જનરક્ષક-112ની સમયસૂચકતા અને બહાદુરીથી રિક્ષાચાલક માટે બની દેવદૂત* *મુસાફરો બની આવેલા બે શખ્સોએ રિક્ષાચાલક સાથે મારામારી કરી લૂંટનો પ્રયાસ કરી રિક્ષા લઈ ફરાર થયા હતા*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે +- દાહોદ 

*જનરક્ષક-112ની સમયસૂચકતા અને બહાદુરીથી રિક્ષાચાલક માટે બની દેવદૂત*

*મુસાફરો બની આવેલા બે શખ્સોએ રિક્ષાચાલક સાથે મારામારી કરી લૂંટનો પ્રયાસ કરી રિક્ષા લઈ ફરાર થયા હતા*

દાહોદ તા. 24

દાહોદ તાલુકામાં રાત્રિના સમયે કુંદનપુરથી કતવારા તરફ મુસાફરોને લઈ જઈ રહેલા રિક્ષાચાલક રાજુભાઈ ડામોર માટે અચાનક સર્જાયેલી પરિસ્થિતિમાં જનરક્ષક-112ની ટીમ સમયસર મદદે આવી દેવદૂત સમાન સાબિત થઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજુભાઈ ડામોર પોતાની રિક્ષામાં મુસાફરોને લઈ જઈ રહ્યા હતા. દરમિયાન અંધારાનો લાભ લઈ મુસાફરો બનીને બેઠેલા બે શખ્સોએ રસ્તામાં રિક્ષા રોકાવી રિક્ષાચાલક સાથે મારામારી કરી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. મારામારી બાદ બંને શખ્સો રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા અને રિક્ષાચાલકને રસ્તા પર છોડી દીધો હતો.

બનાવની જાણ જનરક્ષક-112 કંટ્રોલ રૂમને થતાં ફરજ પરના ડ્રાઇવર ધવલભાઈ કામોલ અને પોલીસ કોન્સ્ટેબલ નિર્મલસિંહ પરમાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમે રિક્ષાચાલક પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી આસપાસના વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી.

જનરક્ષક-112ની ટીમે સમયસૂચકતા અને સતર્કતા દાખવી સતત શોધખોળ કરતાં રિક્ષા મળી આવી હતી. ટીમે રિક્ષાને સુરક્ષિત રીતે કબજામાં લઈ રિક્ષાચાલકને પરત સોંપી હતી.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જનરક્ષક-112ની ટીમે ઘટનાની જરૂરી વિગતો મેળવી સંબંધિત લોકોને કતવારા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ સમગ્ર હકીકત પોલીસ સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી પૂછપરછ હાથ ધરી કાયદેસરની આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

આ સમગ્ર કામગીરીમાં જનરક્ષક-112ની ઝડપી પ્રતિસાદ ક્ષમતા, સતર્કતા, હિંમત અને પોલીસ સાથેનું અસરકારક સંકલન સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. સમયસરની કામગીરીના પરિણામે મુશ્કેલીમાં મુકાયેલા રિક્ષાચાલકને તાત્કાલિક મદદ મળી અને તેની રિક્ષા પણ સુરક્ષિત રીતે પરત મળી હતી.

 

*જનરક્ષક-112 — તમારી સુરક્ષા, અમારી પ્રાથમિકતા*.

Share This Article