રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના વડવામાં તસ્કરોનો આતંક:સબમર્સીબલ મોટર ચોરાઈ.!
રાતના અંધારામાં વડવા ગામની આંગણવાડી પાછળ અજાણ્યા તસ્કરોની ગુપ્ત હિલચાલ: ₹૧૧,૫૦૦ની મોટર ચોરીનો ભેદ ઘેરાયો છે.
દાહોદ તા. 23
ગરબાડા તાલુકાના વડવા ગામે કટારા ફળિયામાં ૧૭મી ઓગસ્ટની રાત્રે એક એવો ભેદી બનાવ બન્યો જેની કોઈને કલ્પના પણ નહોતી. આંગણવાડીની પાછળ આવેલા બોરિંગ પાસે અજાણ્યા તસ્કરોએ અત્યંત ચાલાકીપૂર્વક પગપેસારો કર્યો હતો.
કોઈને પણ સહેજ સરખો ભણકારા ન વાગે તે રીતે શાતિર ચોરોએ ઊંડા બોરિંગમાંથી સબમર્સિબલ પાણીની મોટર, પાઈપ અને કિંમતી કેબલ ખેંચી કાઢી, અંદાજે ₹૧૧,૫૦૦ની મત્તાની ચોરી કરી ક્ષણવારમાં ગાયબ થઈ ગયા હતા.
બીજે દિવસે વહેલી સવારે જ્યારે આંગણવાડીના સંચાલકો અને કર્મચારીઓ પહોંચ્યા ત્યારે પાછળના ભાગે તપાસ કરતા ચોરીનો ખેલ સામે આવ્યો હતો. અચાનક ગાયબ થયેલી મોટર અને કપાયેલા વાયરો જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા કે આખરે આ ગુપ્ત ખેલ કોણે ખેલ્યો? આ ઘટના અંગે કલાબેન બચુભાઈ પસાયાએ તુરંત જેસાવાડા પોલીસ મથકે ધસી જઈ ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી શાતિર ચોરોને ઝડપી પાડવા માટે ગુપ્ત તપાસનો દોર શરૂ કર્યો છે.
