લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યે ન મરે: ઝાલોદમાં કરોડોની લોન અપાવવાની લાલચ આપી સરકારી કોન્ટ્રાક્ટર સાથે 16.30 લાખની છેતરપિંડી.! પ્રોસેસિંગ ફી, લોન મંજૂરી અને ખાતામાં લોનની રકમ ટ્રાન્સફરના નામે રૂપિયા પડાવ્યા; બેંકિંગ વિગતો મેળવી ખાતામાંથી 14.70 લાખ ટ્રાન્સફર કરી લીધા, ઝાલોદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

Editor Dahod Live
3 Min Read

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યે ન મરે: ઝાલોદમાં કરોડોની લોન અપાવવાની લાલચ આપી સરકારી કોન્ટ્રાક્ટર સાથે 16.30 લાખની છેતરપિંડી.!

પ્રોસેસિંગ ફી, લોન મંજૂરી અને ખાતામાં લોનની રકમ ટ્રાન્સફરના નામે રૂપિયા પડાવ્યા; બેંકિંગ વિગતો મેળવી ખાતામાંથી 14.70 લાખ ટ્રાન્સફર કરી લીધા, ઝાલોદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

દાહોદ તા.29

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા એક વ્યક્તિ સાથે પાંચ થી 10 કરોડ રૂપિયાની મોટી લોન અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જેમાં લુણાવાડાના એક શખ્સે અલગ અલગ પ્રોસેસિંગ ફીના નામે રૂપિયા પડાવ્યા બાદ બેંકિંગ વિગતો મેળવી સરકારી કોન્ટ્રાક્ટરના ખાતામાંથી તેમની જાણ બહાર લાખો રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સિંગવડ તાલુકાના રણધીકપુર સોલંકી ફળિયાના મૂળ રહેવાસી તથા હાલ દાહોદ શહેરની લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતા સરકારી કોન્ટ્રાક્ટર રાજેશ દલુભાઈ બારીયા હાલ ઝાલોદ તાલુકામાં નવીન CSC સેન્ટરના બિલ્ડિંગનું કામ કરી રહ્યા છે. તારીખ 05-11-2025 પહેલા તેમની મુલાકાત લુણાવાડાના હિંદોલીયા ગામના રહેવાસી ચિરાગ મોતીભાઈ બારીયા સાથે થઈ હતી.આરોપી ચિરાગ મોતીભાઈ બારીયાએ પોતે બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાનું જણાવી સરકારી કોન્ટ્રાક્ટરને પાંચ થી 10 કરોડથી વધુની લોન અપાવી આપવાની ખાતરી આપી હતી. વિશ્વાસમાં લઈને તેણે કોન્ટ્રાક્ટર પાસેથી KYC દસ્તાવેજો, પ્રોજેક્ટ રિપોર્ટ તેમજ બેંકિંગ વિગતો મેળવી હતી.

ત્યારબાદ પ્રોસેસિંગ ફીના નામે પહેલા રૂપિયા 10.500 અને બાદમાં ગાંધીનગરથી અધિકારી દાહોદ આવવાના બહાને અંદાજે દોઢ લાખ રૂપિયા મેળવ્યા હતા.વધુમાં લોન મંજૂર થઈ ગઈ હોવાનું કહી અલગ અલગ પ્રોસેસિંગ ફી તેમજ એકાઉન્ટ વેરિફિકેશન બાદ લોન ની રકમ સીધા તમારા ખાતામાં જમા થશે તેમ કહી સરકારી કોન્ટ્રાક્ટરની બેંકિંગ વિગતો, પે-ટીએમ કાર્ડ, ખાતા નંબર અને પીન નંબર મેળવી લીધા હતા.આ વિગતોના આધારે આરોપીએ સરકારી કોન્ટ્રાક્ટર રાજેશ દલુભાઈ બારીયાના ICICI બેન્કમાં આવેલા ‘રાજલક્ષ્મી એન્ટરપ્રાઇઝ’ નામના કોર્પોરેટ ખાતામાંથી તેમની જાણ બહાર રૂપિયા 14.70 લાખ પોતાના બેંક ઓફ બરોડાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.આમ, લોન અપાવવાની લાલચ આપી પ્રોસેસિંગ ફી તથા ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરી કુલ અંદાજે રૂપિયા 16.30 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ઠગાઈનો ભોગ બનનાર સરકારી કોન્ટ્રાક્ટરે આરોપી ચિરાગ મોતીભાઈ બારીયાના નિવાસસ્થાને તથા અન્ય ઠેકાણાઓ પર તપાસ કરતા આરોપીના પિતાએ હપ્તાવાર રકમ પરત આપવાની ખાતરી આપી પોલીસ ફરિયાદ નહીં કરવા વિનંતી કરી હતી. જોકે, સમય પસાર થવા છતાં રૂપિયા પરત નહીં મળતા આખરે સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા ઝાલોદ પોલીસ મથકે ચિરાગ મોતીભાઈ બારીયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article