્ગ પરથી મુસાફરી કરતા વાહનચાલકોએ પાણી, ખોરાક અને અન્ય જરૂરી સામગ્રી પોતાની સાથે રાખીને મુસાફરી કરવી જરૂરી બની છે.

 *: પીપલોદ પાસે લેન્ડસ્લાઈડિંગ રોકવા ખાસ સુરક્ષા વ્યવસ્થા*

પીપલોદ પાસે પહાડો કાપીને એક્સપ્રેસવેનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. અગાઉ આ વિસ્તારમાં ત્રણ વખત લેન્ડસ્લાઈડિંગની ઘટના બનતાં માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. ભવિષ્યમાં આવી ઘટનાઓનું જોખમ ઘટાડવા માટે પહાડોને ખાસ ટ્રીટમેન્ટ આપી કવર કરવામાં આવ્યા છે.સુરક્ષાના ભાગરૂપે કંપની દ્વારા માર્ગની બંને બાજુ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી છે. જોકે, પહાડ કાપવાની કામગીરી હજુ પણ ચાલુ હોવાથી એક તરફનો માર્ગ ડાયવર્ઝન કરવામાં આવ્યો છે.બાકી રહેલી કામગીરીની ગતિને જોતા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આવતા એકાદ મહિનામાં લીમખેડા ટોલ પ્લાઝા પરથી ટોલ વસૂલાત શરૂ થઈ શકે છે.

  *નવસારીથી દિલ્હી સુધી નોન-સ્ટોપ કનેક્ટિવિટીનું લક્ષ્ય*

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો નવસારીના ખારેલથી લીમખેડાના હાથીયાવન સુધીનો માર્ગ હાલ કાર્યરત છે. ત્યારબાદ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ટિમ્બરવા ઇન્ટરચેન્જથી દિલ્હી તરફ પણ માર્ગ પર નોન-સ્ટોપ કનેક્ટિવિટી ઉપલબ્ધ છે.આ પ્રોજેક્ટના પેકેજ નંબર 25માં ટિમ્બરવાથી મધ્યપ્રદેશ બોર્ડર સુધીનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. જ્યારે પેકેજ નંબર 26માં મધ્યપ્રદેશ બોર્ડરથી લીમખેડાના ભાણપુરા વચ્ચેનો આશરે 32 કિ.મી.નો માર્ગ હજુ અધૂરો છે. આ કામગીરી પૂર્ણ ન થઈ હોવાથી આ સેક્શન પર સંપૂર્ણપણે વાહન વ્યવહાર શરૂ થયો નથી.આ 32 કિ.મી.ના અધૂરા માર્ગનું કામ પૂર્ણ થયા બાદ નવસારીથી દિલ્હી સુધી એક્સપ્રેસવે મારફતે નોન-સ્ટોપ કનેક્ટિવિટી વધુ સુગમ બનશે અને સમગ્ર સેક્શન સંપૂર્ણપણે કાર્યરત થઈ શકશે.

Share This Article