રાજેશ વસાવા :- સુખસર
દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપનું પ્રભુત્વ | પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 5 હોદ્દેદારોની વરણી.!
મુખ્ય ચૂંટણી અધિકારી, વહીવટદાર જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં સર્વનુંમતે પસંદગી કરાઈ
ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ ફટાકડા ફોડી વિજયને વધાવ્યો,
દાહોદ તા.___

દાહોદ જિલ્લા પંચાયતમાં યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા ઔપચારિકતા વચ્ચે પૂર્ણ થઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ નિર્વિધ્ને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત મહત્વના હોદ્દેદારોની જાહેરાત કરી હતી.જિલ્લા પંચાયત કચેરી સ્થિત ઠક્કરબાપા સભાખંડ ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ કલેકટર સુરભી ગૌતમ તેમજ વહીવટદાર જિલ્લા વિકાસ અધિકારી સ્મિથ લોઢાની ઉપસ્થિતિમાં બપોરે 12:00 કલાકે યોજાયેલી સભામાં પાંચ અગત્યના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
જાહેર કરાયેલા નામો મુજબ પ્રમુખ તરીકે ગમાબેન અભેસિંહ મોહનીયા, ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ ભરતસિંહ અમલીયાર, કારોબારી ચેરમેન તરીકે સંગીતાબેન અશ્વિનભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્રભાઈ કાળુભાઈ સંગાડા તથા દંડક તરીકે મનીષાબેન અનિલભાઈ ભુરીયાની વરણી કરવામાં આવી હતી.
હોદ્દેદારોની જાહેરાત બાદ જિલ્લા પંચાયત પરિસરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. નવા હોદ્દેદારોને તેમના સ્વજનો, ટેકેદારો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા પંચાયત કચેરી ખાતે સમર્થકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે દેવગઢબારિયા, દાહોદ, ગરબાડા, ઝાલોદ અને ફતેપુરા વિસ્તારના ધારાસભ્યો, રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારા,મહેન્દ્ર ભાભોર કનૈયાલાલ કિશોરી, મહેશ ભુરીયા પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ, તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો તેમજ પક્ષના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે દાહોદ જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો માટે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રભુત્વ સ્થાપિત કરતાં 37 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસે 7 બેઠકો કબજે કરી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીએ તમામ પરંપરાગત રાજકીય પક્ષોને પડકાર આપતા 6 બેઠકો પર જીત મેળવી હતી, જેના કારણે જિલ્લા પંચાયતમાં પાર્ટીની પ્રથમ વખત એન્ટ્રી નોંધાઈ હતી.જિલ્લા પંચાયતમાં ભાજપના બહુમતી આંકડાને પગલે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓની વરણી સરળતાથી પૂર્ણ થઈ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. નવા હોદ્દેદારોના નેતૃત્વ હેઠળ જિલ્લાના વિકાસકાર્યોને વધુ વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
