બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વમાંથી 23 વર્ષીય યુવાની રહસ્યમય સંજોગોમાં કુવામાંથી લાશ મળી આવતા હાહાકાર*
*શનિવાર બપોરના જમ્યા બાદ ઘરેથી નીકળ્યા પછી બીજા દિવસે યુવાનની લાશકુવા માંથી મળી આવી*
સુખસર,તા. ૭
ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વના ગડા કટારા ફળિયું ગામે 23 વર્ષીય આશાસ્પદ યુવાન અશ્વિન બારીયાનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં કૂવામાંથી મળી આવતા પરિવાર સહિત ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મૃતક અશ્વિન હરસિંગભાઈ રંગાભાઈ બારીયાના પુત્ર હતો.તેઓ ગત 6 જૂન 2026 ના રોજ બપોરે જમીને ઘરેથી બહાર ગયા હતા.રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી અને તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો જ્યારે તેના મોબાઈલ ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો.
બીજા દિવસે સવારે પણ અશ્વિનભાઈની શોધખોળ ચાલુ હતી ત્યારે લગભગ છ વાગ્યે અશ્વિનના પિતા કૂવા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને કૂવા નજીકથી અશ્વિનના ચંપલ અને પાકીટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.આ જોઈને તેમણે તાત્કાલિક પરિવારજનો અને ગ્રામજનોને જાણ કરી હતી.
ગ્રામજનો અને પરિવારજનોએ ભેગા મળી કૂવામાં તપાસ કરતાં અશ્વિનભાઈનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો.આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ અને સ્થાનિકોની મદદથી મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે ફતેપુરા સરકારી દવાખાનાના પી.એમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે મૃતકના પિતા હરસિંગભાઈ બારીયાએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.ફતેપુરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક વિગતો મુજબ, યુવકનું મોત કૂવાના પાણીમાં ડૂબી જવાથી થયું છે કે તેની સાથે કોઈ અધટીત ઘટના બનવા પામી છે તેની ફતેપુરા પોલીસે ઝીણવટ પૂર્વક તપાસ ચલાવી રહી હોવાનું જાણવા મળે છે તેમજ પીએમ ના પ્રાથમિક રિપોર્ટ બાદ જ કુવામાં પડતા પાણી પીવાથી મોતની નીપજ્યું છે કે કેમ તેની જાણ થઈ શકશે.
