*ભિલોડામાં (અરવલ્લી જિલ્લામાં) પ્રથમ ઐતિહાસિક અને ભવ્ય પંખીઘરનું લોકાર્પણ*
દાહોદ તા. 22
પરમ પૂજ્ય શ્રી પ્રકાશ પ્રભુના હસ્તે ભવ્ય પંખીઘરનું ઉદ્ઘાટન, જીવદયા અને પક્ષીસેવાનો સંદેશ કે જે એટલે કે તા. 15 ઓગસ્ટ 2026, શનિવારે (સ્વાતંત્ર્ય દિવસ) ભિલોડા ખાતે આજે પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા તથા શ્રીમદ્ જેશીંગ બાપાના આશીર્વાદથી નવા પંખીઘરના ઉદ્ઘાટન નિમિત્તે ભવ્ય સત્સંગ સમારોહ યોજાયો હતો. આ પંખીઘર ભિલોડામાં અત્યાર સુધીનું પ્રથમ અને ઐતિહાસિક પંખીઘર છે, જે પરમ પૂજ્ય શ્રી પ્રકાશ પ્રભુ દ્વારા તેમના પિતાશ્રી તથા સંતસ્વરૂપ વ્યક્તિત્વ ધરાવતા પૂજ્ય શ્રી ડાહ્યાકાકા તથા દેવી સ્વરૂપ માતુશ્રી શાંતાકાકીની સ્મૃતિમાં અર્પણ કરવામાં આવ્યું છે.
આ પુરા કાર્યક્રમની શરૂઆત શ્રી જૈન દિગંબર મંદિરના મુખ્ય દ્વારથી તે નવા પંખીઘર, ભિલોડા ઝાંપા, વૈજનાથ મહાદેવ મંદિર તથા પવિત્ર હાથમતી નદી નજીક સ્થાપિત છે તે સ્થળ સુધી પરમ પૂજ્ય શ્રી પ્રકાશ પ્રભુના સામૈયા સાથે થઈ હતી. ત્યારબાદ પંખીઘર ખાતે પૂજ્ય શ્રી ડાહ્યાકાકા તથા પૂજ્ય શ્રીમતી શાંતાકાકીના નામ સાથેના સુંદર માર્બલના સ્મૃતિફલકનો પડદો ઉઠાવી અનાવરણ કરવામાં આવ્યું હતું. તે વખતે સર્વ હાજર મુમુક્ષુઓ તાળીઓ ના ગળગળાટથી વધાવી લેવામાં આવ્યું હતું. આ વખતે *”સતપુરૂષોનુ યોગબળ જગતનું કલ્યાણ કરો”* ના મંત્રથી આખું વાતાવરણ ધર્મમય બની ગયેલ..
આ પ્રસંગે નગરશેઠ પુજયશ્રી ડાહયાકાકાના સમગ્ર પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પરમ પૂજ્ય શ્રી પ્રકાશ પ્રભુ, ડૉ. જે. ડી. શાહ, શ્રીમતી આશાબેન તથા શ્રીમતી પ્રજ્ઞાબેન સહિત પરિવારના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ સમારોહમાં ભિલોડા તેમજ આસપાસના ગામોના આશરે ૪૦૦ જેટલા મુમુક્ષુઓ અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ગોધમજી, લક્ષ્મીપુરા, ચોરીવાડ, મુનાઈ, વસાઈ,
ધ્રાંગધ્રા ઉપરાંત અમદાવાદ, મુંબઈ અને દિલ્હી સહિતના સ્થળોએથી પણ ભક્તજનો ખાસ ઉપસ્થિત રહી આ પવિત્ર પ્રસંગના સાક્ષી બન્યા હતા. તથા આ પ્રસંગે પરમ પુજય શ્રી પ્રકાશ પ્રભુ એ સર્વ મહાનુભાવો કે જેમણે આ ઐતિહાસિક તથા ભવ્ય પંખીઘર બનાવવામાં સાથ અને સહકાર આપ્યો છે તે સર્વજનને આભાર માની આત્માપૂર્વક આશીર્વાદ આપ્યા હતા..
તથા આ પ્રસંગે પૂજ્ય શ્રી પ્રકાશ પ્રભુએ આશીર્વચન પાઠવતાં પંખીઘર સમગ્ર ભિલોડા ગ્રામજનોને અર્પણ કર્યું હતું. તેમણે સૌને પક્ષીઓ માટે કબૂતર ચણ તથા જીવદયાના કાર્યોમાં યથાશક્તિ દાન આપવા માટે પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જીવદયા એ શુદ્ધ ધર્મનો અનુભવ કરવાની પ્રથમ સીડી છે અને નિઃસ્વાર્થ ભાવથી પ્રાણીમાત્રની સેવા કરવી એ પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવાનો સુંદર માર્ગ છે.
આ પંખીઘરનું નિર્માણ માત્ર પક્ષીઓ માટે આશ્રય અને ચણની વ્યવસ્થા પૂરતું સીમિત ન રહે, પરંતુ ભિલોડાના સર્વ નાગરિકોમાં જીવદયા, કરુણા અને સેવાભાવની ભાવનાને વધુ મજબૂત બનાવે તેવો સંકલ્પ પણ આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર આયોજનમાં પૂજ્ય શ્રી ડાહ્યાકાકા અને પૂજ્ય શ્રીમતી શાંતાકાકીની પવિત્ર સ્મૃતિને અવિનાશી બનાવવાનો ભાવ રહેલો હતો તથા તેમની અપૂર્વ જીવદયા અને માનવ સેવાના સદગુણોને યાદ કરીને તેમના નામે અર્પણ કરાયેલું આ સુંદર પંખીઘર ભિલોડા માટે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ બની રહ્યું છે.
આ સમારોહના અંતે ઉપસ્થિત તમામ ભક્તજનોના ધર્મ લાભાર્થે ભિલોડા ગામની પટેલ સમાજ વાડી ખાતે શ્રીમતિ કોદીબેન માધુભાઈ પટેલ તરફથી સતસંગ સમારોહનું પણ સુંદર આયોજન કરેલ જેમાં લગભગ ૧૨૦૦ ભકતોએ લાભ લીધો હતો. આ સાથે સર્વ માટે પ્રસાદ તથા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ભિલોડા ખાતે યોજાયેલો આ પવિત્ર કાર્યક્રમ જીવદયા, સેવા, સમર્પણ અને આધ્યાત્મિકતાનો સુંદર સંગમ બની રહ્યો હતો.
વધુમા આ સમારોહ વખતે ભારત સરકારમાં હાલમાં દિલ્હી ખાતે કાર્યરત, કલાસ વન અધિકારી કુ. યોગિનીબેન દિનકરભાઈ ચૌહાણ, આઇ. સી. એલ. એસ. તથા ભિલોડા તાલુકાના મામલતદાર સાહેબ શ્રી એન. એ. રાવ પણ હાજર રહી સતસંગનો લાભ લેવા ક્રુપાપાત્ર બન્યા હતા.
*|| સહજાત્મ સ્વરૂપ પરમગુરુ ||*
