દાહોદના પીપલોદમાં જૂની રેલવે ફાટક બની મોતનો માર્ગ, સેકડો લોકોના જીવ જોખમમાં.!  2800થી વધુ વિદ્યાર્થીઓ અને 4000થી વધુ રાહદારીઓ દરરોજ જીવના જોખમે ટ્રેક ઓળંગે છે, 

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ

દાહોદના પીપલોદમાં જૂની રેલવે ફાટક બની મોતનો માર્ગ, સેકડો લોકોના જીવ જોખમમાં.!

 2800થી વધુ વિદ્યાર્થીઓ અને 4000થી વધુ રાહદારીઓ દરરોજ જીવના જોખમે ટ્રેક ઓળંગે છે, 

ફૂટ ઓવરબ્રિજની વર્ષોથી માંગ છતાં તંત્ર નિષ્ક્રિય, આગામી સમયમાં મોટી હોનારત બનવાના એંધાણ 

દાહોદ તા.  ૧૫

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં આવેલી જૂની રેલવે ફાટક આજે પણ હજારો લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. દરરોજ હજારો રાહદારીઓ અને 2800થી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગવા મજબૂર બન્યા છે. વર્ષોથી ફૂટ ઓવરબ્રિજની માંગ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પીપલોદ ગામના મેન બજાર નજીક આવેલી જૂની રેલવે ફાટક અને જૂના રણધીકપુર રોડ વિસ્તાર હાલ પણ જોખમી માર્ગ તરીકે ઓળખાય છે. અહીંથી દરરોજ મધ્યસ્થ શાળા, કમલ હાઈસ્કૂલ અને તેજસ વિદ્યાલયના આશરે 2000 વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. ઉપરાંત દેવગઢ બારીયાની વિવિધ કોલેજોમાં અભ્યાસ માટે જતા અંદાજે 800 વિદ્યાર્થીઓ પણ આ જ માર્ગનો ઉપયોગ કરે છે. જેમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ આજુબાજુના 60થી 70 ગામોના ચાર હજારથી વધુ લોકો રોજિંદા કામકાજ માટે આ માર્ગ પરથી પસાર થાય છે. હાલ લોકો માટે સુરક્ષિત ફૂટ ઓવરબ્રિજની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી તેઓ સીધા રેલવે ટ્રેક ઓળંગવા મજબૂર બન્યા છે. જેના કારણે દરરોજ અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા બે દાયકાથી ફૂટ ઓવરબ્રિજની માંગ કરવામાં આવી રહી છે. અનેક વખત જાહેરાતો અને ખાતમુહૂર્તના દાવા કરવામાં આવ્યા, પરંતુ આજદિન સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી. હાલનો ઓવરબ્રિજ વાહનો માટે બનાવવામાં આવ્યો છે, જ્યારે પગપાળા જતા લોકોને લગભગ ત્રણ કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે છે. જેના કારણે મોટાભાગના લોકો સીધા ટ્રેક પરથી જ અવરજવર કરે છે. આ અંગે સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોમાં આ સ્થળે અનેક અકસ્માતો અને જાનહાનિની ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે ગ્રામજનો અને વાલીઓમાં ભારે ચિંતા અને રોષ વ્યાપ્યો છે. ત્યારે પીપલોદના ગ્રામજનોએ રેલવે વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, સાંસદ તેમજ લોકપ્રતિનિધિઓને તાત્કાલિક ફૂટ ઓવરબ્રિજના નિર્માણની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર જાગે અને હજારો લોકોના જીવ બચાવવા માટે ઝડપી પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

Share This Article