રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસની રાઉન્ડ ધ ક્લોક કવાયત : નળવાઈ ગામેથી ૪૮૦ બોટલ વિદેશી દારૂ સાથે ફોરવીલર જપ્ત,
દાહોદ તા. ૧૪
ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે ગરબાડા પોલીસે લાલ આંખ કરી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે ગરબાડા પોલીસની ટીમ રાત-દિવસ પેટ્રોલિંગ કરી રહી છે, ત્યારે પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. ગરબાડાના નળવાઈ ગામેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ફોરવીલર ગાડી ઝડપી પાડીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.
મળતી માહિતી મુજબ, ગરબાડા ડીવાયએસપી (DYSP) એમ. કે. સ્વામી અને પીઆઇ (PI) એસ. એમ. રાદડિયાના સીધા માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસની ટીમ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન નળવાઈ ગામ પાસેથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ફોરવીલર ગાડીને રોકીને તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાડીમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ૪૮૦ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા ૬૫,૭૬૦ થાય છે. પોલીસે દારૂના જથ્થા સાથે રૂપિયા ૨,૦૦,૦૦૦ ની કિંમતની ફોરવીલર ગાડી (નંબર: GJ 05 CJ 8303) સહિત કુલ રૂપિયા ૨,૬૫,૭૬૦ નો મુદ્દામાલ ઘટનાસ્થળેથી જપ્ત કર્યો છે.
ગરબાડા પોલીસે આ મામલે ગાડીના ચાલક અને ડ્રાઇવર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મોટી કાર્યવાહીના પગલે પંથકના બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
