રાહુલ ગારી :- ગરબાડા
બુટલેગરો સાવધાન! ગરબાડા પોલીસ એક્શન મોડમાં ઝરી બુઝર્ગ ગામેથી Swift ગાડીમાં દારૂ ઘુસાડતા બે બુટલેગરોને દબોચી લેવાયા
દાહોદ તા. ૩૦
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડવા મથતા બુટલેગરો સામે ગરબાડા પોલીસે લાલ આંખ કરી છે. મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરોના મનસૂબા પર ગરબાડા પોલીસે પાણી ફેરવી દીધું છે. ગરબાડાના ઝરી બુઝર્ગ ગામેથી એક સ્વિફ્ટ ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે રીઢા બુટલેગરોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
મળતી માહિતી મુજબ, બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અજમાવતા હોય છે. દરમિયાન ગરબાડા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે Swift ગાડી (નંબર: GJ 17 N 5017) ને આંતરીને તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૨૪૦ બોટલો મળી આવી હતી. પોલીસે આ રેડ દરમિયાન મુદ્દામાલ માં વિદેશી દારૂ ₹૩૯,૯૮૪ સ્વિફ્ટ ગાડી ₹૨,૦૦,૦૦૦ મોબાઈલ ફોન ₹૪,૦૦૦ કુલ મુદ્દામાલ:₹૨,૪૩,૯૮૪ પોલીસે દારૂની હેરાફેરી કરનાર આરોપી વિજયભાઈ ગલાભાઈ બારીયા અને અશોકભાઈ સાયબાભાઈ માવી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગરબાડા પોલીસ બુટલેગરો પર કાળ બનીને તૂટી પડી છે. ગઈકાલે પણ પોલીસે સરાબલી ખાતેથી એક જીપ કંપાસ ગાડીમાંથી ₹૨.૫૦ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, ત્યાં આજે ફરી સ્વિફ્ટ ગાડીમાંથી દારૂ ઝડપી પાડી બુટલેગરોની કમર તોડી નાખી છે. ગરબાડા ડીવાયએસપી એમ. કે. સ્વામી અને પીઆઈ એસ. એમ. રાદડિયાના ચુસ્ત માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ હાલ ફૂલ એક્શન મોડમાં છે. આ ઓપરેશનને પોલીસ સ્ટાફના એએસઆઈ શૈલેષ અમલીયાર, કોન્સ્ટેબલ જયદીપસિંહ અને અતુલભાઈએ સફળતાપૂર્વક અંજામ આપી બુટલેગરોના ઈરાદા નેસ્તનાબૂદ કર્યા હતા.
હાલમાં ગરબાડા પોલીસ સરહદી વિસ્તારો અને દારૂની હેરાફેરી કરતા તત્વો પર બાજ નજર રાખી રહી છે, જેને પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
