ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે સંત શિરોમણી રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે સંત શિરોમણી રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સંત શિરોમણી રવિદાસજી મહારાજના જીવન તેમના વિચારો,સમાનતા,ભાઈ ચારા અને સમાજસુધારણા અંગે વિશેષ પ્રવચન આપવામાં આવ્યું

સુખસર,તા.20

 ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે સંત શિરોમણી રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.કાર્યક્રમના ભાગરૂપે ફુલપુરા આશ્રમથી ગામના ગુંદ્રા સુધી ભવ્ય કળશ યાત્રા યોજવામાં આવી હતી. કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, બાળકો, સંતો, ભક્તો તેમજ આગેવાનો જોડાયા હતા. યાત્રા દરમિયાન સંત રવિદાસજી મહારાજના વિચારો અને માનવતાના સંદેશ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

       કળશ યાત્રા બાદ સંત શિરોમણી રવિદાસજી મહારાજના જીવન, તેમના વિચારો, સમાનતા, ભાઈચારા અને સમાજ સુધારણા અંગે વિશેષ પ્રવચન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ સંત રવિદાસજી મહારાજના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

             આ પ્રસંગે ફુલપુરા તાલુકા સભ્યશ્રી કાંતિભાઈ વગોણા,ઝાલોદ અનુસૂચિત જાતિ મોર્ચા પ્રમુખશ્રી સંદીપભાઈ,ગ્રામ પંચાયત સભ્યશ્રી કનુભાઈ વગોણા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત રાકેશભાઈ પશુભાઈ, સૂર્યાભાઈ, ધનાભાઈ,બાબુભાઈ, હેમચંદભાઈ,અરવિંદભાઈ, દિલીપભાઈ, દલ્પેશભાઈ, સુરેશભાઈ,પ્રકાશભાઈ, મોહનભાઈ, નારણભાઈ, નિલેશભાઈ,કાળુભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી.

          ગ્રામજનો અને આયોજકોના સહયોગથી સંત રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતિની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. સમગ્ર કાર્યક્રમમાં સમરસતા, ભાઈચારો અને માનવતાનો સંદેશ ગુંજ્યો હતો.

Share This Article